Columns

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનનો કેસ ડોક્ટરો માટે બૂમરેંગ સાબિત થઈ રહ્યો છે

પતંજલિ સામેનો ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA) કોર્ટનો કેસ પરંપરાગત ચિકિત્સાપદ્ધતિના પ્રેમી માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. જો બાબા રામદેવના કેસનો બહુ પ્રચાર ન થયો હોત તો સારું હતું; પણ IMAએ તેને એક મોટી ઘટના બનાવી અને તે આયુર્વેદની પણ વિરુદ્ધ ગઈ. જો બાબા રામદેવ એલોપેથી અને રસીકરણ વિરુદ્ધ બોલવાનું ચાલુ રાખશે તો નામદાર જજે તેમને ફાડી નાંખવાની ધમકી આપીને કંઈક અતિરેક કર્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ આ ભાષા પર નારાજગી વ્યક્ત કરી છે અને જજની ટીકા કરી છે. તેની વિરુદ્ધમાં વકીલોએ કેસ પણ દાખલ કર્યો છે. બૌદ્ધિકો ભેગા થયા છે અને ચર્ચા કરી રહ્યા છે કે શું આયુર્વેદને આ રીતે બદનામ કરી શકાય? હિંદુત્વ બ્રિગેડ પણ હવે આ લડાઈમાં જોડાઈ ગઈ છે.

ન્યાયાધીશે બાબા રામદેવને સલાહ આપતાં કહ્યું છે કે લોકો તેમની સારવારની પસંદગીને અનુસરવા માટે સ્વતંત્ર છે. જ્યારે લોકોને એલોપેથિક દવાઓ અને રસી લેવાની ફરજ પાડવામાં આવે ત્યારે તે ચુકાદાનો ઉપયોગ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે કોઈ પણ સારવારની પદ્ધતિની સખત નિંદા હવે કરી શકાશે નહીં. કોઈ પણ દવાનિર્માતાની ભ્રામક જાહેરાતો અથવા દવાઓનાં જૂઠાં સમર્થન હવે બિલોરી કાચ હેઠળ આવશે. હવે ડોકટરો, સરકારી અધિકારીઓ અને જાણીતી હસ્તિઓ પ્રસાર માધ્યમોનો ઉપયોગ કરીને કોઈ પણ શંકાસ્પદ ઉત્પાદનોની ભલામણ કરશે ત્યારે જનતા ચોક્કસપણે તેનો વિરોધ કરશે.

દાખલા તરીકે બિગ બી દ્વારા દાદરની રસી માટે પ્રચાર કરવા અંગે પહેલેથી જ વિરોધ થઈ રહ્યો છે અને કોવિડ રસી સલામત અને અસરકારક હોવાનું જણાવતી IMA પ્રમુખની સોશ્યલ મિડિયા પોસ્ટની ટીકા થઈ રહી છે. સુપ્રીમ કોર્ટને IMA વિશે ઘણી ફરિયાદો મળી છે. બાબા રામદેવ ઉપરાંત IMA પણ હવે બધાના રડાર પર છે. બિગ ફાર્માના હિતોને પ્રોત્સાહન આપવું હવે મુશ્કેલ બનશે. FMCG સેક્ટર જે શંકાસ્પદ પ્રોડક્ટોનું વેચાણ કરીને કમાણી કરી રહ્યું છે તેને હવે જવાબદાર ગણવામાં આવશે.

 બાબા રામદેવનો વિરોધ કરી રહેલા ડોકટરો પણ હવે અફસોસ કરી રહ્યા છે કે તેમણે વિવાદનો મધપૂડો છેડવાની જરૂર નહોતી. બાબા રામદેવનો વિવાદ ડોક્ટરો માટે બૂમરેંગ સાબિત થઈ રહ્યો છે, કારણ કે તેમણે રામદેવ પર જે આરોપો મૂક્યા છે, તે તેમને પણ લાગુ પડે છે. ડોક્ટરો એ વાતથી ખુશ ન હતા કે જ્યારે તેમનો વ્યવસાય કોવિડ પછી આલોચનાનો સામનો કરી રહ્યો છે ત્યારે બાબા રામદેવ પરનો હુમલો સમયસરનો નથી અને તે સંઘર્ષ તરફ દોરી જશે. ખરેખર એવું જ બન્યું છે. IMA હવે વિવાદનો મધપૂડો છંછેડવા બદલ ઘણા બધા ડોક્ટરોનો ઠપકો મેળવશે.

બાબા રામદેવ સાથે કડક હાથે કામ લીધા પછી સુપ્રીમ કોર્ટને પરિસ્થિતિમાંથી હલનચલન કરવું મુશ્કેલ બનશે; કારણ કે તેનાં નિવેદનોએ એવી જનતાની આશાઓ વધારી છે જે દાયકાઓથી તબીબી જગતનાં જૂઠાણાંનો ભોગ બનેલી છે અને જેને ન્યાય આપવામાં આવ્યો નથી. સોશ્યલ મિડિયાની ચર્ચાઓ અને ઇન્ટરવ્યુએ ઘણી બધી બાબતો જાહેર કરી છે, જે લોકોને તબીબી સામ્રાજ્ય વિશે શિક્ષિત કરશે અને આ શિક્ષણ અને જાગરૂકતા આપણા પર બીજો રોગચાળો ફાટી નીકળ્યા પછી ઉપયોગી સાબિત થશે. સુપ્રીમ કોર્ટ ખાનગી હોસ્પિટલો માટે સીજીએચએસના દરો નક્કી કરીને તેમની નફાખોરીનો ભોગ બનતાં દર્દીને રાહત માટે પણ વિચારી રહી છે.

