Health

ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં એશિયાનું કેન્દ્ર બની રહેલું ભારત

કેરળની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં અદ્વિતિય કહી શકાય તેવું ઓપરેશન હાલમાં પાર પડ્યું. આ ઓપરેશન ટૂંકા ગાળામાં બે વ્યક્તિ પર થયું. તેમાં એક વ્યક્તિ કર્ણાટકના છે અને બીજા ઇરાકના. આ બંને વ્યક્તિઓના બંને હાથને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. વિશ્વમાં આ પ્રકારની ત્રીજા વાર થયેલી સર્જરી માત્ર હતી. હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું આ ઓપરેશન પડકારભર્યું હતું, પણ તે સફળ રહ્યું અને બંને વ્યક્તિઓ હવે ફરી તેમના હાથને અગાઉની જેમ ઉપયોગ કરી શકશે. આ બંને વ્યક્તિઓએ અલગ-અલગ અકસ્માતમાં બંને હાથ ગુમાવ્યા હતા. તેમાં એકનું નામ અમરેશ છે, જેની ઉંમર માત્ર 25 વર્ષની છે, જ્યારે જે ઇરાકથી અહીં આવ્યા હતા તે 29 વર્ષીય યુસુફ હસન સઇદ અલ-ઝુવાની છે.

અમરેશ પર સર્જરી થઈ અને તે હવે બંને હાથ સાથે ફરી જીવન જીવશે. સપ્ટેમ્બર 2017માં અમરેશે ઇલેક્ટ્રિક શોકના કારણે બંને હાથ ગુમાવ્યા હતા. તે અકસ્માતના બંને હાથમાં ફ્રેક્ચર તો થયા જ હતા, પણ સાથે હાથ આગની ઝપેટમાં પણ આવ્યા હતા. અમરેશને તત્કાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પણ તેણે એક હાથ પૂરેપૂરો ગુમાવ્યો અને બીજો કોણી સુધી. આ રીતે વર્ષો સુધી હાથ વિના સંઘર્ષ કર્યા બાદ કોચીમાં આવેલી અમૃતા હોસ્પિટલમાં અમરેશે પૂછપરછ કરી અને તેને ત્યાંથી આશા જન્મે તેવો જવાબ મળ્યો. આ પછી ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા આરંભાઈ અને તે માટે અમરેશે ‘કેરળ નેટવર્ક ફોર ઓર્ગન શેરીંગ’માં રજિસ્ટ્રેશન કરાવ્યું. અને ત્યારથી તેને અનુકૂળ આવે તેવા ડોનર માટે અમરેશ રાહ જોતો હતો.

હવે તેને કેરળના જ વિનોદ નામના વ્યક્તિના હાથ મળ્યા છે. 54 વર્ષના વિનોદ મિડલ ઇસ્ટમાં વર્ષોથી જોબ કરતા હતા. રજા દરમિયાન તેઓ જ્યારે પોતાના વતન કોલ્લમ આવ્યા હતા ત્યારે તેમનો ગમખ્વાર અકસ્માત થયો. સારવાર કરી પણ અંતે તેમને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા. વિનોદના પરિવારે વિનોદના શક્ય એટલાં શરીરના અવયવોને દાન આપવાનું સ્વિકાર્યું અને તે રીતે વિનોદના હાથ અમરેશને મળ્યા. 4 જાન્યુઆરી 2022ના રોજ વિનોદનું અકસ્માતમાં મૃત્યુ થયું અને 5 જાન્યુઆરીના રોજ આ ઓપરેશન હાથ ધરાયું.

20 સર્જન અને 10 એનેસ્થિઆસિસ્ટ્સ દ્વારા બંને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા. અમૃતા હોસ્પિટલના ‘સેન્ટર ફોર પ્લાસ્ટિક એન્ડ રિકન્સ્ટ્રક્ટીવ’સર્જરીના વડા અને પ્રોફેસર ડો. સુબ્રમણિયમનું કહેવું છે કે આ ખૂબ કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું. ખભેથી પૂરા હાથને ટ્રાન્સપ્લાન્ટ કરવાની સર્જરી ભાગ્યે જ થાય છે. ભારતમાં તો આ પહેલીવાર બન્યું છે. ખભાથી જ્યારે હાથને જોડવામાં આવે ત્યારે તેમાં ટેકનિકલ ઇસ્યૂ ખૂબ આવે છે. ડોનરના હાથનો જે સૌથી ઉપરનો ભાગ જે-તે વ્યક્તિ પર બેસાડવામાં આવે ત્યારે તો વિશેષ. જોકે અમરેશની સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ. હાથના ઉપરના ભાગમાં લોહીના પ્રવાહને લઈને થોડી મુશ્કેલી આવી હતી, પરંતુ થોડી તપાસ પછી અમે તે પણ દૂર કરી શક્યા છે. અને તે પછી ત્રણ અઠવાડિયામાં દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી.

