Columns

મારી સાથે જોડાઈ જાવ

એક વર્ષો જૂની પ્રેરક કથા છે.એક સમુદ્રકિનારે એક સંત મહાત્મા લટાર મારી રહ્યા હતા. અચાનક દરિયાનું એક મોટું મોજું આવ્યું અને તે મોટા મોજા સાથે એક સાથે હજારોની સંખ્યામાં નાની મોટી માછલીઓ દરિયાકિનારા પર ફેંકાઈ. કોઈક વળી મોજાના ઓસરતાં પાણી સાથે પાછી દરિયામાં ગઈ પણ ઘણી માછલીઓ દરિયાકિનારે ફંગોળાઈને રેતીમાં તરફડવા લાગી.થોડી જ ક્ષણોમાં દરિયાકિનારે હજારો માછલીઓ પાણી વિના તરફડતી હતી અને થોડી જ ક્ષણોમાં તેમનું મોત નિશ્ચિત હતું.આવું થતાં સંત તરત એક પળનો પણ વિલંબ કર્યા

વિના દોડી દોડીને માછલીઓને ઉપાડીને દરિયાના પાણીમાં પાછી ફેંકવા લાગ્યા.જે માછલીઓને સમયસર પાણીનો સ્પર્શ થઇ જતો તે જીવી જઈ રહી હતી.સંત પોતાની સઘળી તાકાત લગાડીને માછલીઓને એક પછી એક બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.એક સાથે શક્ય હોય તેટલી માછલીઓને ઉપાડતા અને દરિયાના પાણીમાં ફેંકતા અને એક ક્ષણ પણ રોકાયા વિના વળી બીજી માછલીઓ બચાવવા દોડતા.
દરિયાકિનારે બીજાં ઘણાં લોકોએ સંતને આમ માછલીઓ ઉપાડીને દરિયામાં ફેંકતા જોયા.અમુક માત્ર જોઇને આગળ વધી ગયા.

અમુક દૂરથી જોઇ રહ્યા.અમુક મજાક કરવા લાગ્યા.અમુક જુવાનિયાઓ સંતને જોઇને માછલીઓ ઉપાડી દરિયામાં નાખવા લાગ્યા.અમુક માછલીઓ ભેગી કરી ટોપલીમાં ભરી વગર મહેનતે માછલી પકડવાનો આનંદ લેવા લાગ્યા.દરિયાકિનારા પર હજારો માછલીઓ પડી હતી અને લોકો પણ અનેક હતા અને બધાની મનોભાવના પણ જુદી જુદી હતી.એક જણે મોટેથી મજાક કરતાં સંતને કહ્યું, ‘ શું આમ કરીને તમે બધી માછલીઓને બચાવી લેશો? શું કામ નાહક મહેનત કરો છો? જુઓ, લોકો તમારી મજાક કરે છે. જુઓ કેટલાંક માછલીઓને દરિયામાં નાખવાને બદલે ટોપલીઓમાં ભરી રહ્યા છે…શું કામ ખોટી દોડા દોડી કરો છો? બધી માછલી કંઈ બચવાની નથી.’

સંત અટક્યા વિના માછલીઓ બચાવતા એટલું જ બોલ્યા, ‘જેને જેમ કરવું હોય તેમ કરે, તમે જુઓ, જે માછલી દરિયામાં જાય છે તેનો જીવ બચી જાય છે.તમે જુઓ, હું એકલો નથી, મારી પર હસવાવાળા ભલે ઘણા હશે, મને સાથ આપવાવાળા પણ છે ખરા. જુઓ આ જુવાનિયાઓ કેટલી મહેનત કરી રહ્યા છે.તમે પણ જો જોડાઈ શકો તો અમારી સાથે જોડાઈ જાવ, નહીં તો નાહક અમારી મહેનતની ચિંતા કરી તમારો સમય ન બગાડો.એક માછલીનો જીવ બચશે તો અમારી મહેનત વ્યર્થ નથી.એક જણ પણ મારા સારા કામમાં જોડાશે તો મારું કામ વ્યર્થ નથી.’

આજના કપરા કાળમાં ચારે તરફ અંધાધૂંધી છે.તકલીફો છે.મુશ્કેલીનો ફાયદો લેવાવાળા લેભાગુઓ છે અને આપણે શું… કહી આગળ વધવા સ્વાર્થીઓ છે અને મદદનો નાનકડો કે મોટો હાથ લંબાવવાવાળા સાથી પણ છે, તમે કયાં છો અને કઈ બાજુ જોડાવું છે તે તમારે નક્કી કરવાનું છે.માનવ છો તો માનવતાના કાર્યમાં એકમેકને મદદ કરવા જોડાઈ જાવ તો જલ્દી તકલીફમાંથી પાર નીકળી જઈશું.

આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top