Columns

કંસનો વધ તો થયો પણ એના સ્વજનો કંઇ વેર લીધા વિના રહે?

હવે એક બીજી કથા ઉમેરવામાં આવી. કંસનો વધ તો થયો પણ એના સ્વજનો કંઇ વેર લીધા વિના રહે? એટલે જરાસંઘ એ વેર વાળવાનો. કૃષ્ણ હવે ધનુર્વિદ્યા શીખવા માગે છે. એક રીતે જોઇએ તો શ્રીકૃષ્ણને કોઇ વિદ્યા શીખવાની કશી અનિવાર્યતા જ નથી છતાં પ્રજાને દેખાડવા આવું બધું કરવું પડે એટલે કૃષ્ણ અને બલરામ સાંદીપનિ ઋષિને ત્યાં આવ્યા. એ સમયે આવા ઋષિઓ વિદ્યાદાન તો કરે અને સાથે અસ્ત્રશસ્ત્ર વિદ્યા પણ આપે. આ ઋષિને ત્યાં  વિદ્યાઓ ગુરુ તો શીખવતા હતા અને એનો ધ્વનિ ચારે બાજુ – દૂર દૂર સુધી સંભળાતો હતો.

કૃષ્ણ નમ્ર બનીને પોતાનો પરિચય આપે છે. ત્યાં એક વડો નિશાળિયો – આજની ભાષામાં મોનીટર હતો – સુદામા નામ. ગુરુને તો શ્રીકૃષ્ણ અને બલરામનો સાચો પરિચય છે એટલે ગોરાણીને બધી વાત કરે છે. એમ કરતા કરતા 14 વિદ્યાઓ, 72 કળાઓ બંને ભાઇઓ શીખ્યા. એક દિવસ ઋષિ બહાર ગયા હતા. ઘરમાં બળતણ ન હતું એટલે ઘરમાંથી કુહાડા કાઢીને શ્રીકૃષ્ણને આપ્યા. આસપાસના લોકોને બહુ નવાઇ લાગી. સુદામા, બલરામ અને શ્રીકૃષ્ણ કુહાડા વડે લાકડાં ચીરવા લાગ્યા અને દેવતાઓ આકાશમાં ઊભા રહી આ દ્રશ્ય જોવા લાગ્યા.

ત્યાં અચાનક વંટોળ – વીજળી – વરસાદ શરૂ થયા. હવે ઋષિપત્નીને ગભરાટ થયો. ઋષિને બે હાથ જોડીને ગોરાણીએ બધી વાત કરી. હવે વાત તો સીધીસાદી હતી. ઋષિએ ક્રોધ કરવાની કશી જરૂર ન હતી પણ તે સમય – આજે પણ – પુરુષપ્રધાન હતો એટલે ઋષિ પત્નીને ‘દુષ્ટ’, ‘સાપિણી’, ‘પાપિણી’ જેવા અપશબ્દો બોલે છે અને ઋષિ ત્રણે શિષ્યોને શોધવા નીકળી પડે છે. શ્રીકૃષ્ણ ગોરાણીનો જરા પણ વાંક કાઢતા નથી – એમ કરતા આશ્રમે આવે છે. ફરી શ્રીકૃષ્ણનો મહિમા વધારવા એક પ્રસંગ યોજયો છે. ગોરાણી કૃષ્ણ પાસે દોણી માંગે છે અને શ્રીકૃષ્ણ બેઠા બેઠા હાથ લાંબો કરીને – આજના સુપરમેનની જેમ – દોણી લાવી દે છે.