અમરેશ માટે તો આ સપનું સાકાર થયા જેવું છે. તેનું કહેવું છે કે, “યુવાનીમાં જ મેં હાથ ગુમાવી દીધા. અને પછી તે વાસ્તવિકતા સ્વીકારવી મારા માટે મુશ્કેલ બની ગઈ. આ અશક્ય લાગતું હતું. મારા જીવનનો ગ્રાફ સતત નીચે તરફ જઈ રહ્યો હતો અને આ રીતે બેય હાથ મળે તે તો ચમત્કાર સમાન છે. ઈશ્વરે મારી પ્રાર્થનાનો જવાબ વાળ્યો છે. હું એ દિવસની રાહ જોઈ રહ્યો છું કે જ્યારે મારાં હાથમાં અગાઉની જેમ જ સંવેદના થાય અને તેમ જ આંગળીઓની મૂવમેન્ટ પણ થાય.”

આવી જ કંઈ સ્ટોરી યુસુફ હસનની છે. યુસુફ બગદાદમાં ઇંટિરિયર કન્સ્ટ્રક્શન વર્કર છે. યુસુફ જ્યારે દિવાલને ડ્રિલિંગ કરી રહ્યા હતા ત્યારે ડ્રિલિંગ મશીન હાઇ વોલ્ટેજ કેબલના કોન્ટેક્ટમાં આવ્યું અને તેના કારણે યુસુફને જબરજસ્ત શોક લાગ્યો. તેને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને તે પછી યુસુફનો જીવ બચાવવા તેમના બંને હાથ કોણીએથી કાપવા પડ્યા. યુસુફની સ્થિતિ વધુ ખરાબ એ માટે હતી કારણ કે તેઓ એક માત્ર પરિવારના કમાનારા વ્યક્તિ હતા. અકસ્માતના છ મહિના પછી યુસુફ કોચી આવ્યા અને ટ્રાન્સપ્લાન્ટની વિગતો મેળવી. જુલાઈ 2021માં યુસુફે પણ અમરેશની જેમ ‘કેરળ નેટવર્ક ફોર ઓર્ગન શેરીંગ’માં રજિસ્ટ્રેશન કરાવ્યું.

અમૃતા હોસ્પિટલની ખ્યાતિ ઇરાક સુધી પહોંચી હતી તેથી યુસુફ માટે હાથ પાછા મેળવવાની આ એક માત્ર આશા હતી. યુસુફને અનુકૂળ આવે તેવાં હાથની ખબર તેમને ફેબ્રુઆરી 2022માં મળ્યા. કેરળની 39 વર્ષીય એક મહિલાનો અકસ્માત થયો અને તેને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યાં. આ મહિલાનો પરિવાર તેમના અંગ ડોનેટ કરવા માટે તૈયાર હતાં, હાથને ડોનેટ કરવાની પણ તૈયારી પરિવારે દાખવી. એમ્બેલી નામની આ મહિલાના હાથ તે પછી યુસુફને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા. આ ઓપરેશન સોળ કલાક સુધી ચાલ્યું અને તેની આગેવાની કરનાર ડોક્ટર સુબ્રમણિયમ અને ડો.મોહિત શર્મા હતા.

