Entertainment

અનુષ્કા શર્મા નિવૃત્તિના મૂડમાં છે?

અનુષ્કા શર્મા અને એક જાણીતા સ્પોર્ટ્‌સવેર બ્રાન્ડ વચ્ચે અત્યારે તનાતની થઇ ગઇ છે. અનુષ્કા એવું કહીને ગુસ્સે થઇ છે કે મને પૂછયા વિના મારી ઇમેજનો ઉપયોગ કર્યો છે. હું કોઇ તમારી બ્રાન્ડ એમ્બેસેડર નથી. પૂમા વાળા જવાબ આપવા ગયા પણ અનુષ્કાની પ્રતિક્રિયા પછી ચૂપ થવું પડયું. જો કે લોકો કહે છે કે આ તો પબ્લિસીટી સ્ટંટ છે. વિરાટ કોહલી આ જાણીતી બ્રાન્ડની પોસ્ટને લાઇક પણ કરી ચૂકયો છે તો વિવાદ શાનો? કેટલાક તો એમ પણ કહી રહ્યા છે કે હમણાં તેની ફિલ્મો જ નથી આવતી એટલે ચર્ચામાં રહેવાનો નુસખો અપનાવ્યો છે.

આ વર્ષે તેની એક ‘કાલા’ જ રજૂ થઇ છે ને તેમાં તો નાનકડી ભૂમિકા હતી. તે પહેલાં 2020-21માં એકેય ફિલ્મ નથી આવી. 2019માં ‘ડોલી કિટ્ટી એન્ડ ધોઝ ટ્‌વિનકિલંગ સ્ટાર્સ’ આવેલી તે પણ ચાલી નહોતી. છેલ્લા ઘણા વર્ષથી અનુષ્કાને નામે સફળ રહી હોય એવી એકેય ફિલ્મ નથી. અત્યારે પણ ઝૂલન ગોસ્વામીના ક્રિકેટ જીવન પર બની રહેલી ‘ચકદા એકસપ્રેસ’ જ છે. કદાચ તે એમ માનતી હશે કે નિર્માતા બનવાથી ચાલી જશે પણ ‘એનએચ 10’ અને ‘પાતાલ લોક’ (વેબ સિરીઝ) સિવાયના ત્રણ પ્રોડકશન સફળ નથી રહ્યા.

અનુષ્કા ખૂબ મહત્વાકાંક્ષી નથી પણ સારી ફિલ્મો મેળવવામાં નસીબદાર જરૂર રહી છે. પણ હવે એ સમય વિતી ગયા જેવું લાગે છે. ‘રબને બના દીજોડી’, ‘બેન્ડ બાજા બારાત’, ‘એનએચ 10’, ‘દિલ ધડકને દો’, ‘પીકે’ ‘સુલતાન’ અને ‘સંજુ’ની સફળતા કાંઇ કાયમ તો સાથે ન ચાલે. કદાચ તેને અગાઉ મળેલી સફળતાથી તે વધારે આત્મવિશ્વાસી બની ગયાનું લાગે છે. વિરાટ કોહલી જેવા સ્ટાર ક્રિકેટર સાથેના લગ્નએ પણ તેને કદાચ સલામત બનાવી દીધી છે. પણ તેણે વિચારવું જોઇએ કે જો તે પણ અભિનયમાંથી નિવૃત્તિ લેશે યા બહુ ઓછું કામ કરશે તો કરશે શું? વિરાટ કોહલી પણ બે’ક વર્ષમાં નિવૃત્ત થશે.

અનુષ્કા જો સારી એકટ્રેસ છે તો વધારે કામ કરવું જ જોઇએ. ફિલ્મ યા વેબ સિરીઝ નિર્માણ તે જરૂર કરે પણ મૂળ તો તે ક્રિયેટિવ પર્સન છે, એકટ્રેસ છે. હિન્દી ફિલ્મોમાં સ્ત્રી નિર્માતા સામાન્યપણે નિષ્ફળ ગયા છે. હા, સ્વયં સ્ટાર હોય તો પોતાના બળે ફિલ્મ ચલાવી શકે, બાકી ફકત નિર્માત્રી હોય તો મુશ્કેલ પડે. અત્યારે કંગના રણૌત આક્રમતાથી નિર્માણ- દિગ્દર્શન- મુખય નાયિકા તરીકે ફિલ્મો બનાવે છે. તેનો મિજાજ જૂદો છે. એટલે 2023માં તેણે નવી સ્ટ્રેટેજી સાથે કામ કરવું જોઇએ. તેને આ બાબતે જો કે વિરાટ વધુ મદદ કરી શકે તેમ નથી કારણ કે આ તેનું ક્ષેત્ર નથી. અનુષ્કાએ મોટા પ્રોડકશન હાઉસ સાથે કામ કરી પોતાની સ્થિતિ સુધારવી જોઇએ. •

Most Popular

To Top