Business

આજના સંદર્ભમાં ચીલાચાલુ નહીં પણ ઇનોવેટીવ અંદાજપત્રની જરૂર છે

આજથી બરાબર એક અઠવાડિયા બાદ આવતા સોમવારે (ફેબ્રુઆરી પહેલી) પેશ કરાનાર 2021-22 માટેના અંદાજપત્ર (budget-2021-22)નું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. સામાન્ય સંજોગોમાં પણ આપણા દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ થતા અંદાજપત્રનું અદકેરૂં મહત્વ છે. આ વાર્ષિક પોલિસી ડોકયુમેન્ટ પ્રજાના પ્રત્યેક વર્ગ (નોકરિયાત, નાના અને મધ્યમ ઉદ્યોગો, મોટા ઉદ્યોગો, અર્થશાસ્ત્રીઓ, બેંકો અને અન્ય નાણાકીય સેવાઓ, બાંધકામ ક્ષેત્ર, ટુરિઝમ વગેરે)માં અનેક અપેક્ષાઓ જન્માવે છે. એટલે આતુરતાથી તેની રાહ જોવાતી હોય છે. છેલ્લા 10 મહિનામાં અર્થતંત્ર (economy) ને કોરોનાની મહામારીએ જબરદસ્ત આંચકો આપ્યો છે. આર્થિક વિકાસની ગાડી પટરી પરથી ઉતરી ગઇ છે.

આર્થિક વિકાસના દર બાબતે અસ્વીકાર્ય અને અવિશ્વસનીય રેકોર્ડ (record) સ્થાપ્યા છે. અનેક માઇક્રો/ મેક્રો આર્થિક પેરામીટર્સ બાબતે આ વાત એટલી જ લાગુ પડે છે. એટલે આજના વિશિષ્ટ સંજોગોમાં અંદાજપત્રનું મહત્વ અનેકગણું વધી જાય છે. હકીકતમાં આ અંદાજપત્ર સાચા અર્થમાં સરકાર, વડાપ્રધાન (prime minister) અને નાણાપ્રધાન માટે એક આકરી કસોટી અને કવાયત પૂરવાર થશે. સરકાર કરવેરામાં કેવી રાહતો આપે છે, માળખાકીય સવલતો માટેના પ્રોજેકટો માટે મૂડી રોકાણમાં કેવો વધારો કરે છે, સાથે સાથે એ મૂડી રોકાણ નવી રોજગારીના સર્જનને અને તે દ્વારા આવક ષને માંગના વધારાને કેવો પુશ આપે છે તે ભણી બધી નજર મંડાયેલી છે.

તે પણ અનેક મર્યાદાઓ વચ્ચે. ખાસ કરીને કરવેરાની અને અન્ય રેવન્યુ ઇન્કમ (income)માં 2020-21ના વરસે ઘટાડો થયો છે (અને અર્થતંત્રની ગાડી પાટે ન ચડે ત્યાં સુધી એ ઘટાડો 2021-22ના શરૂઆતના મહિનાઓમાં પણ ચાલુ રહી શકે) ત્યારે મૂડી ખર્ચ વધારવાનું સરકાર માટે ટાઇટ-રોપ વોકીંગ જેવું બની શકે. કારણ કે આમ કરવા જતા ફીસ્કલ ડેફિસીટ (રાષ્ટ્રીય આવકના ટકા તરીકે) વધે. જીડીપીના ઘટાડાને કારણે ખર્ચના વધારા સિવાય પણ ફીસ્કલ ડેફિસીટ અને જીડીપીનો ગુણોત્તર વધવાનો.

આ ગુણોત્તર એક મેજીક આંકડો છે જે વધતાં જ સરકાર આક્રમક ટીકાનો ભોગ બને છે. એટલે મૂડી ખર્ચ વધારીને પણ ફીસ્કલ ડેફીસીટનો વધારો મર્યાદિત કરવો નાણા પ્રધાન માટે ‘ફાઇન બેલેન્સીંગ એકટ’ બને જ. ડેવીલ અને ડીપ સી વચ્ચેની આ પસંદગી નાણાપ્રધાન અને વડાપ્રધાન માટે એક મોટો પડકાર છે.

