Sports

ભારતની વન ડે ઈતિહાસની સૌથી મોટી હાર, માત્ર 66 જ બોલમાં ઓસ્ટ્રેલિયાએ મેચ જીતી લીધી

નવી દિલ્હી: ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચેની ત્રણ વનડે શ્રેણીની બીજી મેચ (Match) વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાના હાથે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની જીતમાં મિચેલ સ્ટાર્કે મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેણે પોતાની શાનદાર બોલિંગથી આખી ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. જાણકારી મુજબ બોલની દૃષ્ટિ ભારતના વન ડે ઈતિહાસનો ભારતનો સૌથી મોટો પરાજય હતો.

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 117 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 11 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના આ લક્ષ્યનો પીછો કરીને રેકોર્ડ બનાવ્યો હતો. વનડેમાં પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયાની આ ત્રીજી સૌથી મોટી જીત છે. માત્ર 66 જ બોલમાં ઓસ્ટ્રેલિયાએ મેચ જીતી લીધી હતી.

જણાવી દઈએ કે આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો જે તેમના માટે યોગ્ય સાબિત થયો હતો. મિચેલ સ્ટાર્કની ખતરનાક બોલિંગે ટીમ ઈન્ડિયાને ઘૂંટણિયે પડી જવાની ફરજ પાડી હતી. મિચેલ સ્ટાર્કે આ મેચમાં 5 વિકેટ લીધી હતી. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 31 રન બનાવ્યા હતા.

50 રન થતાં તો ભારતની અડધી ટીમ પેવેલિયનમાં આવી ગઈ હતી
ટીમ ઈન્ડિયાની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. કાંગારૂઓએ ભારતને 26 ઓવરમાં જ 117 રનમાં ઓલઆઉટ કરી દીધું. મિચેલ સ્ટાર્કે જ શરૂઆતમાં ભારતના ટૉપ ઓર્ડરનો ખાત્મો બોલાવી દીધો હતો. 50 રનની અંદર જ ટીમ ઈન્ડિયાની અડધી ટીમ પેવેલિયનમાં ફરી હતી. જ્યારે 100 રનની અંદર 7 વિકેટ ગૂમાવી હતી. ત્યારે બાદ કોહલી અને જાડેજાએ ટીમને સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. નાથન એલિસે કોહલીને આઉટ કરી દેતા ફરી ધબડકો થયો હતો અને ધીમે ધીમે ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.

મિચેલ સ્ટાર્કે એક પછી એક પ્લેયરને પેવેલિયનમાં મોકલી પોતાનો જાદુ બતાવ્યો
આ મેચમાં શુભમન ગિલ ઝીરોમાં જ આઉટ થયો હતો. તેને મિચેલ સ્ટાર્કે આઉટ કર્યો હતો. મિચેલ સ્ટાર્કે પોતાનું જાદુ ચાલુ રાખતા પહેલા રોહિત શર્માને આઉટ કર્યો અને ત્યાર બાદ તરત જ બીજા બોલે સૂર્ય કુમાર યાદવને આઉટ કર્યો હતો. ત્યાર બાદ કેએલ રાહુલને પણ LBW આઉટ કર્યો હતો. સીન અબ્બોટે હાર્દિક પંડ્યાને આઉટ કર્યો હતો. 

Most Popular

To Top