Comments

ગરબાની અદ્‌ભુત સામાજિક – સાંસ્કૃતિક પરંપરાને ગુજરાત જાળવી શકશે?

ગરબો એટલે જેના ગર્ભમાં દીવો – પ્રકાશ છે તે! આપણાં ઘરોમાં શ્રદ્ધાપૂર્વક જે ગરબો લવાય છે તે માટીનું વાસણ – ઘડો જેમાં છિદ્રો હોય છે. એટલે અંદર દીવો મૂકીએ તો છિદ્રો દ્વારા પ્રકાશ બહાર આવે. હવા અને દીપકનો સંબંધ પણ સમજવા જેવો છે. દીવો ખુલ્લામાં મૂકો, હવા વધારે આવે તો દીવો ઓલવાઇ જાય! અને દીવો સાવ બંધ માટલામાં મૂકો તો પણ પ્રાણવાયુ ન મળે, માટે ઓલવાઇ જાય! આ ગરબો હવાથી દીવાને બચાવે પણ છે અને પ્રગટેલા રહેવા માટે જરૂરી હવા પૂરી પણ પાડે છે! એક રીતે આ ગરબો આપણા સમાજજીવનને સમજવામાં મદદરૂપ થાય એવો છે. આ માટીના ગરબારૂપી રોજિંદા જીવનમાં તહેવારો – ઉત્સવો રૂપી છિદ્રો હોય તો જ આપણા વ્યકિતત્વને પ્રકાશવાનો મોકો મળે, હવા મળે!

નવરાત્ર એટલે નવરાત ભારતમાં આદ્યશકિતની ઉપાસના કરનારા માટે, શ્રધ્ધાળુઓ માટે વર્ષ દરમ્યાન ચાર નવરાત્રી આવે છે. આસ્તિકો, દેવી ઉપાસકો તો આ ચારેય નવરાત્રીમાં માની ભકિત કરે છે. પણ ‘ગરબા’ – એ તો માત્ર શારદીય નવરાત્રીમાં અને ગુજરાતમાં જ! એટલે ગરબો એ આપણી ઓળખ છે! ગુજરાતમાં બહેનો ગોળાકાર ફરતા, તાળીઓના તાલ અને શકય હોય ત્યાં ઢોલીનો સાથ લઇ જે ભકિતનાં ગીતો ગાય છે તે ગરબો છે. એક રીતે અહીં પણ પેલા માટીના ભૌતિક ગરબા જેવું જ દૃશ્ય રચાય છે. વચમાં દીપકમાળા કે દીપ મૂકેલ ગરબો મૂકી તેની ફરતે સ્ત્રીઓ તાળીના તાલે ગીત ગાય છે ત્યારે એક ગોળાકાર સ્વરૂપ સર્જાય છે અને તેમની વચમાંથી પણ પ્રકાશનાં કિરણ બહાર આવે છે. આ એક ‘ગરબો’ બને છે, જે જીવંત છે. ગુજરાતમાં આ ગરબો કયાંથી આવ્યો હશે!

નૃત્ય, નાચવું, ગાવું અભિવ્યકત થવું તે માનવીનું મૂળભૂત લક્ષણ અને જરૂરિયાત છે. સાંસ્કૃતિક, સામાજિક ઉત્ક્રાંતિની શરૂઆતમાં આપણા તમામ ઉત્સવો ખેતી સાથે જોડાયેલા હતા. શકય છે ચોમાસું ખેતી પછી, વરસાદના દિવસો પછી ખેતરોમાં ચોમાસું પાક ઊભો હોય ત્યારે પુરુષવર્ગ તેનું ધ્યાન રાખવા મોડી રાત સુધી જાગતો હશે. નવરાત્રી આવ્યા એટલે ઘરમાં દીવો પ્રગટાવી ભકિત આરાધના કરનાર કોઇને વિચાર આવ્યો હશે કે આ દીવો બહાર ખુલ્લામા મૂકી તેની ફરતે જ ગીતો ગાઇએ, સ્તુતિ ગાઇએ તો કેવું? દીવો ચોકમાં મૂકી શકાય એટલે છિદ્રવાળા માટીના નાના ઘડાની શોધ થઇ હશે. અને…. ગામમાં પુરુષવર્ગ ખેતરની સંભાળ રાખતા જાગે ત્યારે સ્ત્રીઓ ગામ વચ્ચે માંડવી મૂકી, ગરીબો મૂકી ગાવાનું અને નાચવાનું શરૂ કર્યું હશે!

ગરબા….  માતાની આરાધના માટે ગવાતાં ગીત, નૃત્ય, તાળીમાં થોડા જ સમયમાં ઊમેરાયો સમાજ મતલબ કે આપણાં રોજિંદા જીવનની ઘટનાઓ, ઊર્મિઓ, સમસ્યાઓ…. ગુજરાત આ બાબતે વિચારે કે આ ગરબા એ સ્ત્રી અભિવ્યકિતનું સમાજશાસ્ત્ર લઇને આવ્યા છે તેમાં શ્રદ્ધા-ભકિતની સાથે જ અભિવ્યકિત છે, સર્જનાત્મકતા છે, સામુહિકતા છે… જો ગાનારાં સૌએ ભેગાં મળીને સર્જન કર્યું હોય તો તે લોકગીત છે અને કોઇ સર્જકે તે લખ્યું હોય તો તે ગીત છે. સર્જન છે.

