Columns

જરા થોભીને જુઓ

એક મોટીવેશનલ સ્પીકર બોલવા ઉભા થયા તેમનો વિષય હતો ‘તમારા જીવનની નવી ખુશીઓ ’  સ્પીકર બોલવા ઉભા થયા તે પહેલા જ વિષય સાંભળીને જે બધાએ વિચારી લીધું હતું કે સ્પીકર ખુબ મહેનત કરવાની ..બહુ પૈસા કમાવાની અને જીવનમાં કોઈ પાસે ન હોય તે બધી જ સેવેન સ્ટાર વસ્તુઓ મેળવવાની વાતો કરશે.’ સ્પીકરે શરુ કર્યું, ‘હું આજે તમને બધા જ મોટીવેશનલ સ્પીકર જે કહે છે કે જો તમે મહેનત નહિ કરો તો જીવનમાં સફળ નહિ થાવ અને જો તમે જીવનમાં સફળ નહિ હો …તમે જીવનમાં બીજા પાસે ન હોય તેવું કઈ કાશ મેળવ્યું નહિ હોય તો તમારી કોઈ કિંમત જ નથી…આ જીવન તમે વેડફી નાખ્યું છે …આ દુનિયામાં તમારું કોઈ અસ્તિત્વ જ નથી …તમે ખત્મ થઇ ગયા છો… આવું કઈ જ કહેવાનો નથી !!!’

સ્પીકરના આ શરૂઆતના વાક્યો સાંભળી બધાને નવાઈ લાગી. પણ બધા ધ્યાનથી સાંભળવા આતુર બન્યા કે સ્પીકર હવે આગળ શું બોલશે? સ્પીકરે આગળ કહ્યું, ‘જીવનમાં સફળતા પાછળ દોડવું અને તે મળે પછી જ બધી ખુશી મળે અને સફળતા ન મળે તો જીવન નકામું આ વિચારને જ અટકાવવાની જરૂર છે.અને જરૂર છે નવી ખુશીઓ શું છે તે જાણવાની.સૌથી પહેલી ખુશી છે તમે પોતાની જાત સાથે રહો …જેવા છો તેવા જ રહો …કોઈ ડોળ ન કરવો પડે તે રીતે મનગમતું કરો.આ પોતાની જાત સાથે ખુશ રહેવા માટે સફળતાની કોઈ જરૂર નથી.બીજી ખુશી છે મનગમતા લોકો સાથે સમય વિતાવવાની …ગમતું પીણું પીતાં પીતાં કલાકો વાતો કરવાની… અહીં પણ જરૂર છે કોઈ સાથીની સફળતાની નહિ.’ બધાએ તાળીઓ પાડી.

સ્પીકર આગળ બોલ્યા, ‘જીવનમાં અનેક નાની નાની ખુશીઓ તમે તમારા પરિવાર ..મિત્રો ..સ્વજનો ..પડોશીઓ ..તમારા શોખ …જૂની યાદોમાંથી શોધી શકશો..જેમ કે કયારેક તમારા દીકરાની બોલીગમાં આઉટ થઈ જુઓ  …ક્યારેક દીકરીના હાથે ખાલી કપમાં ખોટી ખોટી ચા પીઓ ..ક્યારેક કોઈ જુના મિત્રને શોધીને મળો ….કયારેક મમ્મી પાસે માથમાં તેલ નખાવો ….આવી અનેક ખુશીઓ આપણી  પાસે છે  એક એક ખુશી શોધતા જાવ અને માણતા રહો…નાની નાની વાતોની ખુશીને માણો.પણ સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આવી એક નહિ અનેક ખુશીઓ તમારી પાસે છે જ …પણ આપણે બધા ઠોકી બેસાડેલી વાત કે જીવનમાં ખુશ રહેવા માટે સફળતા ખુબ જ જરૂરી છે તે જ યાદ રાખીએ છીએ અને બસ સફળતા મેળવવા પાછળ બધું જ ભૂલીને દોડીએ છીએ …

એક સફળતા મળે એટલે કઈ આપણે થોભતા નથી ..બીજી સફળતા પાછળ ભાગવાનું શરુ કરી દઈએ છીએ…આ સતત ભાગતાં રહેવાથી આપણે નાની નાની ખુશીઓ જે આપણી આજુબાજુ છે તેને જોતા જ નથી…તે બધું જ ગુમાવીએ છીએ.નાની નાની ખુશીઓ શોધવા માટે કોઈ મોટી સફળતાની કોઈ જરૂર નથી …જરૂર છે થોડા અટકવાની …એક સરખી દોડ છોડીને જરા થોભીને આજુબાજુ જોવાની કે આપણું  જીવન કેટલી નાની નાની ખુશીઓથી ભરેલું છે.’ બધાએ સ્પીકરની વાત તાળીઓ સાથે વધાવી લીધી.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top