Columns

પ્રભુનામ લેતા રહો

એક કબૂતર ને કબૂતરીનું જોડું આકાશમાં ઊડી રહ્યું હતું.કબૂતર એકદમ ભગવાનનો ભક્ત હતો.ભગવાનમાં ખૂબ જ આસ્થા. સતત પ્રભુનામ લે.પ્રભુનામ લેતાં લેતાં તેઓ ઊડી રહ્યાં હતાં ત્યાં એક  આફત આવી. આકાશમાં ઊડતા બાજની નજર તેમના પર પડી અને તેમને ખાવા માટે બાજ તેમની ઉપર ઊડવા લાગ્યું.   આમ પણ કબૂતર ગભરું પંખી અને બાજને જોઇને તો બંને ખૂબ ડરી ગયાં.બંને પૂરી તાકાત લગાવી ઝડપથી ઊડવાની કોશિશ કરવા લાગ્યાં, જેથી બાજથી બચી જવાય. કબૂતર ને કબૂતરીએ ઊડતાં ઊડતાં નીચે નજર કરી કે કોઈ સલામત જગ્યા દેખાય તો ત્યાં નીચે ઊતરી બાજથી છુપાઈ જવાય, પણ નીચે નજર કરી તો એક શિકારી બરાબર તેમનો જ શિકાર કરવા માટે તીર લઈને તૈયાર હતો.

પરિસ્થિતિ વિકટ હતી.ઉપર અને નીચે બંને તરફ મોત હતું.આવી પરિસ્થિતિમાં કબૂતરી તો ક્યારનું હરિનામ લેવાનું ભૂલી ગઈ પણ કબૂતરને કોઈ ભય ન હતો.મારો હરિ કરે તે સાચું. એમ વિચારીને હરિનામ લેતાં લેતાં તે ઊડતું હતું. કબૂતરીને થયું બંને બાજુથી મૃત્યુ નિશ્ચિત છે તો પણ મારા પતિ તો હરિનામ લેવાનું ભૂલ્યા નથી.શું અટલ વિશ્વાસ છે,પણ હવે પહેલાં બાજ તરાપ મારી પકડી પાડશે કે પછી શિકારીનું તીર વાગશે તે જોવાનું બાકી, મોત તો આવ્યું જ સમજો.બંને જાન બચાવવા જાન લગાવી ઊડી રહ્યાં હતાં.કબૂતરનું  ભગવદ્ સ્મરણ અટક્યું ન હતું.કબૂતરી ચિંતા કરતી હતી.

બરાબર તે જ ક્ષણે પ્રભુકૃપાથી  શિકારીને એક મધમાખીએ તીર પકડેલા હાથ પર ડંખ માર્યો.મધમાખીના ડંખની કારમી વેદનાથી શિકારી ચીસ પાડી ઊઠ્યો અને ધનુષ પર ચઢાવેલું તીર જેનું નિશાન તે કબૂતર પર સાધી રહ્યો હતો તે હાથ હલવાથી બદલાઈ ગયું અને તીર ધનુષમાંથી છૂટીને કબૂતર ને કબૂતરીનો શિકાર કરવા ઊડી રહેલા બાજને વાગ્યું.બાજ તીર વાગવાથી જમીન પર પડ્યું.

શિકારીનું ધ્યાન તેની તરફ ગયું અને કબૂતર ને કબૂતરી પર બંને બાજુથી આવી રહેલું મૃત્યુ ટળી ગયું.તેમનો જીવ પ્રભુકૃપાથી બચી ગયો. જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, એક નહિ પણ એકથી વધુ મુશ્કેલીઓ એક સાથે આવે તો પણ ડરવું નહિ અને મુશ્કેલીઓના વખતે પ્રભુ આપણી સાથે છે તે વિશ્વાસ અટલ રાખી,સતત હરિનામ લેવું.નામસ્મરણ છોડવું નહિ,ઈશ્વર જ સાચો સહારો છે અને તે દરેક મુશ્કેલીમાંથી આપને હાથ ઝાલીને બહાર કાઢે છે.હરિનામ લેતાં રહો ..હરિ ભજન કરતાં રહો.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top