સાહિત્યની રીતે તો ગીત કે લોકગીત છે તે ગવાય, નૃત્ય સાથે, તાલ સાથે ત્યારે ગરબો બને છે. ગુજરાતમાં સ્ત્રીઓ તાળીઓના તાલ સાથે ગોળ ફરતા ફરતા જે ગાય છે તે ગરબો છે અને પુરુષો જયારે તે ગાય છે, નાચે છે તે ‘ગરબી’ અને સ્ત્રી પુરુષ કે જોડી દ્વારા સામસામા તાલથી ગવાય અને નૃત્ય થાય ત્યારે તે રાસ બને છે! પણ મૂળભૂત રીતે આ સ્ત્રી ભાવોની અભિવ્યકિતનો અવસર છે. ભારતમાં અને પુરુષપ્રધાન વ્યવસ્થામાં બહુ ઓછાં રાજયો – સમાજો છે. જે સ્ત્રીને અભિવ્યકત થવા મોકળાશ આપે છે. ગુજરાતમાં એ રીતે સ્ત્રીઓએ આ મોકળાશ શોધી લીધી હતી. માટે જ આ ગરબા જે આજે માત્ર નૃત્ય થઇ ગયા છે. મનોરંજન અને કમાણીનું સાધન માત્ર થઇ ગયા છે તેને તેના મૂળ અર્થમાં સમજવા અને સાચવવા જેવા છે.

‘ઘોર અંધારી રે રાતલડીમાં નિસર્યા ચાર અસવાર કે આસમાની રંગની ચૂંદડી રે…. અથવા તો કુમકુમનાં પગલાં પડયાં… માડી તારા આવવાનાં એંધાણ ઘણાં…. જેવા ભકિતના ગરબા પછી આપણને ‘મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત’….. કે દાદા હો દીકરી…. વાગડમાં ના દેશો રે સૈ…. વાગડની વઢિયાળી સાસુ…. જેવા સમાજજીવનના ગરબા પણ મળે છે. ‘જોબનિયાને આંખના ઉછાળામાં રાખો કે ‘તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે…. જેવા યુવા હૈયાની ઊર્મિઓનાં ગીત પણ મળે છે.

આપણા ગરબામાં પતિ-પત્નીના ઝઘડાનું નિરૂપણ – મસ્તીભરી રજૂઆતો પણ છે અને લગ્નેતર સંબંધોની વાત પણ છે. જાહેરમાં ગામ વચ્ચે ‘વાગડની વઢિયાળી સાસુ…’ એમ પણ ગાઇ શકે અને ‘વહુ એ વગોવ્યાં મોટા ખોરડા’ની કરુણ કથાઓ પણ ગાઇ શકે… ‘ઓ રંગરસિયા કયાં રમી આવ્યા રાત?’ પણ ગરબામાં ગવાય અને ‘મેં તો રંગ્યો હતો મારા દલડાની સંગ તોય ‘સાયબા’ની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ…. પણ ગવાય…. આપણા ગરબામાં ઊર્મિગીત છે, કથાગીત છે, સમાજની સમસ્યાઓ છે સ્ત્રીજીવનની વેદનાઓ છે.

આ માત્ર ‘ડાન્સ પાર્ટી’ નથી…. એટલે જો આપણે સંસ્કૃતિ અને સામાજિક નિસ્બતની વાત કરતા હોઇએ તો આપણે કહેવું પડે કે ‘પાર્ટી પ્લોટ’ એ પરંપરાનો ધંધો છે અને ડી.જે ના તાલે, કે વ્યાવસાયિક ગાયકો દ્વારા ગવાતા ‘ગરબા’ એ માત્ર મનોરંજન છે. એમાં મૂળ ‘સમાજજીવનની અભિવ્યકિત નથી.’ છેલ્લાં વર્ષોમાં આપણી બહેનોને કશું કહેવું નથી, કશું અભિવ્યકત કરવું નથી. આ ગોરીને નાચવું છે ‘ગાવું’ નથી…. ગોરીનું ખોવાયું છે!

ગરબા દ્વારા થતું લોકશિક્ષણ અટકયું છે…. સંસ્કૃતિ હવે પરંપરા અને રૂઢિ બનવા લાગી છે કારણ તેમાંથી ‘વિચાર’ નીકળી ગયો છે. આપણે ગાતા હતા કે ‘મા નો ગરબો રે, રમે રાજને દરબાર…. ઓલી સુથારની નાર તું તો સૂતી હોય તો જાગ… માના ગરબાની રૂડી માંડવી બનાવ… આ ગરબામાં આગળ માળણ આવે… તેલવાળાની સ્ત્રી આવે. સુથાર માંડવી બનાવે, માળી ફૂલથી શણગારે, તેલવાળા દીવામાં તેલ પૂરો…. ટૂંકમાં ગરબો સંપૂર્ણ  ત્યારે જ થાય જયારે સમાજના તમામ વર્ગો હળીમળીને તેનું સંવર્ધન કરે! આ દેશ પણ એક ગરબો જ છે! કોઇ એકના કરવાથી તે સમૃધ્ધ નથી થતો, ખેડૂત ખેતી કરે, શ્રમિક મહેનત કરે, શિક્ષક ભણાવે…. સૌ પોતપોતાનું યોગદાન આપે ત્યારે આ ‘ગરબો’ પણ સમૃધ્ધ બને છે… આપણે, ગુજરાતે આ ગરબો જાળવવાનો છે. સૌને અભિવ્યકિત તક આપવાની છે. સ્ત્રીને એની ઊર્મિઓ વ્યકત કરવા દેવાની છે! માત્ર કર્મકાંડ અને મનોરંજનથી સંતોષ માનવા જેવો નથી. ગરબો એ અભિવ્યકિતનું સમૂહ માધ્યમ છે તેને જીવાડવાનું છે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top