World

ઈરીનને ચીન અને રશિયા સૈન્ય મદદ નહીં કરે તેવો વિશ્વાસ, મદદ કરનારને ગંભીર પરિણામોની ચતવણી

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સશસ્ત્ર તણાવ વચ્ચે ગ્લોબલ પોલિટિક્સમાં મોટું નિવેદન આપતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જણાવ્યું હતું કે તેમને રશિયા અને ચીન પર પૂરો વિશ્વાસ છે કે તેઓ ઈરાનને કોઈ પણ પ્રકારની લશ્કરી મદદ પૂરી પાડશે નહીં. વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી પણ આપી હતી કે જો આ બંને દેશોમાંથી કોઈ પણ ઈરાનની મદદમાં સામેલ થશે તો તેના અત્યંત ગંભીર અને માઠા પરિણામો ભોગવવા પડશે.

શી જિનપિંગ અને પુતિન તરફથી મળેલી ખાતરીનો ઉલ્લેખ

  • ચીનની ખાતરી: ટ્રમ્પે જણાવ્યું કે બેઇજિંગ ખાતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે થયેલી તાજેતરની બેઠકમાં તેમને સ્પષ્ટ આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ચીન અથવા તેની કોઈ પણ કંપની ઈરાનને હથિયારોનું વેચાણ નહીં કરે કે તેને સૈન્ય સહાય આપવાની મંજૂરી નહીં આપે.
  • રશિયાનું વચન: પ્રમુખ ટ્રમ્પના જણાવ્યા મુજબ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ તેમને પર્સનલી ખાતરી આપી છે કે રશિયા તેહરાનને કોઈ પણ પ્રકારના શસ્ત્રો વેચશે નહીં.
  • ટ્રમ્પનો વિશ્વાસ: જ્યારે પત્રકારોએ પૂછ્યું કે શું તેઓ ચીન અને રશિયાના આ વચન પર ભરોસો કરે છે, ત્યારે ટ્રમ્પે કહ્યું કે, “મને લાગે છે કે હું તેમના પર વિશ્વાસ કરું છું, પરંતુ આ યુદ્ધમાં તેમની સક્રિય ભાગીદારી તેમના પોતાના દેશો માટે ખૂબ જ ખરાબ સાબિત થશે.”

અમેરિકી સંરક્ષણ મંત્રાલય અને ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં વિરોધાભાસ

ટ્રમ્પનું આ નિવેદન તેમના જ વહીવટીતંત્રના અધિકારીઓના દાવાઓથી તદ્દન અલગ પડી રહ્યું છે. તાજેતરમાં અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે સાંસદો સમક્ષ દાવો કર્યો હતો કે રશિયા અને ચીન પડદા પાછળ એવી પ્રવૃત્તિઓમાં સામેલ છે જેનાથી ઈરાનને અમેરિકા સામે સૈન્ય પગલાં લેવામાં મદદ મળી રહી છે.

બીજી તરફ, રોઇટર્સના એક અહેવાલ મુજબ પર્સિયન ગલ્ફમાં ઈરાન દ્વારા સીએઆઈએ (CIA) ના સ્થળો પર કરવામાં આવેલા હુમલા બાદ અમેરિકી ઇન્ટેલિજન્સ એજન્સીઓ તપાસ કરી રહી છે કે શું રશિયા ઈરાનને ડ્રોન ટેકનોલોજી અને ટાર્ગેટિંગ ઇન્ફોર્મેશન આપીને મદદ કરી રહ્યું છે કે નહીં. જોકે, ક્રેમલિને આ તમામ આરોપો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

ભૂતકાળમાં રશિયન અને ચીની કંપનીઓ પર લાદવામાં આવ્યા હતા પ્રતિબંધો

અમેરિકાએ ભૂતકાળમાં પણ રશિયા અને ચીનની એવી ઘણી કંપનીઓ અને વ્યક્તિઓ પર આકરા આર્થિક પ્રતિબંધો લાદેલા છે, જેમના પર ઈરાનને શસ્ત્રો અને મિલિટરી ટેકનોલોજી મેળવવામાં મદદ કરવાનો આરોપ હતો. ટ્રમ્પના તાજેતરના નિવેદન પરથી એવું પ્રતીત થાય છે કે વહીવટીતંત્રની અંદર આશંકાઓ હોવા છતાં, તેઓ માને છે કે મોસ્કો અને બેઇજિંગ પોતાની ખાતરી પાળશે.

Most Popular

To Top