એ પડકારને તકમાં ફેરવવાની તક ઝડપી લેવા માટે પોલીટીકલ વીલ અને કરેજ (રાજકીય ઇચ્છાશકિત અને હિંમત) માત્ર જરૂરી નહીં પણ અનિવાર્ય છે. વર્તમાન સરકારે આઝાદી પછીના દાયકાઓ સુધી અનેક સરકારો દ્વારા મુલત્વી રખાયેલા આર્થિક અને રાજકીય (political) સુધારાઓના અમલ કરવાની હિંમત દર્શાવી છે એટલે સરકાર પાસેની નાગરિકોના અનેક વર્ગોની અપેક્ષાઓ અનેકગણી વધી છે. શરૂઆતના તબક્કાની અનેક મુશ્કેલીઓ છતાં સરકાર કરવેરાના ક્ષેત્રે જીએસટી જેવા ઐતિહાસિક સુધારા જે માટે બંધારણીય સુધારાની આવશ્યકતા હતી)ના અમલમાં પણ સફળ રહી છે.

સરકારે મૂડી ખર્ચ વધાર્યા પછી પણ ફીસ્કલ ડેફિસીટ ન વધે એમ નહીં પણ તેમાં મર્યાદિત વધારો થાય એ માટે રેવન્યુ એકાઉન્ટની ડેફિસીટ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે.
કેન્દ્રીય કર્મચારીઓના વેતન, સરકારી લોન પરના વ્યાજનો ખર્ચ રોકડ સહાય (સબીસીડી) અને સંરક્ષણ (ડિફેન્સ)નો ખર્ચ એ રેવન્યુ એકાઉન્ટના મુખ્ય ખર્ચાઓ છે. એ ખર્ચની અસરકારકતા (એફીસીઅન્સી) અને ઉત્પાદકતા (પ્રોઇકટીવીટી) વધે તો જ રેવન્યુ ખર્ચ પરનો અંકુશ શકય બને.

વર્તમાન સંજોગોમાં આ ખર્ચાઓ ઘટાડવાનું સહેલું નહીં હોય. એ ખર્ચાઓ પર ચાંપતી નજર રાખીને સરકારી કર્મચારીઓની કાર્યક્ષમતા વધારીને, સબસીડી (ટાર્ગેટ ગ્રુપને ન પહોંચતી હોય તેવી), ખાસ કરીને નોન-મેરિટ સબસીડી ઘટાડવાની રાજકીય હિંમત દ્વારા અમેરિકા અને અન્ય વિકસીત દેશો સાથે ડીપ્લોમસી દ્વારા રાજકીય સંબંધો સુધારીને અને સંરક્ષણ માટેના શસ્ત્ર સરંજામનું સ્થાનિક ઉત્પાદન વધારવાની આત્મનિર્ભરતા દ્વારા આ ખર્ચાઓ ઘટાડી શકાય.
સામાન્ય રીતે આપણે ત્યાં વરસોવરસ કેપીટલ એકાઉન્ટની સરપ્લસ દ્વારા રેવન્યુ એકાઉન્ટની ડેફિસીટ સરભર કરાય છે. એટલે કે કેપીટલ એકાઉન્ટ પર ઉભી કરાયેલ લોનોમાંથી અમુક ભાગ રેવન્યુ એકાઉન્ટ પરના ખર્ચાઓ માટે કરાય છે.

પરિણામે આ લોનો પરનું વ્યાજ ચૂકવ્યા પછી પણ તે દ્વારા નવા પ્રોજેકટો જોઇએ તે ઝડપ અને જોઇએ તે પ્રમાણમાં ઉભા ન થતા હોઇ તે દ્વારા આવકનો ધાર્યો વધારો થતો નથી જે સ્થિતિ લાંબા ગાળે અર્થતંત્ર માટે હાનિકારક પૂરવાર થાય છે.
લોકસભામાં પૂરી બહુમતિ હોઇ લોકભોગ્ય ન હોય પણ અર્થતંત્રના અને દેશના વિશાળ હિતમાં હોય તેવા પગલાંવાળું ફાઇાનન્સ બીલ પર મંજૂરીની મહોર મરાવવા માટે સરકાર સક્ષમ છે.
આજના સંદર્ભમાં ચીલાચાલુ નહીં પણ ઇનોવેટીવ અંદાજપત્રની જરૂર છે જે માંગ અને મૂડી રોકાણને તરત જ પુશ કરે.

પુનરુકિતના ભોગે પણ કહેવું પડે કે કોરોનાની મહામારીના સંદર્ભમાં વિશ્વના અનેક દેશોએ દાખલ કરેલ રાહતોના મસમોટા પેકેજને કારણે રોકડ નાણાની લિકિવડીટી)ના અતિરેક એ ભારત જેવા ઇમર્જીંગ માર્કેટ માટે મોટો પ્લસ પોઇન્ટ છે. લિકિવડીટીના અતિરેક સામે રોકાણ માટેની તકો મર્યાદિત છે. અમેરિકામાં સત્તાની ફેરબદલી સાથે રાહતના નવા પેકેજની જાહેરાત ઝડપી બનશે જેને કારણે હાલની લિકિવડીટીમાં વધારો થશે. વિશ્વમાં વ્યાજના નીચા દરો પણ આ મૂડીને ભારતમાં ખેંચી લાવશે.

