Entertainment

જોની ડેપ – એમ્બર હર્ડ કેસમાં આખી દુનિયાને કેમ રસ પડી રહ્યો છે?

હોલિવૂડની ફિલ્મોમાં જો તમને રસ હોય તો તમે પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન ફિલ્મ અને આ નામની સીરિઝ વિશે ચોક્કસ સાંભળ્યું જ હશે. આ ફિલ્મમાં અભિનેતા જોની ડેપે અભિનય કર્યો હતો. તેઓ ત્રણ વખત ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થયા છે અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતી ચૂક્યા છે. હોલિવૂડ એક્ટર જોની ડેપ અને તેની પૂર્વ પત્ની એમ્બર હર્ડનો કોર્ટકેસ આજકાલ ચર્ચામાં છે. ચર્ચામાં એટલે છે કારણ કે આ કેસના ગવાહોનાં લિસ્ટમાં દુનિયાના રિચેસ્ટ પર્સન ઈલોન મસ્ક અને અભિનેતા જેમ્સ ફ્રેન્કો સામેલ છે!

58 વર્ષીય જોની ડેપે તેની પૂર્વ પત્ની અને અભિનેત્રી એમ્બર હર્ડ પર કેસ કર્યો છે. હકીકતમાં 2018 માં એમ્બરે વોશિંગ્ટન પોસ્ટ અખબારમાં એક લાંબો લેખ લખ્યો હતો. લેખમાં તેણી ઘરેલુ હિંસાનો શિકાર બની હોવાનું જણાવ્યું હતું. જો કે, તેણે કોઈનું નામ લીધું ન હતું પરંતુ જોની ડેપે દાવો કર્યો કે, આ લેખ તેની બદનામી કરે છે અને તેનાથી તેની કારકિર્દી પર અસર પડી છે. આ પછી જોની ડેપે તેની પૂર્વ પત્ની વિરુદ્ધ 50 મિલિયન ડોલરનો કેસ દાખલ કર્યો હતો. બદલામાં સામે એમ્બરે 100 મિલિયન ડોલરનો કેસ પણ દાખલ કર્યો છે. હવે આ સિવિલ કેસની સુનાવણી ચાલી રહી છે. આ પહેલાં પણ 2016માં એમ્બર હર્ડે જોની ડેપ પર હુમલાનો આરોપ લગાવ્યો હતો.

અલબત્ત, જ્યુરીમાં રહેલા લોકોએ જોની ડેપ અને એમ્બર વચ્ચેની ઓડિયો રેકોર્ડિંગ પણ સાંભળી હતી, જેમાં જોની ડેપને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરતા સાંભળી શકાય છે. એક જગ્યાએ એમ્બર હર્ડ જોની ડેપ પર બૂમો પાડે છે અને તેને સિગારેટ કોઈ બીજાના શરીર પર બુઝાવવાનું કહે છે! જોની ડેપ એમ્બરને તેના વજન વિશે અપમાનજનક વાતો કહે છે. જ્યુરીએ ભૂતપૂર્વ દંપતીના ચિકિત્સકોની જુબાની પણ સાંભળી હતી. જેમણે કહ્યું કે, જોની અને એમ્બર કેવી રીતે એકબીજાનો દુરુપયોગ કરી રહ્યા હતા. જોની ડેપની સારવાર કરનાર તબીબી સ્ટાફે પણ જુબાની આપી હતી. મનોવૈજ્ઞાનિકની જુબાની – ફોરેન્સિક સાયકોલોજિસ્ટે એમ્બર હર્ડની ટીમ વતી જુબાની આપી છે અને કહ્યું છે કે તે માને છે કે એમ્બર ઘરેલુ હિંસાનો શિકાર બની હતી. સામે જોની ડેપ દ્વારા બોલાવવામાં આવેલા મનોવિજ્ઞાનીએ જણાવ્યું હતું કે, એમ્બર બે પ્રકારના વ્યક્તિત્વ વિકારનો શિકાર છે.

મજાની વાત તો એ છે કે, આજકાલ પશ્ચિમના દેશોમાં ચર્ચાનું કારણ બનેલા આ કેસની સુનાવણીનું જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, આ કેસમાં ઈલોન મસ્ક અને અભિનેતા જેમ્સ ફ્રાન્કો સહિત ઘણા ઉચ્ચ પ્રોફાઇલ લોકો જુબાની આપશે. બંનેની મુલાકાત 2011માં હોલિવૂડ ફિલ્મ ‘ધ રમ ડાયરી’ના સેટ પર થઈ હતી, જેનું શૂટિંગ પ્યુર્ટો રિકોમાં થયું હતું. થોડાં વર્ષો પછી બંને ફિલ્મના પ્રચાર દરમિયાન ફરી મળ્યા અને ત્યાંથી તેમના સંબંધોની શરૂઆત થઈ હતી. બંનેએ 2012થી ડેટિંગ શરૂ કરી હતી અને બંનેએ 2015માં લગ્ન કરી લીધા હતા. લગ્નના 15 મહિના પછી બંનેએ તેમનો સંબંધ પૂરો થઈ ગયો છે એવી જાહેરાત કરી હતી. એમ્બર હર્ડે છૂટાછેડા માટે અરજી કરી અને પોતાના ચહેરા પર મારના નિશાન દેખાડી જ્હોની ડેપ સામે રેસ્ટ્રેનિંગ ઓર્ડરની દરખાસ્ત કરી હતી. જોની ડેપે છૂટાછેડા પછી એમ્બરને 7 મિલિયન ડોલર આપ્યા, જેમાં એમ્બરે કહ્યું કે તે આ રકમ દાન કરવા માગે છે. જો કે, જોની ડેપની ટીમ આ દાવા પર સવાલ ઉઠાવી રહી છે.

