સત્ય ઘટના આધારિત, અત્રે નામ બદલી કટાક્ષ લેખમાં કાલ્પનિક પાત્ર રાખ્યું છે! ખેર, ભારતમાં મોંઘવારીના બે ભાવ છે સાહેબ. એક ભાવ શ્રીમંત માટે, બીજો ભાવ ગરીબ માટે!સુરતમાં મોંઘવારીનો તાવ ચડ્યો છે. ટામેટા 100, ગેસ 900, દૂધ 70. પણ સૌથી મોંઘો પદાર્થ? માણસની મહેનત! ખેર, ગરીબ કામવાળી બાઈ રમાબહેન 8 વર્ષથી ઘરકામ કરે. પગાર 4000. મોંઘવારી જોઈને હાથ જોડીને કહ્યું “બહેન, 500 વધારી આપો!” શેઠાણીનો પારો સાતમા આસમાને ચઢી ગયો. “ન ફાવે તો જા.”! બીજે દિવસે એ જ શેઠાણી પાર્લરે 2500નો હેરસ્પા, દીકરી માટે 3500નો ડ્રેસ, Zomato પર 1200નું ડિનર. સ્ટેટસ: “Self love “! કમાલ છે!
રમાબહેનના 500 એ “ખર્ચો વધી ગયો”. પણ પાર્લર-મોલ એ “લાઇફસ્ટાઇલ”! આ દેશમાં ગરીબ પગાર માંગે એ ગુનો! શ્રીમંત પૈસા ઉડાડે એ ટ્રેન્ડ! કામવાળી બાઈના 500થી શેઠાણીનું EMI નહીં તૂટે, પણ એના છોકરાની નોટ-પેન તો આવી જાય! કાયદો કહે છે લઘુત્તમ વેતન આપો. માણસાઈ કહે છે કે, શકય એટલી વધુ મદદ કરો, કિન્તુ અહંકાર કહે છે કે, “બીજી આવી જશે”! હા જી,જરૂરથી આવી જશે. પણ તેણી યુવતીના ઘરનો ચૂલો કોણ સળગાવશે? 500 વધારવા એ ખોટો કે, નકામો ખર્ચો નથી પરંતુ માણસાઈમાં રોકાણ છે. મોંઘવારી બધા માટે છે, તો રહેમ પણ બધા માટે હોવી જોઈએ!
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.