Columns

સંતોષનો અતિરેક

અતિ સર્વત્ર વર્જયેત્  શાસ્ત્ર કહે છે.સારી હોય કે ખરાબ કોઇ પણ બાબતનો અતિરેક નુકસાનકારક નીવડે છે. ‘અતિ ભલા નહીં બોલના,અતિ ભલી નહીં ચૂપ,અતિ ભલા નહીં બરસના,અતિ ભલી નહીં ધૂપ   એક દિવસ એક સાધુ ફરતાં ફરતાં એક ગામના પાદરે પહોંચ્યા.બહુ ચાલ્યા હતા અને  બહુ તડકો હતો એટલે તરસ લાગી હતી.તેમણે આજુબાજુ નજર ફેરવી. થોડે દૂર એક ઉજ્જડ વાડી દેખાઈ.સાધુ વાડી સુધી પહોંચ્યા.જોયું તો વાડી ઘણી વિશાળ હતી, પણ કશું બરાબર વાવેતર કરેલું ન હતું. વાડીમાં એક ખૂણામાં એક નાનકડું ભાંગ્યું તૂટ્યું ઘર હતું.તેમાં બે ભાઈઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા. સાધુએ ત્યાં જઈને પાણી માંગ્યું.

મોટા ભાઈની પત્નીએ નમન આવકાર આપ્યો.નાના ભાઈની પત્ની પાણી લઇ આવી.મોટા ભાઈએ સાધુને થોડો વિશ્રામ કરી ભોજન કરી આગળ જવા વિનંતી કરી.સાધુએ સ્વીકાર કર્યો.આરામ કરતાં સાધુએ પૂછ્યું, ‘તમારી વાડી ઘણી વિશાળ છે પણ કઈ વાવેતર કેમ નથી કર્યું? શું પાણીની તકલીફ છે?’ નાના ભાઈએ કહ્યું, ‘ના, ના, અમારી વાડીમાં તો બે કૂવા છે અને પાણીથી ભરપૂર છે. પાણીની કોઈ તકલીફ નથી.’ સાધુએ કહ્યું, ‘તો પછી વાડીમાં વાવેતર કેમ નથી કર્યું?’ મોટા ભાઈએ કહ્યું, ‘અમારી પાસે બે ભેંસ છે, જે ઘણું દૂધ આપે છે.તે વેચીને અમારો ગુજારો થઈ રહે છે.રહેવા ઘર છે.પછી બીજું જોઈએ શું? એટલે ખોટી મહેનત શું કામ કરવી.’ સાધુએ જોયું કે વિશાળ વાડી વાવેતર વિનાની હતી,ઘર ભાંગ્યું તૂટ્યું હતું.ઘરમાં કોઈ સુવિધા ન હતી.

પત્ની અને બાળકોએ ફાટેલાં કપડાં પહેર્યાં હતાં.સાધુ સમજી ગયા કે આ બે ભાઈઓ સંતોષનો અતિરેક કરી મહેનત કરવાથી દૂર ભાગી, બે ભેંસના દૂધની આવક પર બેઠા બેઠા જીવે છે. સાધુએ કહ્યું, ‘તમને વંધો ન હોય તો હું બહુ થાકી ગયો છું.તો રાત અહીં વિશ્રામ કરી સવારે જઈશ તો ચાલશે?’ બંને ભાઈઓએ ખુશીથી હા પાડી.રાત્રે બધા સૂઈ ગયા એટલે સાધુ બે ભેંસને સાથે લઈને જતા રહ્યા. ઘણે દૂર બીજા ગામમાં ભેંસને બે ગરીબ કુટુંબોને આપી દીધી.આ બાજુ ભાઈઓ ઊઠ્યા. જોયું કે બંને ભેંસ અને સાધુ ગાયબ હતાં.હવે શું કરવું?

શોધખોળ કરી, કંઈ ભાળ ન મળી.હવે કંઈ આવક રહી નહિ.પરિવારને પાળવા પોષવા બે ભાઈઓએ વાડીમાં કામ કરવાની શરૂઆત કરી.જુદા જુદા ફળના ઝાડ ઉગાડ્યાં.પાકનું વાવેતર કર્યું.ઘણા પૈસા મળવા લાગ્યા.પરિસ્થિતિ સુધરી.મકાન બરાબર બંધાવ્યું.સુખ જ સુખ મળી ગયું.બે વર્ષ પછી સાધુ આવ્યા.વાડી લીલીછમ હતી.ફળોના વૃક્ષો અને પાક લહેરાતો હતો.સાધુએ કહ્યું, ‘હું જ તમારી બે ભેંસ લઇ ગયો હતો અને મેં ગરીબ પરિવારને આપી દીધી હતી.તમે અતિ સંતોષના પડદા પાછળ આળસુ બની ગયા હતા અને વાડી અને પાણી હોવા છતાં કામ કરી પ્રગતિ કરતા ન હતા.જીવનમાં સંતોષ જરૂરી છે પણ અતિ સંતોષ રાખી આળસ કરવું ખોટું છે.’– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top