National

જાપાનના PM ફુમિયો કિશિદાની ભારત યાત્રા: બંને દેશો વચ્ચે આર્થિક-સાંસ્કૃતિક જોડાણ વધારવા પર ચર્ચા

નવી દિલ્હી: (New Delhi) જાપાનના વડાપ્રધાન (Japan PM) ફુમિયો કિશિદા બે દિવસીય ભારતની મુલાકાતે છે. તેઓ શનિવારે ભારતની રાજધાની નવી દિલ્હી પહોંચ્યા હતા. તેઓ અહીં 14મી ભારત-જાપાન (India-Japan) સમિટમાં ભાગ લેવા આવ્યા છે. જાપાનના વડાપ્રધાને સાંજે હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ પછી બંને નેતાઓએ 14મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી. છેલ્લી ભારત-જાપાન વાર્ષિક સમિટ 2018માં ટોક્યોમાં યોજાઈ હતી. કિશિદા 20 માર્ચ સુધી ભારતમાં રહેશે. દરમ્યાન પીએમ મોદી સાથે મુલાકાત બાદ જાપાનના વડાપ્રધાને આગામી 5 વર્ષમાં રૂપિયા 3.2 લાખ કરોડનું મૂડી રોકાણ કરવાની જાહેરાત કરી હતી. પીએમ મોદી અને કિશિદા વચ્ચેની વાટાઘાટો દરમ્યાન બન્ને દેશો વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક જોડાણને વધારવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ વેગ આપવાના માર્ગો સહિત વિવિધ મુદ્ધાઓ પર ‘ફળદ્રુપ’ વાતચીત કરી હતી. કિશિદા એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે જાપાન સરકારના વડા તરીકે ભારતની તેમની પ્રથમ મુલાકાતે અહીં બપોરે 3.40 વાગ્યે આવી પહોંચ્યા હતા. વડા પ્રધાન મોદીના કાર્યાલયે ટ્વિટ કરતાં લખ્યું હતું કે, ”જાપાન સાથે મિત્રતા આગળ વધારી રહ્યા છીએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કિશિદાએ નવી દિલ્હીમાં ફળદાયી વાટાઘાટો કરી હતી. બન્ને દેશો વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક જોડાણને વધારવાના માર્ગો પર ચર્ચા કરી હતી.”

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, મોદી અને કિશિદા વચ્ચેની શિખર મંત્રણાના એજન્ડામાં બહુપક્ષીય સંબંધો તેમ જ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી મીડિયા એડવાઇઝરી અનુસાર જાપાનના વડાપ્રધાન રવિવારે ભારતથી રવાના થવાના છે. કિશિદા તેમની ભારતની મુલાકાત પૂર્ણ કર્યા બાદ કંબોડિયાના પ્રવાસે જશે. જણાવી દઈએ કે આ વર્ષે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠ પણ છે. વડા પ્રધાન મોદી અને જાપાનના તત્કાલીન વડા પ્રધાન શિન્ધો આબે વચ્ચે વાર્ષિક સમિટ ડિસેમ્બર 2019માં ગુવાહાટીમાં સુધારેલા નાગરિકત્વ કાયદાને લઈને આસામની રાજધાનીમાં ભારે વિરોધને પગલે રદ કરવામાં આવી હતી. કોવિડ-19 રોગચાળાને કારણે 2020 તેમ જ 2021માં સમિટનું આયોજન થઈ શક્યું ન હતું.

Most Popular

To Top