Comments

ચોકલેટ પ્રેમનું નહીં, રાષ્ટ્રવિરોધનું પ્રતીક છે?

ચોકલેટ શી રીતે નુકસાનકારક છે? ગળી ચોકલેટ મોટે ભાગે દાંતે ચોંટી રહેતી હોવાથી દાંતના સડાને નોંતરે છે. ગળપણ તેમ જ વધુ કેલરીને કારણે તે સ્થૂળતા માટે જવાબદાર મનાય છે અને સ્થૂળતા બીજા અનેક રોગ માટે કારણભૂત બની રહે છે. આમ, વધુ પડતી માત્રામાં ચોકલેટ નુકસાનકારક બની રહે છે. પણ શું ચોકલેટ કદી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બની શકે ખરી? આ વિચિત્ર સવાલનો જવાબ મેળવવા માટે હોંગકોંગની જેલની વર્તમાન પરિસ્થિતિ જાણવી જરૂરી છે.

હોંગકોંગની જેલમાં ઘણી મહિલા કેદીઓ પાસેથી ચોકલેટ અને હેરપીનો મળી આવી છે. આ બાબત હોંગકોંગના સુરક્ષા સેક્રેટરી ક્રિસ ટેન્ગને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ લાગે છે. સ્વાભાવિકપણે કોઈને પણ સવાલ થાય કે આવી મામૂલી બાબતને રાષ્ટ્રીય સુરક્ષા સાથે શી લેવાદેવા? ક્રિસ ટેન્ગે પત્રકારોને જણાવ્યા મુજબ આ ચીજોને જેલમાં ઘુસાડવામાં આવે છે અને કેદીઓ તેનો ઉપયોગ કરીને પોતાનો પ્રભાવ વધારી રહ્યા છે, સમુદાય વધારી રહ્યા છે, જેનો ઉપયોગ તેઓ સરકાર સામે ધિક્કાર ફેલાવવા માટે કરે છે. પરિણામે રાષ્ટ્રીય સુરક્ષા પર ખતરો તોળાઈ રહ્યો છે.

કેદીઓને રોજબરોજની ચીજો મળી રહે એ માટે ‘વૉલ ફેર’ નામનું જૂથ સ્થાપનાર ભૂતપૂર્વ વિધાયક અને સમાજસેવક શિઉ કા ચુનના જણાવ્યા મુજબ આ બન્ને ચીજો અધિકૃત ગણાય છે અને કેદીઓને તે આપી શકાય છે. એને ‘ઘુસાડવાની’ જરૂર નથી પડતી. ટેન્ગની ટીપ્પણી ગળે ન ઊતરે એવી છે. શિઉ કા ચુને વધુમાં કહ્યું હતું કે કેદીઓ આમ પણ સજા પામેલા છે. રાષ્ટ્રીય સુરક્ષા કંઈ તેમનાથી ખતરામાં ન આવી જાય. શિઉએ એક ઈન્ટરવ્યૂમાં એમ પણ જણાવ્યું કે સત્તાવાળાઓને થયેલી ગેરસમજણ દૂર કરવા માટે પોતાનું જૂથ પ્રયત્ન કરશે. 

આ ઘટનાની પૃષ્ઠભૂમિ સમજવા જેવી છે. ૨૦૧૯-૨૦ માં હોંગકોંગમાં એક ખરડાની વિરુદ્ધ લોકજુવાળ ફાટી નીકળ્યો હતો અને લાખો લોકો સડક પર આવી ગયાં હતાં. પ્રત્યાર્પણ વિરોધી ખરડામાં સુધારો લાવવા માટેની ગતિવિધિ  હોંગકોંગની સરકારે આરંભી એટલે નાગરિકોએ તેની સામે પ્રચંડ વિરોધ નોંધાવ્યો. આ ખરડાને મુલતવી રાખવામાં આવ્યો એ સાથે જ તેની સામેનો વિરોધ વધુ જોરમાં વધતો ચાલ્યો. આંદોલનકારીઓએ ચોક્કસ કિસ્સામાં પોલિસની નિષ્ક્રિયતા અને ભેદભાવયુક્ત વલણ સામે સવાલો ઉઠાવ્યા હતા અને પોતાની પાંચ માગણીઓ મૂકી હતી.

આ વિરોધ પ્રદર્શનો તદ્દન મૌલિક ઢબે અને કોઈ પણ આગેવાન વગર, સ્વયંભૂ રીતે, છતાં સુઆયોજિત રીતે ચાલતાં રહ્યાં. અનેક લોકોની ધરપકડ કરવામાં આવી અને તેમને જેલમાં ધકેલવામાં આવ્યા. સરકાર ગમે એવી લોકશાહી હોય, વિરોધ તેને પસંદ પડતો નથી એ વારેવારે પુરવાર થતી રહેતી વાસ્તવિકતા છે. સુરક્ષા સેક્રેટરીના ધ્યાનમાં આવ્યું કે ‘૬૧૨ હ્યુમેનિટેરિયન રિલીફ ફન્ડ’ જેવી સંસ્થાઓ કેદીઓને પોતાનો ‘સંઘર્ષ ચાલુ રાખવા માટે’ જણાવતા પત્રો મોકલતી રહે છે. ૨૦૧૯ માં સ્થપાયેલી આ સેવાસંસ્થા આ વિરોધ દરમિયાન પકડાયેલા, ઘાયલ થયેલા, હુમલા કે ધમકીનો ભોગ બનેલા લોકોને કાનૂની, તબીબી અને મનોવૈજ્ઞાનિક સહાય ઉપરાંત અમુક સંજોગોમાં નાણાંકીય સહાય પણ પૂરી પાડે છે.

