Comments

જલેબી એ ફાફડાની ધણીયાણી નથી..!

દાંત હોય કે ના હોય, ફાફડા જલેબીનું એક વાર નામ પડવું જોઈએ, મોંઢાની રેતાળ ભૂમિ પણ ભેજવાળી થઇ જાય. ફાફડા-જલેબીનો એ જાદુ છે કે, દેહની એક્ષ્પાયરી ડેઈટ પૂરી થવા છતાં, ફાફડા-જલેબીના ઉલાળિયા કરવા દશેરા-દર્શન કરવા દેહને ખેંચી નાંખતા હોય..! દશેરાના ફાફડા જલેબી ખાવા એટલે, કોઈપણ દેવી-દેવતાના પ્રસાદ ખાધા જેટલું એનું માહાત્મ્ય લાગે..! શું આ બંનેનું જોડું છે..? સારસ અને સારસી જેવું..! ચારેય યુગથી અખંડ દીવાની માફક બંને અખંડ..! સાલી ખૂબી એ વાતની, કે જલેબીએ ક્યારેય ફાફડાનું પાનેતર ઓઢ્યું નથી. છતાં ધણી-ધણીયાણી જેમ બંનેનાં નામ બોલાયા કરે. એવાં અગાઢ પ્રેમનાં પ્રેમલા-પ્રેમલી હોય તેમ, બંને એકબીજા વગર અધૂરાં..!

બંને વચ્ચે એવો મસાલેદાર પ્રેમ કે, ફાફડા વગર જલેબી વિધવા લાગે, અને જલેબી વગર ફાફડો વિધુર લાગે…! જલેબી સાચેસાચ ‘ધણીયાણી’ લાગે ને ફાફડો સાચેસાચ મોડબંધો લાગે..! આસમાની સુલતાની જે આવવાની હોય તે આવે, જલેબીએ ક્યારેય ફાફડા-ત્યાગ કર્યો નથી, ને ફાફડાએ ક્યારેય જલેબી સાથે છૂટાછેડા લીધા નથી. સીતા-રામ, લક્ષ્મી-નારાયણ, શંકર-પાર્વતી, નળ-દમયંતી, હરિશ્ચંદ્ર-તારામતી, કે રાધે-કૃષ્ણ ની માફક બંનેનાં જોડકાં વ્યવહારમાં જ રહ્યાં છે. રુકમણી-કૃષ્ણ નહિ બોલાય એમ, ક્યારેય ફાફડા-જલેબીને બદલે, ફાફડા-ઢોકળું કે, બાસુદી- ફાફડા બોલતાં મેં સાંભળ્યાં નથી. જલેબી મીઠી ફોઈ જેવી છે.

એ ગમે તેની સાથે સેટ થાય, તો પણ ફાફડાએ એનો વિરોધ નોંધાવ્યો નથી. જલેબી ફાફડા સાથે પણ જાય, ઢોકળા સાથે પણ જાય, ભાખરવડી સાથે પણ જાય, ને પેલા મોટા પેટવાળા સમોસા અને ગાંઠિયા સાથે પણ પ્રેમ કરી નાંખે. એનું કામ જ સર્વધર્મસમભાવ જેવું. પણ ફાફડા સાથે એનો સંબંધ એટલે અખંડ રહ્યો કે, ફાફડો બિચારો જેઠાલાલ જેવો સીધોસટ..! સ્વમાની અને સ્વાભિમાની..! જલેબી એવી ગૂંચળાવાળી કે, એનો છેડો શોધવો હોય તો, સારામાં સારો ઈજનેર લાવીએ તો પણ છેડો નહિ મળે. છતાં, ફાફડાએ ક્યારેય એની સાથે તું તું-મેં મેં કરી નથી. વાઈફને કહેતા નહિ, પણ આપણા જેવો સીધોસટ ધણી મળે તો કઈ પત્નીને નહિ ગમે..? આ તો એક વાત..! એટલે તો જેઠાલાલ અને બબીતાની માફક, ફાફડા-જલેબી પણ વર્ષોથી ડંકો વગાડે છે..!

લોકો દશેરાનાં મુહૂર્ત ભલે શોધતાં હોય, પણ ખુદ દશેરો ફાફડા-જલેબીનું મુહૂર્ત જોઇને બેસતો હોય એવો ભાસ થાય. કારણ કે, ફાફડા-જલેબીની ખાધ વગર પંચાંગમાં દશેરો ક્યારેય ઊગતો જ નથી. વર-કન્યાની માફક ફાફડા-જલેબીના ચટણી-પગલાં ઘરમાં પડે પછી જ, દશેરાની જાહોજલાલી ખીલે. એ તહેવાર જ એવો મંગલકારી ને મસ્તીવાળો કે, એ દિવસે અઢળક ઉદ્ઘાટનો થાય. પણ આ દિવસે કોઈ લગ્નગ્રંથીથી જોડાયું હોય, એવું સાંભળવા મળ્યું નથી. પણ ફાફડા-જલેબીનું ચાવણ ભરપૂર થાય. બાળ-બાળ જાણે છે, કે દશેરાના દિવસે રાવણ ઉપર શ્રી રામચંદ્ર ભગવાને વિજય મેળવેલો અને અસત્ય ઉપર સત્યનો વિજય થયેલો, એનો વિજયોત્સવ એટલે દશેરો..!

