Entertainment

ન જીતે, ન હારે છતાંય જોહન ચાલે

હન એબ્રાહમ એક એવો બાજીગર છે જે લાંબા સમયથી બાજી ખેલે છે ને વધારે જીતતો ય નથી કે હારતો ય નથી. અમુક બાજીગર જીતે અને બાજી પરથી ઊભા થઇ જાય, કેટલાકે જીતવું હોય એટલે બાજી પર રહે. જીતવું છે પણ તે શાહરૂખ, રણબીર કપૂર નથી થવાનો. ટોપ સ્ટાર થવાનું બધાના નસીબમાં નથી હોતું અને બધામાં તેવી ટેલેન્ટ પણ નથી હોતી. તેની બોડી સારી છે પણ અભિનય પ્રતિભા બાબતે નબળો છે. હા, તેને ફિલ્મો મળતી રહે છે એટલે તે પણ સુનીલ શેટ્ટીની જેમ સુધરવા માંડયો છે. ઘણી વાર જોરદાર પાત્ર ભજવવાના હોય ત્યારે અભિનયની નબળાઇ છૂપાઈ જાય છે. જહોન તો બને ત્યાં સુધી એકશન ફિલ્મો કરે છે, જેમાં ઇમોશન્સ અમુક મર્યાદામાં જ બતાવવાની હોય છે. આપણે ત્યાં એક ધર્મેન્દ્ર જ એવો હતો કે જે એકશન માટે પર્ફેકટ હતો પણ તે બધા જ પ્રકારની ફિલ્મો માટે તૈયાર થયો. જો ધર્મેન્દ્રની જેમ આગળ વધ્યો હોત તો આજે તેના જૂદા મુકામ હોત.
એકટર તરીકે જેટલો મેચ્યોર નથી તેટલો વ્યકિત તરીકે છે. તેણે ઇન્ડસ્ટ્રીમાં એક સારી છાપ ઊભી કરી છે. હા, બિપાશા બસુ સાથે વર્ષો ફર્યો અને પરણ્યો નહીં એ વાત ખોરી, પણ તે કયારેય લફડેબાજ ગણાયો નથી. 2014માં પ્રિયા રુંચાલને પરણ્યો અને એક સારું લગ્નજીવન ચાલી રહ્યું છે. અત્યારે 51નો થયેલો જોહન ફિલ્મની કારકિર્દીને યોગ્ય રીતે સંભાળવાનું જાણે છે પણ હા, ગયા વર્ષે શાહરૂખ ખાન જેવા સ્ટાર સામે તે ‘પઠાણ’માં વિલન તરીકે આવેલો. કયારેક પોતાનો પરચો બતાવવા મોટા સ્ટાર સામે આવવું પડે છે બાકી તે સિંગલ હીરોવાળી ફિલ્મો વધુ પસંદ કરે છે અને જયાં ઘણા સ્ટાર્સ હોય ત્યાં પણ સ્ક્રિન એન્ટ્રી મારે છે. એવી ફિલ્મ સામાન્યપણે સફળ જવાની હોય છે અને નિષ્ફળ જાય તો પોતાના એકના માથે લેવાનું નથી હોતું. પણ તે સારા વિષયો હોય તેની પણ કાળજી રાખે છે. આ અઠવાડિયે તે ‘તહેરાન’માં આવે છે, જે દિલધડક થ્રીલર છે. આમ જુઓ તો ‘પઠાણ’ પછીની આ ફિલ્મ છે પણ ‘તહેરાન’ પછી બીજી દશેક ફિલ્મો તેની પાસે છે જેમાં નિખિલ આડવાણી દિગ્દર્શિત ‘વેદા’ છે જે જૂનમાં આવશે. ‘તારિક’ નામની ફિલ્મમાં તે રુકમણી મૈત્રા સાથે આવશે જે 29 ઓકટોબરે રજૂ થવાની છે. ‘શૂટાઉટ એટ ભાયખલા’ સંજય ગુપ્તાની ફિલ્મ છે, જેમાં તે અનેક સ્ટાર્સ સાથે 1992ના જે.જે. હોસ્પિટલ શૂટાઉટની યાદ તાજી કરશે. એ ફિલ્મ કદાચ નવેમ્બરમાં આવવાની છે. ‘હાઉસ ફુલ’ ફ્રેન્ચાઇઝીની પાંચમી ફિલ્મમાં પણ ઘણા સ્ટાર્સ છે અને આ વખતે ‘વોર-2’માં તે ઋતિક, એન.ટી. રામારાવ જૂનિયર વચ્ચે ખાસ એન્ટ્રી લેશે. તેની પાસે સાઉથની પણ બે ફિલ્મો છે.
તે નિર્માતા તરીકે હંમેશ સક્રિય રહે છે એટલે આવી રહેલી ફિલ્મોમાં ‘વેદા’ અને ‘ધ ડિપ્લોમેટ’નું નિર્માણ તેનું છે અને તે ઉપરાંત મલયાલમ ફિલ્મ ‘અય્યપનુમ કોશીયુમ’ની રિમેક બનાવી રહ્યો છે. તેણે બહુ વહેલો સિનેમા બિઝનેસ સમજી લીધો છે એટલે જ તે નિષ્ફળતાના ડર વિના પગ જમાવીને ઊભો છે. •

Most Popular

To Top