જુબાની દરમિયાન એમ્બર હર્ડના આરોપો હતા કે – મારા માટે હિંસાનું ચક્ર 2012માં શરૂ થયું હતું. 2012માં જોની ડેપે મારા પર પ્રથમ વખત હુમલો કર્યો હતો જ્યારે હું તેના હાથ પર ટેટૂ જોઈને હસી પડી હતી. તેણે અભિનેત્રી વિનોના રાયડરના નામનું તેના હાથ પર ટેટૂ કરાવ્યું હતું. પહેલાં તેને તેની સાથે સંબંધ હતો. હું હસી કારણ કે મને લાગ્યું કે તે મજાક કરી રહ્યો છે પણ તેણે મને થપ્પડ મારી. જોની ડેપ એક એવી વ્યક્તિ છે જે ખૂબ જ સદભાવનાથી વર્તે છે પરંતુ દારૂ અને ડ્રગ્સની અસર પછી તે ખૂબ ગુસ્સે થઈ જાય છે, તેણે વિચાર્યું કે હું કોઈ બીજા સાથે સંબંધ બાંધી રહી છું. આગળ તે કહે છે, જોની ડેપે કોકેઈન અને આલ્કોહોલનો સમાવેશ કરતી દવાઓના વ્યસનને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.

તે મને મારતો હતો અને પછી ગાયબ થઈ જતો હતો. જ્યારે તે પાછો આવતો ત્યારે તે દારૂના નશામાં ન હોવાથી મારી સાથે પ્રેમથી વાત કરતો હતો. એવું પણ કહેતો કે, બધું બરાબર થઈ જશે. માફી પણ માગી લેતો હતો. હું જોનીને પ્રેમ કરતી હતી, પણ તે મારા જીવનનો સૌથી ખરાબ ભાગ પણ હતો. પોતાની જુબાની દરમિયાન એમ્બરે એક ઘટના વિશે જણાવ્યું હતું. તે અને જોની વેકેશન પર હતા. તેણે કહ્યું, અચાનક એક સ્ત્રી આવી, મારી તરફ ઝૂકી, મારા ખભા પર માથું મૂક્યું. મને લાગ્યું કે તે નશામાં હતી. આ પછી જોની ગુસ્સે થઈ ગયો અને બૂમો પાડવા લાગ્યો અને મહિલા સાથે મારપીટ થઈ હતી. જ્યારે અમે પાછા આવ્યા ત્યારે જોનીએ ડ્રગ્સ શોધવાનું શરૂ કર્યું અને મારા અન્ડરવેર પણ ફાડી નાખ્યા હતા.

સામે જુબાની દરમિયાન જોની ડેપે મૂકેલા આરોપોમાં જણાવ્યું કહ્યું કે, એવું લાગે છે કે એમ્બર હર્ડ માટે હિંસા અને મારપીટ આદત અને જરૂરિયાત બની ગયા હતા. એમ્બર ઘણી વાર મારી સામે અપમાનજનક, ડંખવાળા, ઝેરી અને હિંસક શબ્દો ઉપરાંત હિંસાનો ઉપયોગ કરતી હતી. ક્યારેક તે થપ્પડ મારતી હતી તો ક્યારેક તે મારા માથા પર TVનું રિમોટ ફેંકતી હતી. ઘણી વાર તો મારા ચહેરા પર વાઇનનો ગ્લાસ પણ ફેંકતી હતી. જો મેં કોઈની સાથે ખરાબ કર્યું હોય તો તે મારી જ સાથે કર્યું છે. એક વાર હું પથારીમાંથી ઊઠ્યો, મને મારી બાજુમાં એક વિચિત્ર વસ્તુ મળી, જે માનવ મળમૂત્ર હતું.

જોની ડેપના વકીલો કહે છે કે આક્રમકતા અને આક્રોશ એમ્બર તરફથી આવે છે અને તેણી તેની કારકિર્દીને પ્રોત્સાહન આપવા માટે પોતે પીડિતા હોવાનો ઢોંગ કરે છે. કેસની સુનાવણી દરમિયાન જોની ડેપે કહ્યું કે, જ્યારે તે પીઠની ઈજા માટે દવા લેતો હતો ત્યારે તેને ઓપિયોઇડ્સની લત લાગી ગઈ હતી, જે તેને આપવામાં આવી રહી હતી. તેણે આરોપ મૂક્યો છે કે, જ્યારે તે તેની ડ્રગની લત છોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે એમ્બર હર્ડ તેને એવી દવાઓ લેવાની મંજૂરી આપતી ન હતી.

Most Popular

To Top