Comments

પરીક્ષા દેવીની જય હો…!

ઘરમાં કોઈની હમણાં જ બારમાની વિધિ ગઈ હોય એમ, એનું મોઢું પડી ગયેલું. એમાં મને વળી સળી કરવાની ઉપડી કે, ‘કેમ કોઈ ગયું કે શું..? છોગિયું મોંઢું કેમ..? ’મને કહે, ‘ગયું નથી, આવે છે, બોર્ડની પરીક્ષા આવે છે. માટે વાળ કપાવવા જાઉં છું..! એના કપાળમાં કાંદા ફોડું, મને તો એ જ નહિ સમજાયું કે, બોર્ડની પરીક્ષાને મગજ સાથે લેવા દેવા, વાળ સાથે શું નિસ્બત? પણ મરણની ટાલ કરાવવા જતો હોય, તેવો જવાબમાં જુસ્સો જોઇને, એની સાથે ઝાઝી પ્રશ્નોત્તરી કરવાની મારી હિંમત નહિ ચાલી..! બાકી પેટા પ્રશ્ન તો એવો હતો કે, બોર્ડની પરીક્ષા આવે તો વિદ્યાર્થી ‘સોલ્યુશન’શોધવા જાય, વાળ કપાવવા કેમનો જાય? પણ વડીલો એક વાત કહેતાં ગયેલા કે, સૂતેલા સાપને બહુ છંછેડવો નહિ, એમ બારમા ધોરણની પરીક્ષા આપતા વિદ્યાર્થીને પણ બહુ છંછેડવા નહિ. એટલે મેં ચર્ચામાં પૂર્ણવિરામ મૂકી દીધું. મૂંગા રહેવામાં જ મને ભલું દેખાયું..!

 કમાલની છે આ બોર્ડની પરીક્ષા મામૂ..! કોઈ મહાન નેતાનું મૃત્યુ થયું હોય એમ, બોર્ડની પરીક્ષા આવે એટલે ચારેય બાજુ ચહલપહલ ઓછી થઇ જાય. ફટફટિયાના અવાજ ક્ષીણ થઇ જાય, ગલીના અનઘડ ક્રિકેટરો ‘બોલ-બેટ ડાઉન’ની હડતાળ ઉપર ઊતરી ગયા હોય એમ શોધેલા નહિ જડે, એમ ગલી ગલી ગાલિપ્રદાન વગરની શાંતિનિકેતન જેવી લાગવા માંડે..! બોર્ડની પરીક્ષા આવે એટલે, વિદ્યાર્થીના મગજમાં જામેલો કચરો નીકળવા માંડે. ‘પઠાણ’ની માફક પડકાર ફેંકતી યુવાની ‘દેવદાસ’જેવી થઇ જાય. નામ ભલે શાંતિલાલ હોય, તેમાં પણ તોફાન ઊઠવા માંડે.

રીક્ષા અને પરીક્ષા વચ્ચેનો ભેદ બોર્ડની પરીક્ષા આવે ત્યારે જ સમજાય. ‘આઈ રે..આઈ રે..જોર લગાકે આઈ રે..!’જેવું ગીત ગઈ કાલ સુધી ગાનારો, પરીક્ષાની તારીખ પડે એટલે, મંદિર શોધવા માંડે અને મંદિરમાં જઈને લલકારતો થઇ જાય, ‘શિરડીવાલે સાંઇબાબા, આયે હૈ તેરે દર પે સવાલી..!’ગમતીના ફોટા ખિસ્સામાં રાખવાને બદલે, દેવી-દેવતાના ફોટા રાખતો થઇ જાય. બોર્ડને બદલે બોર્ડર ઉપર લડવાના ભોગ લાગ્યા હોય એમ, એવો અજગર જેવો ઠંડો થઇ જાય કે, જાણે મૌનીબાબા..! દેડકાને હાથી સામે ‘રેસલિંગ’માં ઉતરવાનું આવ્યું હોય એમ અંદરથી પરસેવાન અને બહારથી પહેલવાન..!

ઘરનો એક-એક આદમી આતંકવાદી જેવો લાગવા માંડે. ભૂલમાં પણ કોઈથી બોલાઈ ગયું કે, ‘પરીક્ષા આવી વાંચવા બેસ’તો, વીજળીનો જીવતો તાર પકડાઈ ગયો હોય એમ, મગજ ‘વાઇબ્રેઇટ’થવા માંડે. કાશ્મીર જેવો મોંઢાનો નકશો, સાઉથ આફ્રિકાના જંગલ જેવો થઇ જાય. એ તો સારું છે કે, આવી શૂન્યમનસ્ક હાલતમાં રસ્તે ગોઠવેલા માઈલ-સ્ટોનને દીવા-અગરબત્તી કરવા જતો નથી..!

