Gujarat

વિશ્વ આદિવાસી દિનની રેલીમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ થતાં ડેડિયાપાડા ધારાસભ્ય સહિત 16 વિરુદ્ધ ફરિયાદ

ડેડિયાપાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે 400 લોકોની મંજૂરી સામે 1600 લોકોની જન મેદની એકત્ર કરવા બદલ ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા સહિત બીટીપીના અન્ય આગેવાનો મળી કુલ 16 લોકો વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ મથકમાં કોરોના ગાઈડલાઇનના ભંગ બદલ ગુનો દાખલ થતાં ખળભળાટ મચ્યો છે.

ગુજરાતના આદિવાસી વિસ્તારમાં 9મી ઓગસ્ટ, 2021ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી થઈ હતી. રાજપીપળા નજીક જીતનગર પોલીસ હેડ કવાટર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ડેડિયાપાડામાં કથિત રૂપે બીટીપી એ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ડીજેના તાલ સાથે જંગી રેલી કાઢી મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. જો કે, ડેડિયાપાડાનો જંગી મેદની વાળો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. એક બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. તો બીજી બાજુ ડેડિયાપાડા પોલીસ એક્શનમાં આવી હતી અને ડેડિયાપાડા રેલીના મુખ્ય સંચાલક સહિય ડેડિયાપાડા ધારાસભ્ય સહિત 16 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ત્યારે એમ જરૂર કહી શકાય કે બીટીપીને મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે કથિત રૂપે કરેલું શક્તિ પ્રદર્શન ભારે પડી ગયું હતું.

ડેડિયાપાડા પોલીસે કોની કોની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો?

(1) વિક્રમ મોતીસિંગ વસાવા(2) મહેશ છોટુભાઈ વસાવા (ડેડિયાપાડા MLA)(3) ચૈતરભાઈ દામજીભાઈ વસાવા (નર્મદા જિલ્લા BTP પૂર્વ પ્રમુખ)(4) દેવેન્દ્ર જેઠાભાઈ વસાવા(5) જગદીશ મંછીભાઈ વસાવા(6) કે મોહન આર્ય (BTP આગેવાન)(7) બહાદુર દેવજીભાઈ વસાવા (નર્મદા જિલ્લા BTP પ્રમુખ)(8) ધર્મેન્દ્ર શુક્લભાઈ વસાવા(9) મહેશ ગેબુભાઈ વસાવા (BTP આગેવાન)(10) દિનેશ ઉબડિયા વસાવા(11) મગન પોહના વસાવા(12) માધવ અમરસિંગ વસાવા(13) બીપીન રામસિંગ વસાવા(14) નિશાર ચિરાગ કુરેશી(15) નરપત પારસિંગ વસાવા (16) મગન ખેતીયા વસાવા

Most Popular

To Top