ભગવાને રાવણ પાસેથી એ દિવસે જ મા સીતાજીનો કબજો મેળવેલો. આમ તો દશેરાને દિવસે સીતા-રામ જ યાદ આવવા જોઈએ, છતાં લોકોને ફાફડા-જલેબી જ વધારે યાદ આવે, એ આપણી સંસ્કૃતિ છે..! દશેરો આવે એટલે સત્ય અને અસત્ય ઉપર તૂટી પડવાને બદલે, ફાફડા અને જલેબી ઉપર જ લોકો વધારે તૂટી પડે. જાણે કે, ફાફડું અસત્ય હોય, ને જલેબી સત્યનું પૂંછડું હોય એમ, એની ખાધ ઉપર જ મારો ચલાવે. હોતા હૈ…! નવ-નવ દિવસ સુધી ગરબા ગાવામાં ગળું બેસી ગયું હોય અને ફાફડા-જલેબી ખાધા વગર ગળું ઊભું થતું ના હોય તો ખાવાં પડે.

નવરાત્રીનાં છેલ્લાં નોરતા સુધી છેલ્લો ગરબો ગાયા બાદ, વહેલી સવારથી ફાફડા-જલેબીની ખાવાની મહેફિલ શરૂ થઇ જાય..! ફરસાણવાળાને ત્યાં, લાઈનો લાગવા માંડે. આ એક જ દિવસ એવો કે, માણસ ફાફડા જલેબી માટે વહેલો ઊઠે, ને સૂર્યદેવતા મોડા પડે. લાંબીલચક લાગેલી લાઈન જોઇને તો એમ જ થાય કે, આ લોકો ફાફડા-જલેબી લેવા આવ્યા છે કે, રાવણને અગ્નિદાહ આપવા..? પણ મૂળ વાત એવી છે કે, નવ-નવ દિવસ સુધી ગરબા ખેંચ્યા પછી, માતાજીનાં દર્શન ભલે નહિ થયાં હોય, પણ ફાફડા-જલેબીનાં દર્શન કરીને બિચારા રાજીપો લઇ લે. જેમ સમુદ્રમંથન વખતે અમૃત મેળવવા માટે લાંબી કતાર લાગેલી, એવી લાંબી કતાર ફરસાણવાળાને ત્યાં લાગી જાય.

કતારમાં ઊભેલાને તો ત્યારે જ ખબર પડે કે, પગની વચ્ચે ઢીંચણ પણ આવેલું છે..! ઢીંચણમાં ટણક મારવા માંડે તો કોઈ બરાડવા પણ માંડે કે, “ જલ્દી કર ને ભાઈ, તું તો ફાફડા તળે છે કે રાવણને તળે છે? કેટલી વાર યાર..?” બિચારા ફાફડા બનાવવાવાળાનો પરસેવો પાડી દે..! એમાં કતારમાં જો કોઈએ ઘૂસ મારી તો, રાવણનો સાક્ષાત્કાર થયો હોય એમ તૂટી પડે. ફાફડા સીધાં ત્યાં સુધી જ સીધા, જો બગડ્યા તો નાગના રાફડા જેવા..! ત્યારે જલેબીને એવું કંઈ નહિ, એ તો ચાર દિવસથી ફેસિયલ કરાવીને છાબડામાં તૈયાર જ બેઠી હોય, એ બિચારીને તો ખબર પણ નહિ હોય કે, આજે મારે કયા ફાફડા સાથે છેડા-ગાંઠી થવાની છે અને કયા ઘરના રસોડે જઈને મારે પગલાં પાડવાનાં છે?

ગરબા ગાવાથી માતાજીનાં દર્શન થાય કે નહિ થાય એ સૌની શ્રદ્ધાનો વિષય છે, પણ ફાફડા-જલેબી વગર જો ગૃહપ્રવેશ કરે તો રણચંડીનાં દર્શન જરૂર થાય એ નરી વાસ્તવિકતા ખરી. તાજા ફાફડા, તીખું તમતમતું પપૈયાનું છીણ, સાથે લાલ મરચાં અને ઘીથી લથબથ જલેબી ખાવાનો એક મહિમા છે મામૂ..! ચંદી પડવાની ઘારી ખાધી હોય ને ઢેકાર આવે, તેવો ઢેકાર નહિ આવે ત્યાં સુધી દશેરો ઝામે નહિ. દશેરાના દિવસે, ફાફડા-જલેબી ખાવા પાછળ વૈજ્ઞાનિક કે ઐતિહાસિક કારણ જે હોય તે, પણ એક માન્યતા એવી છે કે, ભગવાન શ્રી રામને જલેબી ખૂબ ભાવતી અને જલેબી ગળી હોવાથી એકલી ખવાય નહિ, એમાં મીઠાશનું મારણ જોઈએ. એમાં ફાફડાભાઈ ઝામી ગયેલા. બાકી દશેરામાં ખાસ તો જલેબીબાઈનું જ મહત્ત્વ છે..! એવો એકપણ ગુજરાતી ના હોય કે, જેમણે ફાફડા-જલેબી સાથે આભડછેટ રાખી હોય. ગરબો ગાયો હોય કે ના ગાયો હોય, ઓટલે બેસીને ગરબાનું રસદર્શન કર્યું હોય એ પણ ફાફડા-જલેબીનો એટલો જ અધિકારી કહેવાય. સ્વ. ખલીલ ધનતેજવી સાહેબે તો એમ કહેલું કે, “ વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય સાચો ગુજરાતી નથી..!’ એની સામે મારા શ્રીશ્રી ભગાનું કહેવું છે કે,
દશેરાએ જેમણે ફાફડા-જલેબી ખાધી નથી,
તેવાં ગુજરાતી છતાં સાચા ગુજરાતી નથી

લાસ્ટ ધ બોલ
ઓ ભાઈ..! તમે આ કેવી જલેબી બનાવો છો? તમારી જલેબીમાં તો મંકોડો પણ તળાઈ ગયેલો છે..!
એ મંકોડો નથી સાહેબ, અમારી દુકાનનો ‘ટ્રેડ-માર્ક’ છે..!
તારા કપાળમાં કાંદા ફોડું..!
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top