Columns

ગુરુનું મહત્ત્વ

એક કથામાં કથાકાર ગુરુ-શિષ્ય પરંપરા વિષે વાત કરી દરેકના જીવનમાં ગુરુના મહત્ત્વ વિષે સમજાવી રહ્યા હતા.કથાકાર બધી વાતો સરસ અને એકદમ સહેલા આજના સમયને અનુરૂપ દ્રષ્ટાંત આપી સમજાવતા હતા.જીવનમાં ગુરુનું મહત્ત્વ સમજાવવા તેમણે બહુ જ સહજ અને સહેલું દ્રષ્ટાંત આપ્યું.

કથાકારે પ્રશ્ન પૂછ્યો, ‘એક કીડી ચાલીને મુંબઈથી અમદાવાદ પહોંચી શકે?’ બધા હસ્યા; કથાકારે કહ્યું, ‘ન પહોંચી શકે,માની લઈએ કે એક કીડી મુંબઈથી અમદાવાદ જવા નીકળે તો કેટલો સમય લાગે? લગભગ ત્રણ ચાર જન્મ લાગી જાય, નહિ.’ બધા શ્રોતાઓએ હસતા હસતા તેમની વાતમાં હકાર ભણ્યો.

ક્થાકારે આગળ પૂછ્યું, ‘હવે બીજો પ્રશ્ન, જો આ કીડી મુંબઈથી અમદાવાદ જતાં કોઈ માણસના કપડાં પર બેસી જાય તો તે આઠ કલાકમાં અમદાવાદ પહોંચી જાય બરાબર.’ બધા શ્રોતાઓએ હા પાડી.અમુકે મજાક કરી, જો કોઈ તેને કપડાં પરથી ઝાટકીને ક્યાંક ફેંકી ન દે તો. કીડી મુંબઈથી અમદાવાદ પહોંચી શકે.

કથાકાર હસ્યા. પછી બોલ્યા, ‘હવે મજાક ભૂલીને મારી વાત શાંતિથી સમજજો.મેં જે આ દાખલો આપ્યો તેમાં આપણે બધા આ કીડી છીએ અને આ ભવસાગરને પાર કરવા નીકળ્યા છીએ.જો આપણે જાતે કીડીની જેમ આ ભવસાગરને પાર કરવા ઇચ્છીએ તો તે લગભગ અશક્ય છે અને ખૂબ મહેનત કરીને આપણે આ ભવસાગરને પાર કરવાનો…તેનો સાર પામવાનો ….જીવન સાર્થક કરવાનો પ્રયત્ન કરીએ તો એક ..બે… ત્રણ…. નહિ પણ જન્મોના જન્મ લાગી જાય અને તો પણ કદાચ જીવનનો સાર સમજાય નહિ અને જેમ આ કીડી કોઈ મુંબઈથી અમદાવાદ જતા વ્યક્તિના કપડા પર બેસી જાય તો આઠ કલાકમાં અમદાવાદ પહોંચી શકે.

તેમ આપણને જો કોઈ સાચા ગુરુની છત્રછાયા પ્રાપ્ત થઈ જાય.જો કોઈ ગુરુ આપણને હાથ પકડીને સાચા રસ્તે આગળ લઇ જાય તો જીવનને સાર્થક કરવામાં સફળતા આ જન્મમાં જ મળી જાય અને મજાક કરી હતી કે  કોઈ કીડીને કપડાં પરથી ઝાટકી ન દે તો કીડી અમદાવાદ સુધી પહોંચે.

તે મજાક એક વાત સમજાવે છે કે આપણું અજ્ઞાન કે મોહ કે સ્વાર્થની થપાટ આપણો હાથ ગુરુજીના હાથથી છોડાવી ન લે તેના માટે ગુરુ મળ્યા બાદ સતત જાગૃત અને સમર્પિત રહેવું પણ જરૂરી છે.જો ગુરુનો સાથ નહિ છૂટે તો સાચું જ્ઞાન અને સાચો માર્ગ મળશે જ.’

કથાકારે સહેલા દ્રષ્ટાંત દ્વારા ગુરુનું મહત્ત્વ સમજાવતાં આગળ કહ્યું, ‘જીવન પાર કરવામાં અને જીવનનો સાચો સાર સમજવા માટે અને જીવન આનંદમય, સુખમય અને સાચા અર્થમાં સફળ બનાવવા માટે સાચા ગુરુનો સાથ અને માર્ગદર્શન જરૂરી છે.જો કોઈ સાચા ગુરુનો સાથ મળી જાય અને તેમના બતાવેલા સન્માર્ગ પર આપણે શ્રધ્ધા સાથે ચાલીએ તો જીવન સહેલું અને સરળ બની જાય છે અને સાચું સુખ મળે છે.   

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top