ડો.મોહિત શર્માએ આ સક્સેસફુલ ઓપરેશન વિશે માહિતી આપતાં કહ્યું કે બંને હાથને બેસાડ્યા ત્યારે બ્લડ સર્કયુલેશનની મુશ્કેલી હતી પણ તે હવે દૂર થઈ ચૂકી છે. યુસુફે આ ઓપરેશન પૂર્ણ થયું પછી કહ્યું કે મારા માટે આ બીજા જન્મસમાન ઘટના છે. યુસુફને આશા છે કે તે ફરી કામ કરી શકશે અને તેના પરિવારનું ગુજરાન ચલાવી શકશે. જોકે, આ બંને દર્દીઓના કિસ્સામાં મુશ્કેલી ઓછી થઈ છે પણ તે પૂર્ણપણે નાબૂદ નથી થઈ, કારણ કે તેમણે આજીવન એવી દવા લેવી પડશે જેથી કોઈ પણ સમયે તેમનું શરીર આ નવા હાથને રિજેક્ટ ન કરે. આ બધું વિચારીએ ત્યારે એવું લાગે કે ઈશ્વરે જે રચના આપી છે તે કેટલી અત્યુત્તમ છે અને તેમાં આવેલી મર્યાદાને વિજ્ઞાન દૂર તો કરી શકે છે પણ અગાઉની સ્થિતિ ભાગ્યે જ કરી શકે છે.

બીજું કે આ બંનેના શરીરમાં હાથને સેટલ થતાં અને કુદરતી રીતે વર્તતા સમય લાગશે. ઉપરાંત, તેઓએ ફિઝિયોથેરેપી એકસરસાઈઝ કરવાની રહેશે. અને તે રીતે ધીરે ધીરે તેમણે પોતાના હાથની મૂવમેન્ટ શરૂ કરવાની છે. આ પૂરી પ્રક્રિયા કેટલી લાંબી અને થકાવનારી રહી હશે તે અહીંયાના વર્ણન પરથી ખ્યાલ આવી શકે. જોકે અહીં ક્યાંય પણ તેના ખર્ચ વિશે માહિતી આપવામાં આવી નથી. એશિયાભરમાં ભારત હવે ટ્રાન્સપ્લાન્ટ અર્થે કેન્દ્ર બન્યું છે અને હજુ ગત્ વર્ષે એક નવજાત બાળકમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન ચેન્નઈમાં થયું હતું અને બાળક માત્ર 42 દિવસનું હતું ત્યારે તેના પર આ સર્જરી કરવામાં આવી હતી. સામાન્ય કિસ્સામાં આટલી નાની ઉંમરે ટ્રાન્સપ્લાન્ટ થતું નથી. ટ્રાન્સપ્લાન્ટ કરનારા ડોક્ટરો સુધ્ધાએ આ જોખમ વિશે વાત કહી. પરંતુ આ ઓપરેશન કરવાની હિંમત ચેન્નઈના રેલા હોસ્પિટલના ડોક્ટરોની ટીમે દાખવી અને હવે તે બાળક સ્વસ્થતાથી જીવન જીવી રહ્યું છે.  ટ્રાન્સપ્લાન્ટના અનેક સક્સેસ ઓપરેશન ભારતમાં થઈ રહ્યા છે. પરંતુ ભારતમાં હજુય ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનને વેગ મળી રહ્યો નથી તેનું કારણ કે ઓર્ગન ડોનેટ કરવામાં હજુય લોકો ખચકાટ અનુભવે છે. દસ લાખે માત્ર એક વ્યક્તિ અંગદાન કરે છે.

જોકે તેમ છતાં સંખ્યાની દૃષ્ટિએ ભારતમાં થતાં ઓર્ગન ટ્રાન્સપ્લાનનો ક્રમ વિશ્વમાં બીજો આવે છે. તેમાં મુખ્યત્વે કિડની અને લિવર ટ્રાન્સપ્લાન્ટ છે. આ અગાઉ ભારતમાં ગેરકાયદેસર રીતે થતાં ટ્રાન્સપ્લાનનો મોટા વેપાર હતો, પરંતુ હવે તેને લઈને કડક કાયદા થયા છે તેથી તે પ્રેક્ટિસ ઘટી છે. આ માટે કેન્દ્રિય સ્તરે ‘નેશનલ ઓર્ગન એન્ડ ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન’ની પણ સ્થાપના કરવામાં આવી છે. આ કારણે ટ્રાન્સપ્લાન્ટમાં પારદર્શિતા આવી છે. મેડિકલ ક્ષેત્રની સારવારના આ ચમત્કાર દેશમાં થઈ રહ્યા છે તે એક તરફ ખુશીની વાત છે જ્યારે બીજી તરફ છેવાડાના માણસોને હજુય પાયાની મેડિકલ સુવિધા નથી મળતી તે પણ વાસ્તવિકતા છે. સર્વને મેડિકલ સ્વાસ્થ્યનો એકસરીખો લાભ મળે તેને માટે હજુય ઘણી રાહ જોવાની છે તેવું લાગે છે.

Most Popular

To Top