Columns

કીપ વર્કિંગ

પરીક્ષાની મોસમ નજીક હતી. બસ પરીક્ષા બે મહિના જ દૂર હતી. એક શાળામાં પ્રિન્સિપાલે એક દિવસ અચાનક દસમા અને બારમા ધોરણનાં બધાં વિદ્યાર્થીઓને એસેમ્બલી હોલમાં ભેગાં કર્યાં અને બધાને તેમના રીઝલ્ટ એક પેપર પર લખવા કહ્યું અને પછી બધાને પેપરની બીજી બાજુ તેઓ કેટલા માર્ક્સ લાવવા માંગે છે તે લખવા કહ્યું. બધા વિદ્યાર્થીઓએ લખ્યું અને પછી પ્રિન્સીપાલ બોલ્યા, ‘સ્ટુડન્ટસ, આજે તમારું ઈવોલ્યુશન જુદી રીતે કરવું છે. તમારું જે રીઝલ્ટ છે અને તમને જેટલા માર્ક લાવવા છે તે લગભગ એક સરખા જ છે કે ચાર પર્સન્ટથી વધારે ફરક નથી. તેઓ પહેલા ગ્રુપમાં આવે.બીજા ગ્રુપમાં મહેનત કરવા છતાં રીઝલ્ટ બહુ ઓછું આવ્યું છે અને જે માર્ક લાવવાની ઈચ્છા છે તેમાં ૧૫ પર્સન્ટનો ફરક છે તેઓ બીજા ગ્રુપમાં આવે અને જેમનુ રીઝલ્ટ અત્યારે જ ખરાબ આવ્યું છે અને જે માર્ક લાવવાની ઈચ્છા છે તેમાં ઘણો લાંબો ફરક છે તેઓ ત્રીજા ગ્રુપમાં આવે.’

પ્રિન્સિપાલની સૂચનાને સાંભળીને વિદ્યાર્થીઓ ત્રણ ગ્રુપમાં વહેંચાઇ ગયાં.પછી પ્રિન્સિપાલ બોલ્યા, ‘ચાલો, હવે વાત કરીએ કે આપણે આગળ પરીક્ષાને બે મહિના જ રહ્યા છે ત્યારે આપણે તમારા બધાના રીઝલ્ટને વધારે સારું કરવા માટે શું કરવું જોઈએ તે નક્કી કરીએ.’ ત્રણ ગ્રુપમાં વહેંચાયેલાં વિદ્યાર્થીઓ વિચારવા લાગ્યાં.પહેલા ગ્રુપે વિચાર્યું પ્રિન્સિપાલ આપણને શાબાશી આપશે બાકી આપણું રીઝલ્ટ તો સારું જ છે. બીજા ગ્રુપવાળાં વિદ્યાર્થીઓના મનમાં થયું, આપણને બહુ મહેનત કરવાનું કહેશે. ત્રીજા ગ્રુપનાં વિદ્યાર્થીઓ તો ડરી જ ગયાં કે આજે તો હવે આવી બન્યું. આપણને બધાની વચ્ચે ખીજાશે અને બહુ વધારે કામ આપશે.

પ્રિન્સિપાલ બોલ્યા, ‘ચાલો, પહેલા ગ્રુપની વાત …તમારું રીઝલ્ટ સારું છે અને તેને વધુ સારું બનાવવા તમારે સતત વધુ મહેનત કરતાં રહેવું જરૂરી છે.’પ્રિન્સિપાલે બીજા ગ્રુપને કહ્યું, ‘તમારું રીઝલ્ટ જોઈએ એટલું સારું નથી, પણ તેને વધુ સારું કરવા તમારે સતત વધુ મહેનત કરવાની જરૂર છે.’ પ્રિન્સિપાલ ત્રીજા ગ્રુપ પાસે જઈને બોલ્યા, ‘તમારું રીઝલ્ટ તો બહુ ખરાબ છે પણ તેને વધુ સારું કરવા તમારે સતત વધુ મહેનત કરવાની જરૂર છે.’બધાને નવાઈ લાગી કે પ્રિન્સિપાલે ત્રણે ગ્રુપને એકસરખી એક જ સલાહ આપી કે સતત વધુ મહેનત કરો. આમ કેમ?

પ્રિન્સિપાલ બોલ્યા, ‘વિદ્યાર્થીઓ, આ પરીક્ષા હોય કે જીવનની બીજી કોઈ પણ પરીક્ષા…કોઇ પણ પરીક્ષામાં આપણું રીઝલ્ટ સારું હોય તો પણ તેને વધુ સારું કરવા સતત મહેનત કરવી જરૂરી છે….રીઝલ્ટ ખરાબ હોય તો પણ તેને સુધારવા સતત મહેનત કરવી જરૂરી છે …અને રીઝલ્ટ એકદમ ખરાબ હોય તો પણ તેને સારું કરવા સતત મહેનત જરૂરી છે.એ જ નિયમ સમજવાનો છે.અંગ્રેજીમાં ‘કીપ વર્કિંગ’આ શબ્દોને મંત્ર બનાવી સતત અટક્યા વિના વધુ મહેનત કરતા રહો…ચોક્કસ જ્યાં છો ત્યાંથી આગળ વધી શકશો કારણ કે એકધારી સતત મહેનત જ સફળતાની ચાવી છે.’
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top