Columns

આપતાં રહો

એક દિવસ ગુરુજીએ કહ્યું, ‘શિષ્યો, જીવનમાં એક વાત યાદ રાખજો, હંમેશા બીજાને આપતાં રહેજો ….આપતાં શીખજો …ચાલો, મને જણાવો તમે શું આપશો?’ શિષ્યો બોલ્યા, ‘ગુરુજી, તમારી આ વાત અમે જરૂર યાદ રાખીશું અને અમારી પાસે જે વસ્તુ અમારી જરૂરિયાત કરતાં વધારે હશે તે અમે બીજાને ચોક્કસ આપીશું.’આ જ્વાબ સાંભળી ગુરુજી બોલ્યા, ‘તમારી પાસે જે વધારે હોય તે બીજાને આપજો. આ તો સાવ સામાન્ય વાત કહેવાય, એ તો કોઇ પણ કરે.મારા શિષ્ય થઈને સાવ સામાન્ય કામ કરશો?’ એક શિષ્યે કહ્યું, ‘ગુરુજી, અમે અમારી પાસે જે હશે ,જેટલું હશે તેમાંથી હંમેશા અડધું બીજાને આપીશું.’ગુરુજી બોલ્યા, ‘આ તમારી પાસે જે હોય તેમાંથી પોતા પૂરતું રાખી બાકીનું બીજાને આપવું તે સારી વાત છે.પણ તમારે હજી ઘણું આગળ વધવાનું છે.’ એક શિષ્ય બોલ્યો, ‘ગુરુજી, એથી આગળ વધવાનું એટલે શું કરવાનું?’ગુરુજી બોલ્યા, ‘તમે મારા શિષ્ય છો તો તમારી પાસે બે રોટલા હોય, તમારા કુટુંબ માટે અને તે પણ તમે બીજાના પેટની આગ ઠારવા આપી દો તો એક કક્ષા આગળ વધ્યા કહેવાય.પણ હજી મારું નામ રોશન કરવા તમારે આગળ વધવાનું છે.બસ જીવનમાં એક જ મંત્ર રાખવાનો છે આપતાં રહેવાનો.’

શિષ્યો મૂંઝાયા.એક શિષ્યે હિંમત કરીને પૂછ્યું, ‘ગુરજી, અમે અમારી પાસે માત્ર બે રોટલા હોય અને તે પણ અન્યને આપી દઈએ તે પછી અમારી પાસે કંઈ ન વધે તો પછી હવે અમે અમારી પાસે જ કંઈ ન હોય તો કોઈને કંઈ જ આપી ન શકીએ તો હવે આગળ કઈ રીતે વધીએ? કંઈ સમજાતું નથી.’ ગુરુજી બોલ્યા, ‘એ જ તો સમજવાનું છે. પાસે ઘણું વધારે હોત તો થોડું તો કોઇ પણ આપે , પાસે જે હોય તેમાંથી અડધું સારા લોકો આપે.પાસે જે હોય તે બધું જ બીજા માટે આપી દેવા અમુક ફરિશ્તા જ તૈયાર થાય અને પાસે કંઈ જ ન હોય છતાં બીજાને આપતા રહે તે તો ઉચ્ચતમ અવસ્થા કહેવાય અને તમારે બધાએ આ ઉચ્ચતમ કક્ષા સુધી પહોંચવાનું છે.’

શિષ્યો બોલ્યા, ‘ગુરુજી, પાસે કંઈ જ ન હોય તો આપીએ શું?’ ગુરુજીએ કહ્યું, ‘તમારી પાસે કંઈ જ ન હોય છતાં તમે આપી શકો છો.તમે તમારો સાથ આપો.કોઈને શબ્દોથી હિંમત આપો.કોઈને આશાનું બીજ આપો.કોઈને દિલથી દુઆ આપો.તમારા દુઃખને ભૂલીને અન્યને બે ઘડીનો આનંદ આપો.તમારા ઘા છુપાવીને અન્યના ઘા પર મલમપટ્ટી કરો.પોતાની હતાશા છુપાવી અન્યને પ્રેરણા આપો.આ બધું જ તમે તમારી પાસે કંઈ જ ન હોય છતાં બીજાને આપી શકો છો.’ગુરુજીની વાતે શિષ્યોને વિચારતા કરી મૂક્યા કે ‘આપણી પાસે કંઈ ન હોય તો પણ આપણે બીજાને ઘણું આપી શકીએ છીએ.’બસ આપતા રહો. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top