પોતાની માન્યતાના સમર્થનમાં સુરક્ષા સેક્રેટરીએ કહ્યું કે અગાઉના તમામ બનાવો સંદર્ભે તેઓ વિશેષાધિકાર ધરાવતા લોકોનું વિશેષ જૂથ તૈયાર કરશે. આ વિશેષાધિકાર આવશે ક્યાંથી? એ મળશે આવી (ચોકલેટ, હેરપીન જેવી) વધારાની ચીજો થકી! ગયે વરસે સર્જાયેલી વિરોધની પરિસ્થિતિને પગલે સામુહિક પ્રદર્શન, અનૌપચારિક ચૂંટણીઓ, સૂત્રોચ્ચાર જેવી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ બની શકે એવી બાબતોને અલગ તારવી છે, જેની પર ચોંપ રાખી શકાય. આ બાબતમાં હવે ચોકલેટ અને હેરપીનનો સમાવેશ પણ થઈ ગયો છે.

હોંગકોંગ સાથે ચીન સીધેસીધું સંકળાયેલું છે. જેલમાં પૂરાયેલા કેદીઓ અને તેમના સમર્થકો પ્રત્યે સત્તાવાળા કઠોર વલણ અપનાવી રહ્યા છે. સરકારવિરોધીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી પણ ગેરકાનૂની કૃત્ય ગણાય એવી પેરવી સત્તાવાળાઓ કરી રહ્યા છે. તેને પગલે લોકશાહીતરફી અનેક જૂથ, ચર્ચ તેમજ શિક્ષકોના સૌથી મોટા સંગઠને પોતાની કામગીરી બંધ કરી દીધી છે.  આ વાત અન્ય ઘણા દેશોની જેમ આપણા દેશમાં પણ લાગુ પડી શકે એમ છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી હોય કે વર્તમાન વડાપ્રધાન હોય, સત્તાનું કેન્દ્ર બની રહેવાની તેમની માનસિકતા લોકશાહીના ગમે એવા ઓઠા હેઠળ પણ છતી થયા વિના રહી શકતી નથી.

અનેક પત્રકારો, કાર્ટૂનિસ્ટોની રાજદ્રોહના આરોપસર હેરાનગતિ કરવામાં આવે છે. મતભેદ ધરાવનારા તમામને ‘રાષ્ટ્રદ્રોહી’ ખાતે ખતવી દેવામાં આવે છે, છતાં સરહદે પાકિસ્તાન કે ચીનનાં અડપલાં થતાં જ રહે છે. રાષ્ટ્રીય સુરક્ષાનો ખરેખરો મામલો એ છે, તેને બદલે વિરોધી સૂરને એક યા બીજા નામે દાબવાની કોશિશો થતી રહી છે. આ પ્રવાહ ઘણા લોકશાહી દેશોમાં જોવા મળે છે, પણ વિરોધી સૂર સાથે કામ પાર પાડવાની રીત સૌ શાસકોની અલગ અલગ હોય છે. ઓઠું ભલે લોકશાહીનું હોય, તેની પાછળ રહેલું શાસકોનું સરમુખત્યારી માનસ તેમના એવા વલણનો પરચો અવારનવાર આપ્યા કરે છે. અનેક સમર્થકો પોતાના શાસકમાં પોતાનો તારણહાર જોતા હોય એ કંઈ મધ્ય યુગની ઘટના નથી, બલ્કે ચાલુ વર્તમાનકાળની સ્થિતિ છે.

શિઉ કા ચુને કહ્યું છેઃ ‘નાગરિક સમાજના પ્રત્યેક જૂથે પ્રચંડ દબાણનો સામનો કરવો પડશે. એવા સંજોગોમાં કદાચ જીવિત રહેવું એ જ અપરાધ બની રહે તો નવાઈ નહીં.’ એમ લાગે છે કે ટેક્નોલોજીને કારણે એક તરફ પૃથ્વીના સીમાડા સંકોચાઈ રહ્યા છે એ જ રીતે શાસકોના મનના સીમાડા પણ સંકોચાતા જાય છે. અભિવ્યક્તિની આઝાદી અને તેની પર અંકુશ મેળવવાની મથામણ આ બન્ને પરિબળો વચ્ચે રસ્સીખેંચ સતત ચાલતી રહી છે. ટેક્નોલોજીને કારણે એ ઘટવી જાઈએ તેને બદલે તે વધુ તીવ્ર બનતી રહી છે.       
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top