 પરીક્ષા આવે એટલે અકળાટ અને કકળાટ વધી જાય. મા-બાપના પણ નોર્મલ પ્રેશર એની સાથે ફાટ-ફાટ થવા માંડે. આવું થાય તો માનવું કે, પરીક્ષા દેવી પ્રસન્ન થયાં.! સ્વાભાવિક છે ને, દરેક મા-બાપને એવું હોય કે, દીકરો ભણે તો બે પાંદડે સુખી થવાય. એટલે તો પોતાના દીકરાને વાંચવા માટે દબાણ કરે, બાકી પાડોશીના છોકરાને થોડું કહેવાય, કે બેટા વાંચજે..! પરીક્ષા ટાણે મા-દીકરા એવાં બાઝે કે, ઘરમાં જ ભારત ને ઘરમાં જ પાકિસ્તાન જેવો માહોલ ઊભો થઇ જાય. બાપા સાથે બાઝવા જાય તો દાઝી જવાય, એટલે મા સાથે જ વધારે ઉપાડો લે. અમારો રતનજી કહે એમ, જે ઘરમાં બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થી હોય, ત્યાં સરકારે એકાદ સાદો પોલીસ મૂકવાનું પણ વિચારવું જોઈએ. મા દીકરાનાં તોફાન તો સંભાળે..! આ તો એક ટીપ્સ..!

 બોર્ડની પરીક્ષા એટલે હાઈવોલ્ટેજ ડ્રામા..! સર્જીકલ સ્ટ્રાઈકથી એનો ઓછો અંદાજ અંકાય જ નહિ. હજી સારું છે કે, ભગવાને મગજમાં મીટર જેવું કોઈ મશીન મૂક્યું નથી, નહિ તો મીટર પણ ફાટે ને મગજ પણ ફાટે..! બેમાંથી એક તો ફાટે જ..! પરીક્ષા આવે એટલે પરીક્ષાર્થીની હાલત લૈલા વગરના મજનુ જેવી થઇ જાય. મિત્રો સાથેના ટોળટપ્પાં ઉપર કાપ આવવા માંડે, રખડપટ્ટી ઉપર કાતર ફરવા માંડે, સ્વચ્છંદતા ઉપર હકૂમત આવવા માંડે ને ડોબા બળદને પરાણી ઘોંચતા હોય એમ બધાં વાંચવા માટે ‘ટોક-ટોક’કરવા માંડે..! એક વિદ્યાર્થીને મેં અમસ્તું જ પૂછ્યું કે, ‘બોર્ડની પરીક્ષા આવી છે તો રાત્રે તું કેટલા વાગ્યે ઊંઘે? મને કહે દાદૂ..! વાંચતો હોઉં ત્યારે, વડા-પાઉં મિત્રો, બર્ગર મિત્રો, પીઝા મિત્રો, ઢોસા મિત્રો, પાણીપુરી મિત્રો, ચટણી પૂરી મિત્રો, મલ્ટીપ્લેક્ષ મિત્રો, ને લારી મિત્રોના ઝુંડ મને ચોપડામાં ફરતાં દેખાવા માંડે, એટલે ‘મિત્ર-દર્શન’કરીને સવા નવ વાગ્યે સૂઈ જાઉં અને જો મોબાઈલના રવાડે ચઢી જવાયું તો, રાત પણ ખેંચી નાંખું..!’તારા કપાળના કાંદા ફોડું..!

 બોર્ડની પરીક્ષા પણ અદભુત ટેન્શન છે દાદૂ..! કોઈ અણઘડ ડોકટરે મોઢા ઉપર નીકળેલા ખીલને, કેન્સરની ગાંઠ કહી નાંખી હોય, એવી લુખ્ખી અકળામણ ને ગભરામણ પરીક્ષા વખતે થવા માંડે…! એમાં પાછો ફેબ્રુઆરી મહિનો એટલે ટૂંકો મહિનો..! પરીક્ષા ટૂંકા મહિનામાં જ આવે. વડવાઓ કહેતાં કે, ‘લાંબા સાથે ટૂંકો ચાલે તો, મરે નહિ તો માંદો પડે..!’બાકી પરીક્ષા આપવાની લહેર તો અમારા સમયમાં હતી. ટૂંકી લેંઘીમાં નિશાળે જતાં, ને ટકા પણ ટૂંકા જ લાવતાં..! તો એ અમારું જીવન ગબડી જતું. ભરેલા રીંગણા જેવા આજની માફક ટકા લાવવાની ‘હાયવોય’નહિ.

