Columns

એક કરવા જેવો પ્રયોગ

એક માણસ બસની પાછળ દોડ્યો અને અને જી જાન લગાડી દોડતા દોડતા બસ નજીક પહોંચી બસમાં ચઢી ગયો.બસમાં ચઢીને બે ઘડી શ્વાસ લીધા બાદ તેણે કંડકટરને પૂછ્યું, ‘આ બસ કઈ તરફ જાય છે? આ બસનું છેલ્લું સ્ટોપ કયું છે?’ કંડકટર થોડા ગુસ્સા અને થોડી મજાકના સૂરમાં બોલ્યો, ‘અરે ભાઈ દોડીને બસમાં કુદી પડ્યા પણ એટલીએ ખબર નથી કે બસ કઈ છે અને ક્યાં જાય છે?? તો પછી શું કામ બસમાં ચઢ્યા?? ભાનમાં છો કે નહિ?’  પેલા માણસે કહ્યું, ‘અરે અરે, ગુસ્સો ન કરો હું તો બરાબર ભાનમાં જ છું અને સભાન પૂર્વક આ અજાણી બસમાં ચડ્યો છું.’ કંડકટરને નવાઈ લાગી તેણે પૂછ્યું, ‘તો કેમ આ બસમાં ચઢ્યા ??’ માણસે કહ્યું, ‘આ મારી એક રીત છે દર દસ પંદર દિવસે એકાદવાર આવી કોઈ અજાણી બસમાં ચઢી જાઉં છું અને બસ જ્યાં જતી હોય તે નવા સ્થળે હું પણ જાઉં છું.

આ નવો અનુભવ મને ગમે છે.મને મજા આવે છે નવા સ્તલની અચાનક મુલાકાત લેવાની.’ કંડકટરને પેલા માણસનો જવાબ થોડો વિચિત્ર લાગ્યો અને થોડો ગમ્યો પણ ખરો. સાવ નાની વાત છે. પણ વિચારો શું આપણે આવો પ્રયોગ કરી શકીએ? કે આવો પ્રયોગ કરવો જોઈએ? આપણું જીવન એકદમ બીબાઢાળ થઈ ગયું છે…આપણે આપણા જીવનમાં આપણા કમ્ફર્ટકોનમાંથી બહાર નીકળવા તૈયાર જ નથી હોતા અને વળી પાછા જયારે તક મળે ત્યારે ફરિયાદ કરીએ છીએ કે જીવનમાં કોઈ નવીનતા નથી સાવ બેરંગ એકધારું જીવન જીવવાનો તો હવે થાક લાગે છે.

કંટાળો આવે છે.આવી બધી ફરિયાદો ન કરવી હોય તો જીવનમાં પ્રયોગાત્મક બનવા તત્પર રહેવું.નવીનતાને આવકારવી…અજાણી જગ્યાએ જવું…પરિવર્તનનો સ્વીકાર કરવો…જો આ બધું કરી શકીએ આવો કોઈ પ્રયોગ કરી શકીએ તો જીવનનો થાક નહી લાગે અને લાગશે તો પણ આવા કોઈ ક્યારેય ન કર્યું હોય તેવું કામ કરવાથી, અજાણી જગ્યાએ જવાથી, ક્યારેય ન ચાખી હોય તેવી વાનગી ચાખવાથી કે પછી સાવ અજાણી વ્યક્તિને સ્મિત આપવાથી તે થાક ઉતરી જશે.જીવનને તાજગીથી ભરવા માટે ક્યારેક ન ચાલ્યા હોય તે માર્ગે કદમ માંડવા જોઈએ.નવીનતાથી જીવનને શણગારતા રહેવું.જે કઈ નવું જીવનમાં સામે મળે તેનો સ્વીકાર કરતા રહો અને ક્યારેક કોઈ નવો પ્રયોગ કરી નવીનતાને સામે મળીને ભેટતા રહો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top