Gujarat

10 દિવસ સુધી વરસાદ નહીં આવે, આ તારીખ પછી નવી સીસ્ટમ ઊભી થવાની આશા

શહેરમાં છેલ્લા પખવાડિયાથી પણ વધારે સમય થયો વરસાદે જાણે વિદાય લીધી છે. ધરતીપુત્રો માટે દુ:ખના સમાચાર છે કે હજી આગામી 10 દિવસ સારો વરસાદ થવાના કોઈ સંકેત નથી. આગામી 20 ઓગસ્ટે આવનાર લો-પ્રેશર સિસ્ટમ જો દક્ષિણ ગુજરાત તરફ આવશે તો સારો વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની બીજી ઇનીંગે વિરામ લેતા ધરતીપુત્રોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. આ વર્ષે સારો વરસાદ થવાની આગાહી વચ્ચે શરૂઆતમાં ધોધમાર વરસ્યા બાદ જાણે મેઘરાજા ખોવાઈ ગયા છે. સુરતમાં છેલ્લા પખવાડિયાથી પણ વધારે સમયથી વરસાદે વિરામ લીધો છે.

વહેલી સવારે કે રાત્રે છુટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટા નોંધાયા બાદ બપોરે ફરી તડકો દેખાય છે. હવામાન વિભાગે હજી 10 દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નહીં હોવાનું જણાવ્યું હતું. આગામી 15-16 ઓગસ્ટે એક લો પ્રેસર સિસ્ટમ બંગાળની ખાડીમાં ડેવલપ થશે. આ સિસ્ટમ 20 ઓગસ્ટ સુધી ગુજરાત સુધી જો પહોંચી તો 20 બાદ સારો વરસાદ થવાની સંભાવના છે. પરંતુ જો આ સિસ્ટમ પણ બિહાર તરફ મુવ થઈ તો ઓગસ્ટ મહિનો આ રીતે લોકલ સિસ્ટમથી વરસી રહેલા છુટાછવાયા ઝાપટાથી સંતોષ માનવો પડશે.

Most Popular

To Top