કારણ કે, નિશાળમાં ગયા પછી જ અમારી નિશાળ ચાલુ થતી, ને નિશાળમાંથી ભાગ્યા એટલે નિશાળ બંધ થઇ જતી. ક્યારેક તો એવું પણ બનતું કે, નિશાળમાં ગયા પછી ખબર પડતી કે, અમારી પરીક્ષા તો આજે જ છે. છતાં જેવું પણ ઠપકારતાં તેમાં પાસ થઇ જતાં. નીચેથી ‘ઉપર’તો ચઢી જતાં..! અમે કેમના પાસ થઇ જતાં, એની અમને આજે પણ ખબર નથી. ખુદ શિક્ષક પણ જાણીને મૂંઝવણમાં મુકાઈ જતાં કે, આ ઉપર ચઢ્યો કેવી રીતે? આજે તો બોર્ડની પરીક્ષા આપવાને બદલે, બકાસુર રાક્ષસના ઘરે જવાનો હોય એમ, વિદ્યાર્થી પણ ટેન્શનમાં ને મા-બાપ હાઈ-ટેન્શનમાં..! હોલસેલ આખો પરિવાર ટેન્શનમાં..! પરીક્ષાના સમયમાં કોઈના મુખદર્શન કરીએ તો, કોઈનું મોઢું વાલી જેવું હોય, કોઈનું સુગ્રીવ જેવું હોય, તો કોઈનું જાંબુવન જેવું થઇ ગયું હોય..!

ને પરીક્ષા આપવા જાય ત્યારે ફૂવ્વારા તો એવા છોડે કે, દીકરાનું વાંચેલું પણ ભુલાવી નાંખે..! એટલું જ કહેવાનું બાકી રાખે કે, “દીકરા રોજની જેમ બેંચ ઉપર ઊંઘી નહિ જતો. ભૂખ લાગે તો જમણા ખિસ્સામાં ગાંઠિયા ભરેલા છે તે ખાજે. ને સાંભળ.. ગાંઠિયા કાઢવામાં કાપલા પડી નહિ જાય તેનું ધ્યાન રાખજે. આવડે એટલું જ લખજે, બાકીનું તારા બાપા ફોડી લેશે. ને નહિ આવડે તો સુપરવાઈઝર સાહેબને મામા કહીને પૂછી લેજે. ને મેડમ આવે તો માસી કહેજે. આવી માયાજાળ નાંખીને જ અમે પાસ થયેલાં, સમજ્યો..? બાજુવાળાને પણ જરા સળી કરીને પૂછી લેવાનું. પૂછતાં પૂછતાં જ પંડિત થવાય. ને સાંભળ, ખિસ્સામાંથી કાપલા કાઢતી વખતે પકડાય નહિ જવાય તેનું ધ્યાન રાખજે. તારા પપ્પાની ઈજ્જત સાચવજે બેટા.!

 હરામ બરાબર જો એમ પૂછતાં હોય કે, બેટા…હોલની ટીકીટ પેન વગેરે લીધું છે ને..? એમાં દીકરી જો બોર્ડની પરીક્ષા આપવા જાય, ત્યારે તો કમાલ કરી નાંખે. એવાં હિબકે ચઢે કે, આપણું ટેન્શન વધી જાય. ક્યાંક માથું ઢાંકીને પેલું ગીત તો નહિ ઉપાડે ને, કે ‘’બાબુલકી દુઆએ લેતી જા, જા તુજકો સુખી સંસાર મિલે…! ‘’એક વાત છે, અમે ક્યારેય અમારા મા-બાપની ઊંઘ ઉડાડી નથી, પરીક્ષા ટાણે પણ અમને ઘોરવા દેતાં. વળી શ્રધ્ધાળુ એટલાં કે, દરેક પરીક્ષા વખતે જુદા રંગનું ખમીશ પહેરાવતા. જેથી શિક્ષકને નિશાની અપાય. અને ધાર્મિક સલાહ પણ આપતા કે, ‘પેપર મળે એટલે તરત લખવા નહિ બેસવાનું. બેંચ ઉપર માતાજીનો ફોટો મૂકીને ચોખાના દાણા નાંખી પહેલાં માતાજીની પૂજા/આરતી કરવાની. સર પૂછે કે, પેપર ક્યારે લખવાનો, તો વટથી કહી દેવાનું કે, હવે માતાજી લખવાનો આદેશ આપે એટલી વાર.!

લાસ્ટ ધ બોલ
અમારા સમયમાં અઠવાડિયા સુધી તો રીઝલ્ટ લેવા પણ નહિ જતાં. અમને ખબર જ હોય કે અમારા રીઝલ્ટમાં શું આવવાનું છે? મિત્રને જ કહી દેતાં કે, મારું રીઝલ્ટ તું જ લઇ આવજે, રીઝલ્ટ લઈને આવે અને ઘરમાં બાપા હોય તો એમ નહિ બોલવાનું કે, તારું ભજિયું થઇ ગયું. એક વિષયમાં ગયો હોય તો એમ કહેવાનું કે, જયશ્રી રામ, બે વિષયમાં ગયો હોય તો સીતા-રામ બોલવાનું અને ત્રણ વિષયમાં ભમરડો ફરી ગયો હોય તો એમ બોલવાનું બ્રહ્મા-વિષ્ણુ મહેશ..! પેલાએ આવીને એટલું જ કહ્યું કે, તેંત્રીસ કરોડ દેવતાની જય હો..! ‘બાપાને છેવટ સુધી ખબર નહિ પડેલી કે, ‘આપણાવાળો બધા વિષયમાં ઊડી ગયેલો કે પાસ થઇ ગયેલો..! એના કપાળમાં કાંદા ફોડું…!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top