Gujarat

9 લોકોના મોત માટે જવાબદાર તથ્ય પટેલને હવે કોઈ બચાવી નહીં શકે, પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી

અમદાવાદ: રસ્તા પર ઉભેલા 9 નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર અમીર બાપની બગડેલી ઓલાદ તથ્ય પટેલ (TathyaPatel) વિરુદ્ધ અમદાવાદ પોલીસે (AhmedabadPolice) 1684 પાનાની દમદાર ચાર્જશીટ (ChargeSheet) કોર્ટમાં (Court) આજે ગુરુવારે ફાઈલ કરી છે. અકસ્માતના આઠમા જ દિવસમાં મજબૂત ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી ઈતિહાસ રચ્યો છે.

ગઈ તા. 19મી જુલાઈની મોડી રાત્રે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 142.50ની સ્પીડમાં જેગુઆર કાર હંકારીને 19 વર્ષીય તથ્ય પટેલે 9 લોકોને ટક્કર મારી કચડી માર્યા હતા. અક્સમાત એટલો ભયાનક હતો કે તથ્ય પટેલની જેગુઆર કારની ટક્કર લાગ્યા બાદ રસ્તા પર ઉભેલા લોકો 25થી 30 ફૂટ દૂર ફંગોળાયા હતા. એક મૃતદેહ તો જેગુઆરના બોનેટ પર જ પડ્યો હતો.

આ અકસ્માત વખતે તથ્ય પટેલ સાથે જેગુઆર કારમાં ત્રણ યુવતી અને બીજા બે યુવકો હતા. મિત્રો સાથે અડધી રાત્રે રખડવા નીકળેલો તથ્ય પટેલ ફૂલસ્પીડમાં કાર ચલાવતો હતો ત્યારે તેની મહિલા મિત્રએ તેને કાર ધીમે ચલાવવા ટોક્યો હતો તેમ છતાં તે માન્યો નહોતો અને 9 લોકોના મોતનું કારણ બન્યો હતો.

ગઈ તા. 19મી જુલાઈની રાત્રિએ અકસ્માત થયા બાદ 20મી જુલાઈએ અમદાવાદ પોલીસે તથ્ય પટેલ અને તેના હિસ્ટ્રીશીટર પિતા પ્રજ્ઞેશ પટેલ ઉર્ફે પ્રજ્ઞેશ ગોતાની ધરપકડ કરી હતી. આ કેસમાં તથ્ય સાથે કારમાં બેઠેલા તેના મિત્રોની પણ પૂછપરછ કરાઈ હતી.

પોલીસ તપાસ દરમિયાન તથ્યના જૂના કારનામા પણ બહાર આવ્યા હતા. થાર લઈ એક દુકાનમાં ઘૂસી ગયો હતો, મહિના પહેલાં જેગુઆર કારથી મંદિરની દીવાલ તોડી નાંખી હતી. આવા અનેક કેસ શોધીને પોલીસે તથ્ય પટેલ વિરુદ્ધ મજબૂત કેસ બનાવ્યો છે.

આજે અમદાવાદના એસીપી એસ.જે. મોદી અને પીઆઈ વી.બી. દેસાઈ કોર્ટમાં ચાર્જશીટ લઈ આવ્યા હતા. 1684 પાનાની દમદાર મજબૂત ચાર્જશીટ આ અધિકારીઓએ કોર્ટમાં ફાઈલ કરી હતી. પોલીસે આરોપીને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલયાના ત્રીજા દિવસે જ ચાર્જશીટ ફાઈલ થઈ ગઈ છે, જે અત્યાર સુધીમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા રજૂ કરાયેલી સૌથી ઝડપી ચાર્જશીટ છે.

કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યા બાદ અમદાવાદના કમિશનરે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું હતું કે, આ કેસ અમદાવાદ પોલીસ માટે પડકારરૂપ હતો. આરોપીની રેસ ડ્રાઈવિંગની જૂની આદત છે. તેથી તેની સામે પોલીસે 1684 પાનાની ચાર્જશીટ બનાવી છે, જેમાં 15 દસ્તાવેજી પુરાવા, 8 સાક્ષી, 8 પોસ્ટમોર્ટમ નોટ, 191 સાહેદોની તપાસ સામેલ કરાઈ છે.

પોલીસે વધુમાં કહ્યું કે આરોપીનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો છે, જે પોઝિટિવ આવ્યો છે. જેગુઆર ગાડીની ઈડીઈ સિસ્ટમની મદદથી ઓવરસ્પીડીંગનું તારણ સામે આવ્યું છે. એક લાઈવ વીડિયો પણ તપાસમાં આવરી લેવાયો હતો.

Most Popular

To Top