Sports

ભારતીય ખેલાડીઓ 3 કલાકમાં 4 ગોલ્ડ મેડલ જીત્યા, સાત્વિક-ચિરાગ અને શરથ કમલે પણ બાજી મારી

બર્મિંગહામ: કોમન વેલ્થ ગેમ્સ 2022ના (CWZ 2022) 11માં દિવસે પણ ભારતીય ખેલાડીઓએ (Indian Players) તેમના ઉત્કર્ષ પ્રદર્શનથી દિલ મોહી લીધા હતા. બેડમિન્ટન વુમન્સ સિંગલ્સમાં પી.વી. સિંધુએ અને બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેને ગોલ્ડ મેડલ જીત્યા બાદ બેડમિન્ટન ડબલ્સમાં સાત્વિક અને ચિરાગની જોડીએ ગોલ્ડ જીત્યો છે. આ ઉપરાંત અચંતા શરથ કમલે ટેબલ ટેનિસ મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ જીત્યો છે. ભારતીય ખેલાડીઓએ 3 કલાકમાં 4 ગોલ્ડ મેડલ જીત્યા છે.

આજે કોમનવેલ્થ ગેમ્સ 2022નો છેલ્લો દિવસ છે. ભારતે 23 ગોલ્ડ, 15 સિલ્વર અને 24 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 61 મેડલ જીત્યા છે. ટીમ ઈન્ડિયા હાલમાં મેડલ ટેલીમાં ચોથા સ્થાન પર છે. કોમનવેલ્થ ગેમ્સના અંતિમ દિવસે ભારતીય ખેલાડીઓની નજર મેલ્સ એકાઉન્ટ વધારવા પર છે. પીવી સિંધુએ મહિલા સિંગલ્સની ફાઇનલમાં કેનેડાની મિશેલ લીને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સિંધુની જીત સાથે ભારત મેડલ ટેલીમાં ન્યૂઝીલેન્ડને પાછળ છોડીને ચોથા સ્થાને પહોંચી ગયું છે.

અચંતા શરથ કમલે મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ જીત્યો
ફાઇનલમાં શરથ કમલે ઇંગ્લેન્ડના લિયામ પિચફોર્ડને 11-13, 11-7, 11-2, 11-6, 11-8થી હરાવ્યો હતો. શરથ સમગ્ર ટૂર્નામેન્ટમાં અણનમ રહ્યો હતો. રાઉન્ડ ઓફ 32માં તેણે ઓસ્ટ્રેલિયાના ફિન લુને 4-0થી હરાવ્યો હતો. તે જ સમયે, રાઉન્ડ ઓફ 16માં, શરથ કમલે નાઇજીરીયાના ઓલાજીદે ઓમોટોયો પર 4-2 થી જીત મેળવી હતી. ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય ખેલાડીએ સિંગાપોરના આઇઝેક ક્વેક યોંગને 4-0થી હરાવ્યો હતો. તે જ સમયે, સેમિફાઇનલમાં તેણે ઇંગ્લેન્ડના પોલ ડ્રિંકહોલને 4-2થી હરાવ્યો હતો.

ચિરાગ-સાત્વિકની જોડીએ બેડમિન્ટનમાં ગોલ્ડ જીત્યો
બેડમિન્ટનમાં ભારતીય જોડીએ ઈંગ્લેન્ડની જોડીને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતની સાત્વિક-ચિરાગની જોડીએ 21-15, 21-13ના અંતરથી મેચ જીતી લીધી હતી.

આ અગાઉ લક્ષ્ય સેને બેડમિન્ટનમાં મેન્સ સિંગલ્સની ફાઇનલમાં મલેશિયાના આંગ જે યોંગને 19-21, 21-9, 21-16થી હરાવ્યો હતો. આ સાથે તેણે ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે બેડમિન્ટન વુમન્સ સિંગલ્સમાં ભારતની સ્ટાર ખેલાડી પીવી સિંધુએ કેનેડાની મિશેલ લીને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. પહેલીવાર વુમન સિંગલ્સમાં પીવી સિંધુએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.

Most Popular

To Top