Sports

કોરોનાની પરિસ્થિતિ જોતા IPLની આગામી સિઝનમાં 2 નવી ટીમ ઉમેરાશે !

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન માટે બે નવા ફ્રેન્ચાઇઝીને સામેલ કરવા માટે ઉત્સુક છે અને આ મામલે હાલમાં પ્રક્રિયા ચાલી રહી છે, જો કે બીસીસીઆઇ હાલમાં દેશમાં કોરોના (CORONA)ની સ્થિતિ અને તેના કારણે માર્કેટની સ્થિતિને ધ્યાને લઇને આ બાબતે હજુ થોડી રાહ જોવા માટે તૈયાર છે.

જો બે નવી ટીમ (2 NEW TEAM) ઉમેરાશે તો તેના કારણે મેચની સંખ્યા પણ વધશે અને તેના કારણે આઇપીએલની મેચની સંખ્યા 76થી 94ની વચ્ચે હોઇ શકે છે. બીસીસીઆઇના કોષાધ્યક્ષ અરૂણ ધૂમલે જણાવ્યું હતું કે અમે આઇપીએલની આગામી સિઝનમાં બે નવી ટીમને સામેલ કરવા માગીએ છીએ. જો કે અમે માર્કેટ અને દેશની હાલની સ્થિતિને જોઇને આગળ વધીશું. અમે આ બાબતે કેટલો સમય લાગશે તે સંબંધે હાલમાં કોઇ ગેરન્ટી આપી શકતાં નથી કારણકે ઘણી બાબતો એવી છે કે જેના પર ધ્યાન આપવું જરૂરી છે.

જે બે નવી ફ્રેન્ચાઇઝીને સામેલ કરવામાં આવશે તેમાંથી એક અમદાવાદ હોવાની પુરેપુરી સંભાવના છે. જો કે નવી ફ્રેન્ચાઇઝી સંબંધે અંતિમ નિર્ણય લેતા પહેલા હરાજીની પ્રક્રિયા કરવામાં આવી શકે છે. બીસીસીઆઇ આવતા વર્ષે મેગા હરાજીની તૈયારી કરી રહ્યું છે. આ હરાજીમાં ત્રણ રિટેશન હશે અને બે રાઇટ ટુ મેચ કાર્ડ ખેલાડી હશે. અન્ય તમામ ખેલાડીઓને હરાજીમાં ઉતારવામાં આવશે. જો બે ફ્રેન્ચાઇઝી સામેલ થશે તો હરાજી મેગા જ કરવી પડશે.

વ્યવસ્થાને અંતિમ રૂપ આપવા માટે ગાંગુલી સહિતના ટોચના પદાધિકારીઓ યૂએઇમાં
હાલની આઇપીએલની બાકી બચેલી 31 મેચોનું 19 સપ્ટેમ્બરથી યૂએઇમાં આયોજન કરવાનું બીસીસીઆઇ દ્વારા નક્કી કરી લેવાયું છે, ત્યારે યૂએઇમાં વ્યવસ્થાને અંતિમ રૂપ આપવા માટે બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, કાર્યકારી સીઇઓ હેમાંગ અમીન, કૌષાધ્યક્ષ અરૂણ ધૂમલ, સંયુક્ત સચિવ જયેશ જ્યોર્જ અને આઇપીએલ અધ્યક્ષ બ્રિજેશ પટેલ યૂએઇમાં જ છે. અમિરાત ક્રિકેટ બોર્ડના અધિકારીઓ સાથે ઘણી બેઠકો કરીને આયોજન સ્થળના નિરિક્ષણ પછી સચિવ જય શાહ ભારત પરત ફર્યા છે.

ઇંગ્લેન્ડથી આવનારા ભારતીય ખેલાડીઓને UAEમાં ક્વોરેન્ટીનમાં છૂટછાટ મળશે
ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં પોતાની અંતિમ ટેસ્ટ માન્ચેસ્ટરમાં રમશે અને જો આ ટેસ્ટ પૂરા પાંચ દિવસ સુધી ચાલશે તો 14 સપ્ટેમ્બરે તે પુરી થશે અને તેના બીજા દિવસે ભારતના આઇપીએલ રમનારા ખેલાડીઓ ચાર્ટર્ડ વિમાન દ્વારા માન્ચેસ્ટરથી દુબઇ પહોંચશે. આ ખેલાડીઓએ યૂએઇમાં ત્રણ દિવસના સખત ક્વોરેન્ટીનનો સામનો કરવો પડી શકે છે, જો કે તેઓ બ્રિટનથી બાયો સિક્યોર માહોલમાંથી આવ્યા હોવાના કારણે તેમને તેમાં છૂટ મળી શકશે.

Most Popular

To Top