SURAT

જૂનમાં પીએમ મોદી બોઈંગ 777 વિમાનમાં આવશે ત્યારે સુરતના ઈતિહાસમાં પહેલીવાર આ ઘટના બનશે

સુરત: (Surat) આવનારા જૂન મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) સુરત એરપોર્ટ (Surat Airport) પર ચાલી રહેલા વિકાસના કામોના નિરીક્ષણ માટે આવશે. મોદી પોતાના સત્તાવાર વીવીઆઈપી બોઈંગ 777 (Boeing 777 ) વિમાનમાં (plane) સુરત આવનાર હોવાથી સુરત એરપોર્ટ માટે આ પહેલો એવો પ્રસંગ બનશે કે જ્યારે પ્રથમ વખત બોઈંગ 777 જેવું મોટું વિમાન સુરત એરપોર્ટ પર ઉતરશે. મોદી આવવાના હોવાથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન સંજીવકુમારે મંગળવારે અચાનક પોતાની ટીમ સાથે સુરત એરપોર્ટ પર ચાલી રહેલા ટર્મિનલ બિલ્ડીંગ વિસ્તરણ, એપ્રન અને ટેક્ષીવે પ્રોજેક્ટના 353 કરોડના પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. સાથે સાથે વેસુ તરફના રનવેના 615 મીટરના કાપ,નડતરરૂપ બિલ્ડીંગને લગતાં કેસની વિગત પણ મેળવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

  • પીએમ મોદી દ્વારા એરપોર્ટના વિકાસના કામોનું નિરીક્ષણ કરાશે, સાથે સાથે ડાયમંડ બુર્સનું લોકાર્પણ પણ કરે તેવી સંભાવના
  • મોદી આવવાના હોવાથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન સંજીવકુમારે અચાનક સુરત એરપોર્ટના 353 કરોડના પ્રોજેકટનું નિરીક્ષણ કર્યું

તેમણે સુરત એરપોર્ટ પર ચાલી રહેલા કામો ક્યારે પૂર્ણ થશે એને લગતી વિગતો પણ મેળવી હતી. મંગળવારની બેઠકમાં બંને ઇજારદાર એજન્સીના જવાબદાર અધિકારી પણ હાજર રહ્યાં હતાં. તાજેતરમાં એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠકમાં જે ડેટા રજૂ થયો હતો તેમાં PTT માત્ર 37 ટકા અને ટર્મિનલ બિલ્ડિંગનું કામ 47 ટકાથી વધુ પૂર્ણ થયું હોવાનું જણાવાયું હતું. ટર્મિનલ બિલ્ડિંગની સૂચિત પૂર્ણતાની તારીખ અને PTT પ્રોજેક્ટની પૂર્ણતાની તારીખ લંબાવીને 31/12/2022 કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ આવે એ પહેલાં ચેરમેન જાગ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતમુર્હુત કરેલા સુરત એરપોર્ટના પ્રોજેકટ વિલંબથી ચાલી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલુ મહિને અથવા જુનમાં સુરત એરપોર્ટ આવે એ પહેલાં ચેરમેન સંજીવકુમાર જાગ્યા હોય એવું જણાય છે. વડાપ્રધાન રખેને તેમણે શરૂ કરાવેલું કામ 3 વર્ષે પણ પૂરું ન થયું હોવાનું જાણી કોઈ ટિપ્પણી કરે એ પહેલાં સમીક્ષા કરી કામની ઝડપ વધારાશે. મોદી સુરત ડાયમંડ બુર્સના 8 કરોડના ખર્ચે બનેલા ગેટનું લોકાર્પણ કરી શકે છે. સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુર્હુત કરવા સુરત આવશે એવી શક્યતા છે.

આભવા,ભીમપોર,ડુમસના ખેડુતોએ બિન જરૂરી જમીન રિઝર્વેશનની દરખાસ્ત રદ કરવા રજૂઆત કરી
ખુડાના ડીપી અને સુરત એરપોર્ટના 2035 ના માસ્ટર પ્લાનમાં આભવા, ભીમપોર, ડુમસની 750 એકર જમીન સૂચિત પેરેલલ રનવે માટે રિઝર્વેશનમાં મુકવાની દરખાસ્ત સામે નારાજ ખેડૂત આગેવાનોએ કાંતિભાઈ નાનુભાઈ પટેલ-આભવાની આગેવાનીમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન સંજીવકુમારને આવેદનપત્ર આપી અગાઉ સંપાદનમાં લેવાયેલી 500 એકર જમીનનો કોઈ ઉપયોગ થયો નથી. ત્યારે નડતરરૂપ બાંધકામો,પેસેન્જર ટ્રાફિક સર્વે, નડતરરૂપ ગેસ પાઇપ લાઇન અને ઓએલએસ સર્વે વિના જમીન રિઝર્વેશનમાં નહીં મુકવા રજૂઆત કરી હતી.

Most Popular

To Top