Sports

સુનિલ શેટ્ટીની ‘લાડલી’ લગ્ન ગ્રંથિથી જોડાઈ: KL રાહુલના હાથોમાં હાથ રાખી લીધા સાત ફેરા

મુંબઇ: ભારતીય ટીમના (Indian Team) બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) અને અભિનેત્રી આથિયા શેટ્ટીએ (Athiya Shetty) આજે સોમવારે ખંડાલા સ્થિત સુનિલ શેટ્ટીના ફાર્મહાઉસમાં એક ઘનિષ્ઠ પરંતુ ભવ્ય સમારોહમાં પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. અહેવાલો અનુસાર, લગ્નમાં નો ફોન પોલિસી હતી, અને મહેમાનોને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ લગ્ન સમારોહના ફોટા અને વીડિયો પોસ્ટ ન કરે. લગ્નાની પૂર્વ સંધ્યાએ સુનિલ શેટ્ટીએ પાપારાઝીઓને કહ્યું હતું કે એકવાર ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા પછી તેમને નવદંપતીના ફોટા લેવાની તક મળશે.

  • આથિયા સોફ્ટ પિંક લહેંગામાં ખૂબસૂરત દેખાતી હતી
  • તો રાહુલ તેની સફેદ શેરવાનીમાં શાનદાર લાગતો હતો
  • આથિયા-કેએલ રાહુલના લગ્નનું રિસેપ્શન IPL પછી યોજાશે : સુનિલ શેટ્ટી

રાહુલ અને આથિયા બંનેએ પોતાના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા
લગ્નમાં ભારતીય ક્રિકેટર વરૂણ એરોન, ઇશાંત શર્મા, અભિનેતા જેકી શ્રોફ, સલમાન ખાન અને અક્ષય કુમાર પણ સામેલ થયા હતા. નવદંપતી કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ પોતાના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. રાહુલ અને આથિયા બંનેએ પોતપોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલા ચાર ફોટાઓના સેટમાં બંને ઘણાં ખુશ જણાય છે. આથિયા સોફ્ટ પિંક લહેંગામાં ખૂબસૂરત દેખાતી હતી, તો રાહુલ તેની સફેદ શેરવાનીમાં શાનદાર લાગતો હતો. આ ફોટાઓની કેપ્શનમાં બંનેએ લખ્યું છે, ‘તારા સાંનિધ્યમાં, હું પ્રેમ કેવી રીતે કરવો તે શીખું છું ♥️… ’. આજે, અમારા સૌથી પ્રિય લોકો સાથે, અમે એવા ઘરમાં લગ્ન કર્યા છે જેણે અમને અપાર આનંદ અને શાંતિ આપી છે. કૃતજ્ઞતા અને પ્રેમથી ભરેલા હૃદય સાથે, અમે એકતાની આ યાત્રા પર તમારા આશીર્વાદ માંગીએ છીએ.

આથિયા-કેએલ રાહુલના લગ્નનું રિસેપ્શન IPL પછી યોજાશે : સુનિલ શેટ્ટી
ક્રિકેટર કેએલ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટીના લગ્ન પછી આથિયાના પિતા અભિનેતા સુનીલ શેટ્ટી અને તેનો પુત્ર અહાન મીડિયાના પ્રતિનિધિઓને મીઠાઈ વહેંચવા માટે બહાર નીકળ્યા હતા. ત્યારે સુનિલ શેટ્ટીએ સમારંભની વિગતો જણાવતાં કહ્યું હતું કે તે નજીકના સંબંધીઓની હાજરીમાં યોજાયેલો સુંદર, ખૂબ જ નાનો પ્રસંગ હતો, જે સારી રીતે સંપન્ન થયો છે. તેણે કહ્યું હતું કે ફેરે ભી હો ચૂકે હૈ ઔર શાદી ભી સત્તાવાર હો ચૂકી હૈ, ઔર મેં સત્તાવાર સસુર ભી બન ચુકા હું. જ્યારે તેને લગ્નના રિસેપ્શન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે ચોક્કસપણે આઈપીએલ પછી તેનું પ્લાનિંગ કરાશે.

Most Popular

To Top