National

મધ્યપ્રદેશમાં ઝેરી દારુ કાંડ, દારૂ પીધા બાદ અચાનક તબિયત બગડી, સાગર જીલ્લામાં 11 મોત

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં ઝેરી દારૂ પીવાના શંકાસ્પદ કેસે ખળભળાટ મચાવી દીધો છે. બંડા તાલુકાના બરાજ સહિત આસપાસના 4 ગામોમાં શનિવાર રાત્રે દારૂ પીધા બાદ અનેક લોકોની તબિયત અચાનક બગડી હતી. ત્યારબાદ એક પછી એક લોકોનાં મોત થવા લાગ્યાં. શરૂઆતમાં 8 લોકોનાં મોત અને 12થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ થયાના અહેવાલ સામે આવ્યા હતા. જોકે, રવિવારે બપોર સુધીમાં અલગ-અલગ અહેવાલોમાં મૃત્યુઆંક 9થી 11 સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં સાગર જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસની ટીમો અસરગ્રસ્ત ગામોમાં પહોંચી ગઈ હતી. બીમાર લોકોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને સાગરની મોટી હોસ્પિટલોમાં મોકલવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કેટલાક દર્દીઓને સારવાર માટે ઉચ્ચ કેન્દ્રોમાં રિફર કરવામાં આવ્યા છે.

દારૂ પીધા બાદ ઉલટી અને તબિયત બગડવાની ફરિયાદ

મળતી માહિતી મુજબ, શનિવારે રાત્રે કેટલાક લોકોએ દારૂ પીધો હતો. ત્યારબાદ તેમને ઉલટી, ઉબકા અને અન્ય તકલીફો શરૂ થઈ હતી. સ્થિતિ વધારે બગડતાં પરિવારજનો તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. કેટલાક લોકોને હોસ્પિટલ પહોંચતા પહેલાં જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સાગરના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. દેવેશ પટેરિયાએ જણાવ્યું કે દર્દીઓમાં જોવા મળેલા લક્ષણોને જોતા મિથાઈલ આલ્કોહોલના ઝેરની શક્યતા છે, જોકે તપાસ પૂર્ણ થયા પહેલાં ચોક્કસ કારણ કહી શકાય નહીં.

આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં ડૉક્ટર અને નર્સોની ટીમો તૈનાત કરી છે. ટીમો ગામમાં ઘેર-ઘેર જઈને એવા લોકોની તપાસ કરી રહી છે જેમણે છેલ્લા 24થી 48 કલાકમાં દારૂ પીધો હોય અથવા ત્યારબાદ કોઈ તકલીફ અનુભવાતી હોય. તંત્રએ લોકોને પણ અપીલ કરી છે કે દારૂ પીધા બાદ ઉલટી, ચક્કર, આંખોમાં તકલીફ કે અન્ય લક્ષણો જણાય તો તરત હોસ્પિટલ પહોંચે.

મુખ્યમંત્રી મોહન યાદવે કડક કાર્યવાહીના આપ્યા નિર્દેશ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. સરકાર આવા બનાવોને સહન નહીં કરે અને સમગ્ર મામલાની તપાસ કરીને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે. જિલ્લા પ્રશાસને આ મામલે મેજિસ્ટ્રેટ સ્તરની તપાસના પણ આદેશ આપ્યા છે. પોલીસ અને આબકારી વિભાગની ટીમો દારૂ ક્યાંથી આવ્યો અને તેને કોણે વેચ્યો તેની તપાસ કરી રહી છે. સ્થાનિક સ્તરે દારૂની કેટલીક બોટલો જપ્ત કરવામાં આવી હોવાની માહિતી પણ સામે આવી છે. આ ઘટનામાં મૃત્યુઆંક અંગે અલગ-અલગ આંકડા સામે આવી રહ્યા છે. કેટલાક અધિકારીઓએ 9થી 10 મોતની માહિતી આપી છે, જ્યારે અન્ય અહેવાલોમાં 11 લોકોનાં મોતનો ઉલ્લેખ છે. તપાસ અને હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સ્થિતિ બાદ અંતિમ આંકડો સ્પષ્ટ થશે.

સાગરની આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે થોડા સમય પહેલાં જ ગુજરાતના ભાવનગર જિલ્લામાં પણ કથિત ઝેરી દારૂના કારણે અનેક લોકોનાં મોત થયા હતા. એક પછી એક આવી ઘટનાઓએ ગેરકાયદે અને નકલી દારૂના વેચાણ સામે કાર્યવાહી અંગે ફરી સવાલો ઊભા કર્યા છે.

Most Popular

To Top