ભ્રામક જાહેરાતોના મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મંગળવારે એલોપેથીના ડોક્ટરો પર કડક વલણ દાખવ્યું હતું. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ને ફટકાર લગાવતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે પતંજલિ તરફ આંગળી એક ચીંધી રહી છે ત્યારે ચાર આંગળીઓ તેના તરફ ઈશારો કરી રહી છે. ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) કંપનીઓ પણ એવી જાહેરાતો પ્રકાશિત કરી રહી છે જે લોકોને ગેરમાર્ગે દોરે છે. આ ખાસ કરીને શિશુઓ, શાળાએ જતાં બાળકો અને વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી રહી છે.  સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં લાયસન્સ સત્તાવાળાઓને આદેશ આપ્યો છે કે કેન્દ્રીય ગ્રાહક બાબતો અને માહિતી અને પ્રસારણ મંત્રાલયને આ કેસમાં પક્ષકાર બનાવવામાં આવે.

અરજદાર IMAને તેનું ઘર વ્યવસ્થિત બનાવવાની જરૂર હોવાનું નોંધીને બેન્ચે તેને કેસમાં પક્ષકાર તરીકે ઉમેરવાનો નિર્દેશ આપ્યો હતો. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે કહ્યું હતું કે તેને IMAના અનૈતિક આચરણ અંગે ઘણી ફરિયાદો છે. IMA એ કથિત અનૈતિક પ્રથાઓ અંગે પણ તેનું વલણ સુધારવાની જરૂર છે, જ્યાં દવાઓ સૂચવવામાં આવે છે જે મોંઘી અને બિનજરૂરી હોય છે. બેન્ચે સરકારને ત્રણ વર્ષમાં ભ્રામક જાહેરાતો પર કરવામાં આવેલી કાર્યવાહી અંગે એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

હવે સુપ્રીમ કોર્ટે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ અને ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ (વાંધાજનક જાહેરાત) એક્ટ જેવા કાયદાના અમલીકરણ પર નજીકથી નજર રાખવાનું નક્કી કર્યું છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે તપાસ માત્ર પતંજલિ આયુર્વેદ સામે આ કાયદાઓ કેટલી સારી રીતે લાગુ કરવામાં આવી હતી તેના સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ અન્ય ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) દ્વારા બહાર પડાતી ભ્રામક જાહેરાતો સામેના અમલીકરણ પર પણ ધ્યાન આપશે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું કે અમે અહીં કોઈ ખાસ પક્ષ પર હુમલો કરવા આવ્યા નથી. આ કેસ ઉપભોક્તાના હિતમાં છે, કારણ કે તેમને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

નવા નિયમો અનુસાર કોઈ પ્રોડક્ટ અથવા સર્વિસની જાહેરાત તેના વિશે પૂરતી માહિતી અથવા અનુભવ પર આધારિત હોવી જોઈએ. આ નિયમો એવા સમયે લાગુ કરવામાં આવ્યા છે જ્યારે ઘણા લોકપ્રિય કલાકારો અને ખેલાડીઓ ઓનલાઈન ગેમિંગ અને રમી એપ્સ, તમાકુ અને દારૂ જેવાં ઉત્પાદનોની જાહેરાત કરી રહ્યા છે. જ્યારે મેગી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે એવી માગણી ઊઠી હતી કે તેની જાહેરાત કરનારા સેલિબ્રિટીઓ સામે પણ પગલાં લેવાં જોઈએ. બીજું ઉદાહરણ મહેન્દ્રસિંહ ધોનીની આમ્રપાલીની જાહેરાતોનું છે. ફ્લેટ ખરીદનારાઓના વિરોધ બાદ ધોનીને તેમાંથી પીછેહઠ કરવી પડી હતી. શાહરૂખ ખાનની ફેરનેસ ક્રીમની જાહેરાત પણ વિવાદોમાં રહી છે.

તેવાં જ કારણોસર અમિતાભ બચ્ચનની કેન્ડીની જાહેરાત પણ બંધ કરવી પડી હતી. કોઈ પણ પ્રોડક્ટનું એન્ડોર્સમેન્ટ કરવા માટે આ સેલિબ્રિટીઓનો એક દિવસનો ચાર્જ આમિર ખાનનો રૂ. ૫-૭ કરોડ, ઐશ્વર્યા રાયનો રૂ. ૫-૬ કરોડ, શાહરૂખ ખાનનો રૂ. ૪ કરોડ સલમાન ખાનનો રૂ. ૪ કરોડ અને અમિતાભ બચ્ચનનો રૂ. ૨.૫ કરોડ જેટલો છે. નવા નિયમો અનુસાર, કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી દ્વારા ભ્રામક જાહેરાતોને ટેકો આપનાર પર ૧૦ લાખ રૂપિયા  સુધીનો દંડ થઈ શકે છે. સરકાર દ્વારા રચાયેલા નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરવા પર ૫૦ લાખ રૂપિયા સુધીનો દંડ અને પાંચ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.

સારું થયું કે પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાતોના કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને તેમના સહયોગી બાલકૃષ્ણના વકીલને કેટલાક વધુ પ્રશ્નો પૂછ્યા, જ્યારે તેણે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એટલે કે IMAને પણ આવા ઘણા પ્રશ્નો પૂછ્યા, જેના ભાગ્યે જ સંતોષકારક જવાબ મળ્યા હતા. મને ખબર નથી કે એલોપથી ડોક્ટરો બિનજરૂરી અને મોંઘી દવાઓ શા માટે લખે છે અને અમુક દવાઓની હિમાયત કરે છે. આ પ્રશ્નનો IMA શું જવાબ આપશે? એલોપેથી દવાના ક્ષેત્રમાં બધું બરાબર નથી એ વાત કોઈનાથી છૂપાયેલી નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top