Comments

જે બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતને ગુલામ બનાવ્યું, તેની માલિકી હવે ભારતના ઉદ્યોગપતિઓના હાથમાં

જે બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ (East India Company) ભારતને ગુલામ (Slave) બનાવ્યું, તેની માલિકી હવે ભારતના ઉદ્યોગપતિઓના હાથમાં છે. થોડા વખત પહેલાં સંજીવ મહેતા નામના ભારતના ઉદ્યોગપતિ દ્વારા ઇસ્ટ ઇન્ડિયા કંપનીની બ્રાન્ડ ખરીદી લેવામાં આવી હતી અને લંડનમાં (London) તેના નામે ચોકલેટ, કેક વગેરે વેચતી દુકાન પણ ખોલવામાં આવી હતી. હવે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો અમુક હિસ્સો ખરીદી લીધો છે અને ગર્વભેર તેની જાહેરાત પણ કરી છે. શું ભારત પર રાજ કરનારી ઇસ્ટ ઇન્ડિયા કંપની એટલી સસ્તી હતી કે ભારતનો કોઈ ઉદ્યોગપતિ તેને ખરીદી શકે? હકીકતમાં ઇ.સ. ૧૮૫૭ ના વિપ્લવ પછી બ્રિટીશ સરકારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વહીવટ પોતાના હાથમાં લઈ લીધો હતો. ૧૮૭૩ માં બ્રિટીશ સંસદે કાયદો કરીને ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું વિસર્જન કરી નાખ્યું હતું અને તેના શેરહોલ્ડરોને વળતર પણ ચૂકવી દીધું હતું. ૧૮૭૩ માં જ એક કંપની તરીકે ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો અંત આવી ગયો હતો, પણ તેની બ્રાન્ડનું અસ્તિત્વ ચાલુ રહ્યું હતું. ૨૦૦૫ માં સંજીવ મહેતાએ તેના મૂળ ૩૦-૪૦ શેરહોલ્ડરોના વારસદારો પાસેથી આ બ્રાન્ડ પણ ખરીદી લીધી હતી. ભારતને ગુલામ બનાવનારી કંપની ખરીદનારા ઉદ્યોગપતિઓ ગર્વનો અનુભવ કરે છે.

બ્રિટનના કેટલાક અમીરોએ મળીને ઇ.સ. ૧૬૦૦ માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી, જેમાં મુખ્ય હિસ્સો રોથસ્ચાઇલ્ડનો હતો. બ્રિટનની રાણી એલિઝાબેથ પહેલી દ્વારા તેને એશિયા પેસિફિકના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપવામાં આવ્યો હતો. પ્રારંભમાં તેને ભારત કરતાં વધુ રસ મરીમસાલાનું ઉત્પાદન કરતા સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાં હતો. ચીનની ચા, રેશમ, માટીનાં વાસણો વગેરેની તેણે કેન્ટોન બંદર વાટે યુરોપના દેશોમાં નિકાસ ચાલુ કરી હતી. પછી બ્રિટનનાં નાગરિકો ભારતના મુલાયમ વસ્ત્રોના ચાહક બન્યા તે પછી ભારતમાંથી સ્ટીમરો ભરીને કાપડ બ્રિટનમાં જવા લાગ્યું, જેની સાથે ભારતના કારીગરોના શોષણનો પણ પ્રારંભ થયો. દક્ષિણ પૂર્વ એશિયાના દેશો અને ભારતમાંથી જે માલ બ્રિટન જતો તેની સામે ત્યાંથી ઉન તેમ જ કીંમતી ધાતુઓ ભારતમાં આવતી હતી. મોટા ભાગની ચૂકવણી ચાંદીના સિક્કાના સ્વરૂપમાં કરવામાં આવતી હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વહીવટ બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા કરવામાં આવતો હતો. કંપનીના શેરહોલ્ડરો વર્ષમાં એક વખત મળતા અને ૨૪ ડિરેક્ટરોની ચૂંટણી કરતા. આ બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા ભારત વગેરે દેશોમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવતી હતી.

ઇ.સ. ૧૭૪૦ ના દાયકામાં બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે લડાઇ થઇ. તેનો પ્રભાવ ભારતમાં રહેલા બ્રિટીશ અને ફ્રેન્ચ સંસ્થાનો પર પણ પડ્યો. ભારતમાં બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું તે પહેલાં પોર્ટુગીઝ કંપની પણ ભારતમાં પોતાનો પગદંડો જમાવી ચૂકી હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપની અને બીજી યુરોપિયન કંપનીઓ વચ્ચે હરીફાઈ થતી, જે ક્યારેક યુદ્ધમાં પણ પરિણમતી. ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા પોતાનાં મથકોની સુરક્ષા માટે ભાડૂતી લશ્કર ઊભું કરવામાં આવ્યું હતું. તેનો ઉપયોગ તેના વહીવટદારો ભારતના રાજાઓ સાથે લડવા માટે કરવા માંડ્યા. જ્યારે બે રાજાઓ વચ્ચે યુદ્ધ થાય ત્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપની એક રાજાને પોતાનું લશ્કર વાપરવા આપતી અને તેના બદલામાં રાજાના રાજ્યમાં વેપાર કરવાનો ઇજારો મેળવી લેતી. ધીમે ધીમે રાજા નબળો પડી જતો. ઇ.સ. ૧૭૫૭ માં બંગાળમાં વિખ્યાત પ્લાસીનું યુદ્ધ થયું તેમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય થયો, જેને કારણે પહેલી વખત તેની પાસે ભારતમાં રાજકીય સત્તા આવી. પ્લાસીના યુદ્ધમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું લશ્કર નાનું હતું, પણ તેણે કૂડકપટથી નવાબ સિરાજુદૌલા પર વિજય મેળવ્યો હતો. તેણે નવાબના સેનાપતિને રૂપિયાની લાલચ આપીને ફોડી કાઢ્યો હતો. યુદ્ધ શરૂ થયું ત્યારે તે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કર સામે લડવાને બદલે તેની સાથે આવીને ભળી ગયો હતો.