ભારતને એનો મોટો ફાયદો મળ્યો છે જેને કારણે (વેકસીનેશનની શરૂઆત, સમયસરના રાષ્ટ્ર વ્યાપી લોકડાઉનને કારણે ઝડપથી કાબૂમાં આવેલ મહામારી અને કોર્પોરેટ ક્ષેત્રે કંપનીઓના ઉત્સાહ પ્રેરક અર્નિંગ જેવા કારણો તો ખરા જ) સેન્સેકસે 50000ની ઐતિહાસિક સપાટી સર કરી છે. તે સાથે સેન્સેકસની 40000થી 50000ની 10000 પોઇન્ટની જર્ની સૌથી ટૂંકા ગાળાની બની છે. અર્થતંત્ર અને સેન્સેકસ વચ્ચેનું ડીસકનેકટ અને ઝડપી વધારો સંયમપૂર્વક ન વર્તનાર રોકાણકાર માટે જોખમકારક તો છે જ. પણ તે વિદેશી મૂડી રોકાણકારોને સરકાર પરના અને ભારતના અર્થતંત્ર પરના વિશ્વાસનું સૂચક છે.

100 દિવસથી વધુ સમય માટે ચાલી રહેલ કિસાન આંદોલનનો કોઇ અંત નજરે પડતો નથી. સરકારની આંદોલનકર્તાઓને અમાન્ય ત્રણ કાયદાઓ 18 મહિના માટે સસ્પેન્ડ કરવાની (હોલ્ડ પર રાખવાનો) અને તે દરમ્યાન એવી કમિટિ દ્વારા આ મડાગાંઠનો ઉકેલ લાવવાની કરેલી દરખાસ્ત પણ આંદોલનના નેતાઓને માન્ય નથી. તેમને માન્ય એવો ઉકેલ ન આવે ત્યાં સુધી અમર્યાદિત મુદત માટે આ કાયદાઓ હોલ્ડ પર રાખવાની તેમની માંગ અને જીદ અફર છે.
આવા આંદોલનના માહોલ વચ્ચે રજૂ કરાનાર અંદાજપત્રમાં પણ અર્થતંત્રના લાંબા ગાળાના હિતમાં હોય એવા પગલાં લેવા માટે સરકાર પક્ષે મજબૂત પોલીટીકલ વીલની જરૂર પડશે. કોઇ એક ક્ષેત્રના કે પક્ષાન હિતમાં હોય તેવા નહીં પણ સમગ્ર દેશના ફાયદામાં હોય એવા પગલાં લેવાની હિંમત દાખવવામાં સરકાર પાછીપાની નહીં કરે તેવી આશા રાખી શકાય.

અંદાજપત્રની પૂર્વ સંધ્યાએ પ્રસિધ્ધ થયેલ ‘સ્ટેટ ઓફ ધ ઇકોનોમી’ પરનો એક પોઝીટીવ રીપોર્ટ સરકારનો હોંસલો વધારશે. આ અહેવાલ પ્રમાણે અગત્યના મેક્રો ઇકોનોમિક પેરામીટર્સ (આયાતો, નિકાસો, મૂડી રોકાણ માટેનું ખર્ચ, બેંક ધિરાણ માટેની માંગ, વીજળી માટેની માંગ, બીઝનેસ કોન્ફીડન્સ)ના સારા દેખાવની શરૂઆત ડિસેમ્બર 2020 જાન્યુઆરી 2021માં થઇ છે. જેને પરિણામે ડિસેમ્બર કવાર્ટરનો આર્થિક વિકાસનો દર, બે કવાર્ટરના નેગેટીવ દર પછી પોઝીટીવ (0.1 ટકો) થશે.

વિશ્વના અનેક દેશોમાં મહામારીનું બીજુ મોજું પ્રસરી રહયું છે ત્યારે આપણે ત્યાં નવા કેસ ઘટતા જાય છે. વેકસીનેશનની શરૂઆત સાથે લોકોનો આત્મવિશ્વાસ વધશે તો અર્થતંત્રના સેવાના ક્ષેત્રે વિકાસ ઝડપી બનશે. મહામારીના કંટ્રોલમાં સરકારને કુદરતનો સાથ મળી રહયો હોય તેમ લાગે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top