Madhya Gujarat

ઝાલોદમાં યુવતીએ લગ્નના દિવસે જ એમ.કોમ.ની પરીક્ષા આપી

દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં રહેતી એક યુવતીના લગ્નનો સોમવારે માંડવો હતો અને યુવતીએ પોતાના લગ્નના માંડવાને એકબાજુ મુકી શિક્ષણનું મહત્વ સમજી દાહોદ ખાતે કોલેજમાં પરીક્ષા આપવા ગઈ હતી. લગ્ન સમયે પણ શિક્ષણને મહત્વ આપી યુવતીએ સૌ કોઈ યુવાનોને શિક્ષણ માટે પ્રેરિત કર્યાં છે. યુવતીના આ નિર્ણયને પગલે પરિવારજનો સહિત સમાજ તેમજ દાહોદ જિલ્લાવાસીઓએ વધાવી લીધી હતી.

નારી તું નારાયણી અને નારી તું ક્યારે ન હારી પંક્તિને સાર્થક કરતી ઝાલોદ તાલુકાના રિધ્ધિ પંચાલ નામક યુવતીના લગ્નનો સોમવારે માંડવો હતો. બીજી તરફ રિધ્ધિ કોલેજમાં અભ્યાસ પણ કરતી હતી અને સોમવારે એમ.કોમ.ની પરીક્ષા પણ હતી. રિધ્ધિ પણ એમ.કોમ.માં અભ્યાસ કરતી હોય તેની પણ પરીક્ષા હતી. એક તરફ પોતાના લગ્ન અને બીજી તરફ પરીક્ષાને લઈ એકક્ષણે રિધ્ધિ પણ મુંઝવણમાં મુકાઈ હતી પરંતુ શિક્ષણનું મહત્વ સમજી અને પોતાનું વર્ષ ન બગડે તે માટે તેણે પોતાના લગ્નનો માંડવો થોડા સમય માટે એક તરફ મુકી પરીક્ષા આપવા માટે દોટ મુકી હતી.  દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રિધ્ધિ પરીક્ષા આપવા માટે જતાં સૌ કોઈએ તેના આ નિર્ણયને વધાવી લીધો હતો. લગ્નમાં મોડુ થશે તો ચાલશે પરીક્ષા અને શિક્ષણમાં મોડુ ન થાય તેવા શુભ લક્ષ્ય સાથે પોતાના પરિવારજનો સાથે પરીક્ષા આપવા રવાના થઈ હતી. સમયસર પરીક્ષા આપી પરત પોતાના ઘરે પહોંચી અને લગ્નની વિધિ પણ શરૂં કરવામાં આવી હતી. દાહોદ રિધ્ધિ પંચાલ દ્વારા શિક્ષણનું મહત્વ સમજી અને શિક્ષણને પ્રાથમીકતા આપતાં આજના યુવાનો માટે  ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂં પાડ્યું છે.

Most Popular

To Top