તે સમયે એવો રિવાજ કે વિદ્યા ભણ્યા પછી ગુરુદક્ષિણા આપવી પડે. ગુરુ તો કશું માંગતા નથી પણ ગોરાણી ક્ષિપ્રા નદીમાં ડૂબી ગયેલો પોતાનો બાળક માગે છે, એટલે બલરામ અને શ્રીકૃષ્ણ નદી કાંઠે ગયા અને નદીએ તો કહ્યું કે હવે એ બાળક તો સાગર ભેગો થઇ ગયો એટલે શ્રીકૃષ્ણ સાગર કાંઠે ગયા. સમુદ્રે પંચજન નામનો રાક્ષસ બાળકને લઇ ગયો હશે એમ કહ્યું. યુદ્ધ કરવા માટે શસ્ત્રો માંગ્યા. સમુદ્રે કૌમોદકી નામની ગદા આપી. પછી કૃષ્ણે ગદાયુદ્ધ કર્યું. કૃષ્ણ ભગવાને પાંચજન્ય નામનો શંખ લીધો અને ધર્મરાજ પાસે જઇ પહોંચ્યા. ત્યાં નરકવાસી કોણ થાય તેની આખી યાદી આપી છે. પ્રેમાનંદ પોતાના શ્રોતાઓને આ રીતે બોધ પણ આપે છે. વિશ્વાસઘાતી, બ્રહ્મહત્યા કરનારા, ગૌહત્યા કરનાર, કન્યાવિક્રય કરનાર, અભક્ષ પદાર્થો ખાનારા, મદિરાપાન કરનારા, પરનિંદા કરનાર, રજસ્વલા સ્ત્રીઓ સાથે સહવાસ કરનારા, તીર્થ દેવતાઓની નિંદા કરનારા – આવા બધા લોકો નરકવાસી થાય. એક રીતે જોઇએ તો મોટાભાગની પ્રજા નરકવાસી જ થાય ને.’

નરકવાસી થયેલા બધા જીવ શ્રીકૃષ્ણના દર્શન કરીને પાવન થયા. ધર્મરાજ પાસેથી બાળક લઇને ગુરુને આપ્યું. સુદામા – કૃષ્ણ વિખૂટા પડયા અને પ્રેમાનંદ તો પુરાણો વાંચીને બેઠા હતા. પોતે જે ભાષામાં લખતા હતા, તેનું અભિમાન પણ હતું એટલે તેઓ કહે છે –
આ પાસા વ્યાસ વાંચે સંસ્કૃત, આ પાસા મારું પ્રાકૃત.
હવે ભણી ગણીને બંને ભાઇ મથુરામાં આવ્યા. બીજી બાજુ ગોકુળમાં ગોપીઓ દુ:ખી દુ:ખી એટલે શ્રીકૃષ્ણ ઉદ્ધવને બોલાવે છે અને મનની વાત કરે છે –
મુને મથુરાનું રાજ ગમતું નથી,
વહાલો મુને ગોવાળિયાનો વાસ, હો વીરાજી.
દેવકીનું ખટ – રસ અન્ન ભાવે નહીં,
વહાલી મુને વ્રજનારીની છાશ, હો વીરાજી

એટલે ગોપીઓ માટે સંદેશો લઇને ઉધ્ધવે જવું અને બધાને સમજાવી સમાધાન કરવું એટલે ઉધ્ધવ નંદરાયને ત્યાં જાય છે. જશોદાને એમ કે કૃષ્ણ આવ્યા પણ ઉધ્ધવને જોઇને નિરાશ થઇ ગયા. જશોદા કૃષ્ણના સમાચાર જાણવા બહુ આતુર. એક રીતે જોઇએ તો ભલે દેવકી જન્મદાતા બની પણ જશોદા પાલકમાતા પણ એક રીતે જોઇએ તો કવિઓએ જશોદાને અવારનવાર યાદ કરી છે. દેવકીને ભાગ્યે જ યાદ કરી છે. ઉધ્ધવ ઘણી બધી રીતે બધાને સમજાવવાનો પ્રયાસ કરે છે પણ જશોદા કંઇ જ્ઞાનવાર્તાથી રીઝે? તે તો સ્પષ્ટ કહે છે :

‘અમો અજ્ઞાનીના મન કાળો કામળો રે,
ન ચડે બીજો રંગ, પહેલી શ્યામલતા રે,
જશોદા ભૂતકાળ યાદ કરે – કૃષ્ણની બાળલીલા વારેવારે સ્મરે છે –
ઘુઘરિયાળી ગોફણી, લટકે નાકે મોતી રે,
ઠમકે ઠમકે ચાલતો, હું પૂંઠે જોતી રે,
તમો કહો એ બ્રહ્મ, અમો એમ માનીએ રે!’
વ્રજનારીઓનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ જોઇને ઉધ્ધવ તો ભારે લાગણીવશ થઇ જાય છે –
અને આમ ને આમ ગોપીઓ વિરહ વેદના અનુભવે છે.

Most Popular

To Top