SURAT

સુરતમાં કિન્નરનો 15 તોલાનો અછોડો ચોરાયો

સુરત(Surat): સુરતમાં ચેઈન અને મોબાઈલ સ્નેચીંગની (Snatching) ઘટનાઓની કોઈ નવાઈ નથી. લગભગ રોજ શહેરમાં આવા ગુના બની રહ્યાં છે, પરંતુ આજે ગોલ્ડ ચેઈન સ્નેચીંગની એવી ઘટના બની છે જે સાંભળી તમે ચોંકી જશો. સુરતના રાંદેર વિસ્તારમાં એક કિન્નરે (Third Gender ) પહેરેલી 15 તોલા સોનાની ચેઈન (Gold Chain) બાઈક સવાર અજાણ્યા ચોર ઈસમો દ્વારા આંચકી લઈ ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. રાંદેર પોલીસ મથકના પોલીસકર્મીઓએ કિન્નરની ફરિયાદ (Police Complaint) લઈ તપાસ શરૂ કરી છે.

  • રાંદેરના ભિક્ષુક ગૃહ પાસે બની ચેઈન સ્નેચીંગની ઘટના
  • કિન્નર પ્રિયંકાકુંવરની 4.30 લાખની ચેઈન ત્રણ બાઈકસવારો આંચકી ગયા
  • રાંદેર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

આ કેસની મળતી માહિતી અનુસાર ગઈ તા. 3 ઓક્ટોબરના રોજ રાંદેર પોલીસ સ્ટેશનમાં પ્રિયંકાકુવર નાયક નુતનકુંવર દ્વારા ચેઈન સ્નેચીંગની ફરિયાદ આપવામાં આવી છે. પ્રિયંકાકુંવરએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર 42 વર્ષીય પ્રિયંકાકુવર પોતે કિન્નર છે અને રાંદેરના ભિક્ષુક ગૃહની બાજુમાં પ્લોટ નં. 12, દાદી ભવ રામનગર ખાતે રહે છે. તેની પાસે બે મોબાઈલ છે. દાદી ભવન, રામનગરમાં પ્રિયંકાકુંવરના સમુદાયના લોકો રહે છે અને શહેરમાં અલગ અલગ ઠેકાણે માગી ગુજરાન ચલાવે છે.

પ્રિયંકાકુંવરે પોલીસને જણાવ્યું કે ગઈ તા. 2 ઓક્ટોબરના રોજ સવારથી પોતે દાદી ભવન ખાતે પોતાના સમુદાયના લોકો સાથે હતા અને રાત્રે જમીને 8.30 કલાકના અરસામાં નવરાત્રિ તહેવાર નિમિત્તે રાસગરબાના આયોજન હેતુથી દાદી ભવનની સામે જાહેર રોડ પર ઉભા હતા ત્યારે તેણીએ ગળામાં 15 તોલા સોનાની ચેઈન પહેરી હતી, જેની કિંમત આશરે 4.30 લાખ હોવાનો અંદાજ છે. દરમિયાન સીબીઝેડ મોટર સાયકલ પર ત્રણ ઈસમો આવ્યા હતા અને મોટર સાયકલની પાછળ બેઠેલા ઈસમે પ્રિયંકાકુંવરના ગળામાં રહેલી સોનાની ચેઈન ઝૂંટવી ચોરી કરી સ્વામીનારાયણ સર્કલ તરફ ભાગી ગયા હતા. ત્રણેય ચોર ઈસમોની ઉંમર અંદાજે 20થી 25 વર્ષની હોવાનું પ્રિયંકાકુંવરે પોલીસને જણાવ્યું હતું.

કિન્નરની ફરિયાદ સાંભળી પોલીસ પણ બે ઘડી અવાક થઈ ગઈ હતી. માગીને જીવનનું ગુજરાન ચલાવતા કિન્નર પાસે 15 તોલા સોનાની ચેઈન હોવાની વાતથી પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે કિન્નરની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top