SURAT

સુરતમાં મહિલા TRBએ રિક્ષા સાઈડ પર લેવાનું કહેતાં રિક્ષાચાલકે બે તમાચા મારી દીધા, ગંદા ઈશારા કર્યા

સુરતઃ (Surat) અડાજણમાં (Adajan) મહિલા ટીઆરબીએ (TRB) રિક્ષા ચાલકને (Auto Driver) તેની રિક્ષા સાઈડ પર ઊભી કરી પછી વાતો કરવાનું કહ્યું હતું. રિક્ષા ચાલકે મહિલા ટીઆરબી સાથે જીભાજોડી કરી બે તમાચા મારી દીધા હતા. અને બાદમાં તેને હાથના ઇશારે ગંદી ગાળો આપી ગંદા ઇશારા કરતા મહિલા ટીઆરબીએ અડાજણ પોલીસમાં ફરજમાં રૂકાવટનો ગુનો (Police Complain) દાખલ કર્યો હતો.

અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ટ્રાફિક (Traffic) શાખામાં રિજિયન-4માં સર્કલ 11માં નોકરી કરતી મહિલા ટીઆરબી સંગીતાબેન સાહેબરાવ ગોસ્વામીએ અડાજણ પોલીસ સ્ટેશનમાં તુલસી હરીશભાઈ સાવલે (ઉ.વ.૩૫ રહે-બી/૪૦૨, સુંદરમ કોમ્પ. નૂતન રો હાઉસની બાજુમાં પાલ રોડ, અડાજણ)ની સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ અડાજણ પાલનપુર જકાતનાકા સર્કલ સામે રોડ પર ગઈકાલે તુલસી સાવલેએ પોતાની ઓટો રિક્ષા (GJ-05-AY-4408) રસ્તામાં ઊભી કરી વાતો કરતો હતો.

જેના કારણે અન્ય વાહનોની અવરજવરમાં અડચણ ઊભી થતાં ટીઆરબી સંગીતાએ તેને પોતાનું વાહન સાઈડે ઊભું કરી વાત કરવા કહ્યું હતું. તેને પોતાની રિક્ષા ખસેડવાની જગ્યાએ સંગીતા સાથે બોલાચાલી કરી ગંદી ગાળો આપી હતી. તથા સંગીતાને ગાલ પર જોરથી બે તમાચા મારી દીધા હતા. અને સંગીતાને હાથના ઈશારાથી બીભત્સ શબ્દ ઉચ્ચારી ગંદા ઈશારા કર્યા હતા. જેને પગલે સંગીતાએ રિક્ષાચાલકની સામે ટ્રાફિક નિયમનની કામગીરીમાં અડચણ કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

અગાઉ પૂણામાં ટીઆરબી પર કાર ચઢાવવાનો પ્રયાસ થયો હતો

મે મહિનામાં ટ્રાફિક શાખામાં રિજયન-2માં ફરજ બજાવતા એ.એસ.આઇ. અનુરાગ બાવભાઇએ શેખ અયાઝ શેખ ઇલ્યાસ (ઉં.વ.૩૩)ની સામે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી, જેમાં ફરિયાદ કરી હતી કે તેઓ અન્ય પોલીસ સ્ટાફ અને ટીઆરબી કર્મચારીઓ સહિતનો સ્ટાફ પરવટ પાટિયા ઓવરબ્રિજની નીચે ટ્રાફિક પોઇન્ટ પાસે જાહેર રોડ પર ટ્રાફિક નિયમનની ફરજ બજાવતા હતા. દરમિયાન આઈ માતા તરફથી એક કારચાલક આવતાં ટીઆરબી જવાનોએ હાથ બતાવી કાર ઊભી રાખવા કહ્યું હતું. કારચાલકે કારની વિન્ડો ખોલી ન હતી. કારના બ્લેક કાચ અને પાછળની નંબર પ્લેટ પણ ન હતી. કાર ઊભી હતી ત્યારે ચાલકે પૂરા રેસથી કાર ચલાવી એએસઆઈ અનુરાગ, ટીઆરબી કિરણ તથા અરવિંદને ટક્કર મારી હતી. કારચાલકે કિરણને જોરથી એડફેટે લેતાં તે ફંગોળાઈને કારના બોનેટ ઉપર પટકાયો હતો. કિરણને પગ તથા હાથના ભાગે ઇજા થઈ હતી. અન્ય પોલીસ જવાનોને પણ સાઈડમાં ફંગોળી ભાગી છૂટ્યો હતો. એએસઆઈ અનુરાગ અને પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈએ કારનો પીછો કરી લિંબાયત કમરૂનગર પાસેથી કારચાલક ઊભો રહેતાં ઝડપી પાડ્યો હતો. કારચાલકે ત્યાં બંને પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી પણ કરી હતી.

Most Popular

To Top