તમિલનાડુના મોટા મંદિરોમાં મોબાઈલ ફોન પર મૂકવામાં આવેલા પ્રતિબંધની અસર હવે ભક્તોની સંખ્યા પર જોવા મળી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રાજ્યના 52 મોટા મંદિરોમાં 1 સપ્ટેમ્બરથી સ્માર્ટફોન લઈ જવા અને તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ બાદ કેટલાક મંદિરોમાં રોજ આવતા ભક્તોની સંખ્યામાં લગભગ 20% સુધી ઘટાડો થયો હોવાનો અહેવાલ સામે આવ્યો છે. ખાસ કરીને યુવાનોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
તમિલનાડુના હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગે આ નિર્ણય મંદિરોની શાંતિ અને પવિત્રતા જાળવવા માટે લીધો છે. અધિકારીઓનું કહેવું છે કે મંદિરોમાં મોબાઈલથી ફોટા પાડવા, વીડિયો બનાવવા, સેલ્ફી લેવા અને સોશિયલ મીડિયા માટે રીલ બનાવવાની પ્રવૃત્તિ વધી રહી હતી. તેના કારણે અન્ય ભક્તોને પણ મુશ્કેલી થતી હતી. હવે સ્માર્ટફોન સાથે મંદિર પહોંચતા ભક્તોએ પ્રવેશ પહેલાં ફોન જમા કરાવવો પડે છે. તેના માટે અલગ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. ફોન જમા કરાવ્યા બાદ ભક્તોને રસીદ અથવા ટોકન આપવામાં આવે છે અને દર્શન પૂર્ણ થયા પછી તે બતાવીને ફોન પરત મેળવી શકાય છે. ફોન જમા કરતી વખતે ફોનનો નંબર, મોડલ અને ભક્તની તસવીર જેવી વિગતો નોંધવામાં આવે છે.
કાંચીપુરમના મંદિરમાં યુવાનોની સંખ્યા ઘટી હોવાનો દાવો
કાંચીપુરમના જાણીતા દેવરાજસ્વામી-અથી વરદરાજ મંદિરને લઈને પણ આવી જ માહિતી સામે આવી છે. મોબાઈલ પ્રતિબંધ પહેલાં અહીં યુવાનો મોટી સંખ્યામાં આવતા અને મંદિરની ઇમારત, ધાર્મિક વિધિઓ તથા પરિસરની તસવીરો લેતા જોવા મળતા હતા. હવે મોબાઈલ બહાર જમા કરાવવો પડતો હોવાથી યુવાનોની હાજરી ઓછી થઈ હોવાનો મંદિર સાથે જોડાયેલા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે. શરૂઆતના દિવસોમાં મોબાઈલ જમા કરાવવાના કાઉન્ટર પર લાંબી લાઈનો પણ જોવા મળી હતી. ભક્તોની સંખ્યા વધારે હોય ત્યારે ફોન જમા કરાવવા અને પાછો લેવા માટે સમય લાગતો હોવાની ફરિયાદ પણ સામે આવી છે. કેટલાક ભક્તોએ ફોનની સુરક્ષાને લઈને સવાલ ઉઠાવ્યા છે, જ્યારે અન્ય ભક્તોનું કહેવું છે કે મંદિરની અંદર મોબાઈલ ન હોવાથી વાતાવરણ વધુ શાંત અને ધાર્મિક બની રહ્યું છે.
મોબાઈલ બેન પાછળ 2022ના કોર્ટના આદેશનો આધાર
મંદિરોમાં મોબાઈલ પર પ્રતિબંધનો મુદ્દો નવો નથી. ડિસેમ્બર 2022માં મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે તમિલનાડુના મંદિરોમાં મોબાઈલ ફોન પર રોક લગાવવાનો નિર્દેશ આપ્યો હતો. મંદિરની પવિત્રતા અને ધાર્મિક વાતાવરણ જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે રાજ્ય સરકારે 52 મોટા મંદિરોમાં આ નિયમ અમલમાં મૂક્યો છે. હાલમાં પ્રતિબંધને લઈને ભક્તોમાં અલગ-અલગ અભિપ્રાય જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો માને છે કે મંદિર દર્શન દરમિયાન મોબાઈલથી દૂર રહેવું યોગ્ય છે અને તેનાથી ભક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે. બીજી તરફ, ખાસ કરીને યુવાનો અને પ્રવાસીઓ માટે મોબાઈલ જમા કરાવવાનો નિયમ અસુવિધાજનક બની રહ્યો હોવાની વાત સામે આવી છે.
આ મુદ્દે હવે સૌથી વધુ ચર્ચા એ છે કે મંદિરની પવિત્રતા જાળવવા માટેનો આ નિયમ લાંબા ગાળે ભક્તોની સંખ્યા પર કેટલી અસર કરશે. જો યુવાનોની હાજરીમાં ખરેખર ઘટાડો જોવા મળે છે, તો મંદિર પ્રશાસન માટે પવિત્ર વાતાવરણ જાળવવાની સાથે ભક્તોને સરળ અને સુવિધાજનક દર્શનનો અનુભવ આપવો પણ મોટો પડકાર બની શકે છે.