Sports

હોંગકોંગને હરાવી પાકિસ્તાનનો સુપર ફોરમાં પ્રવેશ, રવિવારે ભારત સામે મેચ

શારજાહ: એશિયા કપની આજે અહીં રમાયેલી બંને ટીમ (Team) માટે જીતવી જરૂરી એવી મેચમાં (Match) મહંમદ રિઝવાન અને ફખર ઝમાંની ધીમી અર્ધસદીઓ અને ખુર્શદીલ શાહની અંતિમ ઓવરોમાં 15 બોલમાં 5 છગ્ગા સાથેની 35 રનની આક્રમક ઇનિંગની મદદથી પાકિસ્તાની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટે 193 રન બનાવીને મૂકેલા લક્ષ્યાંક સામે હોંગકોંગની ટીમ માત્ર 38 રનમાં ઓલઆઉટ થઇ જતાં પાકિસ્તાને ટી-20માં રનની દૃષ્ટિએ પોતાનો સૌથી મોટો 155 રને વિજય મેળવ્યો હતો.

હોંગકોંગનો સ્કોર ટી-20 ફોર્મેટમાં રમાયેલા એશિયા કપનો સૌથી નીચો સ્કોર રહ્યો હતો. પાકિસ્તાન વતી શાદાબ ખાને 8 રનમાં 4, મહંમદ નવાઝે 5 રનમાં 3 જ્યારે નસીમ શાહે 7 રમમાં 2 વિકેટ ઉપાડી હતી. મેચમાં પાકિસ્તાન વતી મહંમદ રિઝવાન 57 બોલમાં 78 રન કરીને નોટઆઉટ રહ્યો હતો, જ્યારે ફખર ઝમા 41 બોલમાં 53 રન કરીને આઉટ થયો હતો. આ બંને વચ્ચે 115 રનની ભાગીદારી થઇ હતી.

હોંગકોંગે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલી પાકિસ્તાની ટીમને શરૂઆતમાં જ બાબર આઝમ આઉટ થતાં ઝાટકો લાગ્યો હતો. જો કે તે પછી રિઝવાન અને ફખરે મળીને 115 રનની ભાગીદારી કરીને ટીમને 16મી ઓવરમાં 129 રન સુધી પહોંચાડી હતી. આ દરમિયાન બંનેએ પોતાની અર્ધસદી પુરી કરી હતી. જેમાં ફખરે 38 બોલમાં જ્યારે રિઝવાને 42 બોલમાં પોતાની અર્ધસદી પુરી કરી હતી. ફખર 41 બોલમાં 53 રન કરીને આઉટ થયો હતો. તે પછી બેટીંગમાં આવેલા ખુર્શદીલે 9 બોલમાં 11 રન કર્યા હતા અને તે પછી તેણે બાકીના છ બોલમાં ચાર છગ્ગા ફટકારીને 15 બોલમાં 35 રન કર્યા હતા અને તેના કારણે પાકિસ્તાનની ટીમ 193 રન સુધી પહોંચી હતી.

Most Popular

To Top