ઇ.સ. ૧૭૬૫ માં દિલ્હીના મોગલ બાદશાહે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશા પ્રાંતનું મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો આપ્યો હતો. તેને કારણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની તિજોરી છલકાવા લાગી હતી. જેમ જેમ કમાણી વધતી ગઇ તેમ તેમ તેણે પોતાની લશ્કરી તાકાત વધારી હતી. તેણે નાનાં રજવાડાં પર આક્રમણ કરીને તેને પોતાના ખંડિયા બનાવ્યા હતા. મરાઠાઓ સાથે યુદ્ધ કરીને તેણે તાકાતવાન મરાઠાઓ પર પણ આધિપત્ય જમાવી લીધું હતું. ઇસ્ટ ઇન્ડિયા કંપની હવે માત્ર વેપારી કંપની નહોતી રહી, પણ ભારતના મોટા ભાગની શાસક બની ગઈ હતી. તેણે વેપારમાં પોતાની દાદાગીરી કરીને ભારતની સમૃદ્ધિ લૂંટવાનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. ઇ.સ. ૧૮૧૮ સુધીમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં ભારતની બે તૃતિયાંશ જમીન પરનો રાજકીય કબજો આવી ગયો હતો. બાકીની એક તૃતિયાંશ જમીન રાજાઓના કબજામાં હતી, પણ તેમને ખંડિયા રાજાઓ બનાવી દેવામાં આવ્યા હતા. તેમની વફાદારી બ્રિટીશ તાજ માટે હતી. ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના જે અધિકારીઓ હતા તેઓ તેમના ભ્રષ્ટાચાર માટે જાણીતા હતા. જેટલી દોલત તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને કમાવી દેતા તેના કરતાં ક્યાંય વધુ દોલત તેઓ ભારતના વેપારીઓને લૂંટીને ભેગી કરતા હતા. આ રીતે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ ધનવાન થવા લાગ્યા. તેની અસર બ્રિટનમાં પણ પડી. બ્રિટનમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં ચાલતા ભ્રષ્ટાચારની અને તેના કારણે બ્રિટનની બગડી રહેલી છાપની પણ ચર્ચા ચાલતી હતી. બ્રિટનમાં પણ એક મુક્ત વેપારની લોબી કામ કરતી હતી, જે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં વેપાર કરવાની મોનોપોલી ચાલુ રાખવાના વિરોધમાં હતી. તેને પરિણામે ૧૮૩૩ માં એક ચાર્ટર કાયદો કરીને ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની મોનોપોલી ખતમ કરવામાં આવી. તે માત્ર રાજકીય તાકાત બની રહી.

ભારતના રાજાઓ પણ ત્યારે બ્રિટન જઈને ઇસ્ટ ઇન્ડિયા કંપનીની જોહુકમી સામે ફરિયાદો કરતા હતા. આ માહોલ વચ્ચે ૧૮૫૭ માં ભારતના સૈન્યે બળવો કર્યો. તેમાં ભારતનાં રાજા-રજવાડાં પણ જોડાયાં. આ બળવો ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ બની રહ્યો. પ્રારંભમાં તો તેને આખું ભારત ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વર્ચસ્વમાંથી મુક્ત કરવામાં સફળતા મળી. મોગલ સમ્રાટ બહાદુરશાહ જફરને ભારતના સમ્રાટ જાહેર કરવામાં આવ્યા, પણ ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા વળતો હુમલો કરવામાં આવ્યો. તેમાં ભારતના કેટલાક રાજાઓ કંપનીના સાથમાં હતા. ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા અત્યંત ક્રૂરતાપૂર્વક બળવાને ડામી દેવામાં આવ્યો. દિલ્હી પણ તેના હાથમાં આવી ગયું.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીને કારણે બ્રિટીશ રાજ ભારતમાં એટલું બધું અળખામણું થઈ ગયું હતું કે તેને ભારતમાં ચાલુ રાખવામાં જોખમ હતું. ૧૮૫૮માં બ્રિટનની વિક્ટોરિયા રાણીએ ઢંઢેરો બહાર પાડીને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના રાજનો અંત આણ્યો. ભારતનો વહીવટ સીધો બ્રિટીશ સંસદના હેઠળ મૂકવામાં આવ્યો. ઇસ્ટ ઇન્ડિયા કંપની ૧૮૭૪ સુધી ચાલુ રહી, પણ તેના હાથમાં ભારત નહોતું. ૧૮૭૪ માં તેના ડિરેક્ટરો મળ્યા અને કંપનીનું સત્તાવાર વિસર્જન કર્યું. ભારતના ઉદ્યોગપતિઓના હાથમાં જે આવ્યું તે મૂળ કંપની નથી પણ માત્ર તેનું નામ છે. તેમણે મામૂલી કિંમત આપીને તે નામ તેના મૂળ શેરહોલ્ડરોના વારસદારો પાસેથી ખરીદ્યું છે. તે પણ ભારત માટે ઉપલબ્ધિ છે.   
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top