National

ભારતીય સેના પ્રમુખ જનરલ પાંડે સંરક્ષણ સંબંધો મજબૂત કરવા 5 દિવસની નેપાળ મુલાકાતે પહોંચ્યા

કાઠમંડુ: ભારતીય (India) સેનાના વડા જનરલ મનોજ પાંડે પાંચ દિવસની સત્તાવાર યાત્રા પર રવિવારે (Sunday) અહીં પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેઓ દેશના ટોચના નાગરિક અને લશ્કરી નેતૃત્વ સાથે વિસ્તૃત વાતચીત કરશે.
નેપાળના વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ બાલકૃષ્ણ કાર્કીએ આગમન પર અહીંના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જનરલ પાંડેનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન જનરલ પાંડેને સોમવારે કાઠમંડુમાં એક સમારોહમાં રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારી દ્વારા નેપાળ આર્મીના જનરલના માનદ પદથી નવાજવામાં આવશે.

નેપાળ અને ભારતના સૈન્ય વડાઓ દ્વારા મુલાકાતોની આપ-લે કરવાની અને બંને સૈન્ય વડાઓને માનદ જનરલની પદવી એનાયત કરવાની લાંબી પરંપરા રહી છે. નેપાળના આર્મી ચીફ જનરલ પ્રભુરામ શર્મા ગયા વર્ષે નવેમ્બરમાં તેમના ભારતીય સમકક્ષના આમંત્રણ પર ભારતની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમને ભારતીય સેનાના માનદ જનરલથી નવાજવામાં આવ્યા હતા.

જનરલ એમએમ નરવણે સેવામાંથી નિવૃત્ત થયા પછી જનરલ પાંડેએ 30 એપ્રિલના રોજ આર્મી સ્ટાફના 29મા વડા તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. જનરલ પાંડે વડા પ્રધાન શેર બહાદુર દેઉબા સાથે મુલાકાત કરશે અને હિમાલયન રાષ્ટ્રના વરિષ્ઠ સૈન્ય અને નાગરિક નેતાઓ સાથે મુલાકાત ઉપરાંત તેમના નેપાળના સમકક્ષ જનરલ શર્મા સાથે વ્યાપક વાટાઘાટો પણ કરશે.

Most Popular

To Top