નવી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી એટલે કે JNUમાં એક પ્રોફેસર સામે જાતીય સતામણીના ગંભીર આરોપો લાગ્યા છે. 10 વિદ્યાર્થીઓએ પ્રોફેસર વિરુદ્ધ યુનિવર્સિટીની આંતરિક ફરિયાદ સમિતિમાં ફરિયાદ કરી છે. આ ફરિયાદો બાદ સમિતિએ તપાસ શરૂ કરી છે. હાલ યુનિવર્સિટી તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
ઘરે વિદ્યાર્થીઓને બોલાવ્યાનો આરોપ
ફરિયાદ કરનારા વિદ્યાર્થીઓનો આરોપ છે કે પ્રોફેસર કેમ્પસમાં આવેલા પોતાના નિવાસસ્થાને વિદ્યાર્થીઓને અલગ-અલગ કાર્યક્રમો માટે બોલાવતા હતા. આવા પ્રસંગો દરમિયાન તેમની સાથે અયોગ્ય રીતે વર્તન કરવામાં આવતું હતું અને જાતીય સ્વરૂપની અયોગ્ય હરકતો કરવામાં આવી હોવાનો આરોપ છે. આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓએ એવો પણ આરોપ મૂક્યો છે કે પ્રોફેસર વર્ગ દરમિયાન વાંધાજનક અને અશ્લીલ ટિપ્પણીઓ કરતા હતા.
એક ફરિયાદ બાદ અન્ય વિદ્યાર્થીઓ પણ આગળ આવ્યા
મળતી માહિતી પ્રમાણે શરૂઆતમાં એક ફરિયાદ થયા બાદ અન્ય વિદ્યાર્થીઓ પણ આગળ આવ્યા હતા. ત્યારબાદ સમિતિ સમક્ષ 10થી વધુ ફરિયાદો પહોંચી હોવાનું સામે આવ્યું છે. કેટલાક વરિષ્ઠ વિદ્યાર્થીઓએ પણ ફરિયાદ કરનારા વિદ્યાર્થીઓનું સમર્થન કર્યું છે અને પ્રોફેસરના વર્તન અંગે સમાન પ્રકારની ફરિયાદો કરી છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ ફરિયાદો મે મહિનામાં આંતરિક ફરિયાદ સમિતિ સમક્ષ કરવામાં આવી હતી. ત્યારબાદ સમિતિએ કેટલાક વિદ્યાર્થીઓના નિવેદન પણ નોંધ્યા હતા. લગભગ 45 દિવસના સેમેસ્ટર વિરામ બાદ જુલાઈમાં વિદ્યાર્થીઓ પરત ફર્યા ત્યારે આ મામલો ફરી ચર્ચામાં આવ્યો હતો.
પ્રોફેસરની ઓળખ જાહેર કરવામાં આવી નથી
હાલ આ મામલામાં આરોપી પ્રોફેસરની ઓળખ જાહેર કરવામાં આવી નથી. યુનિવર્સિટીની આંતરિક ફરિયાદ સમિતિ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તપાસ પૂરી થયા પહેલાં આરોપોને સાબિત થયેલા તથ્ય તરીકે જોવામાં આવતા નથી. JNUના વહીવટીતંત્ર અને કુલપતિ કાર્યાલય તરફથી પણ અત્યાર સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
JNUમાં અગાઉ પણ આવી ફરિયાદો સામે આવી ચૂકી છે
આ નવી ફરિયાદ એવા સમયે સામે આવી છે જ્યારે JNUમાં અગાઉ પણ જાતીય સતામતીના કેસોને લઈને કાર્યવાહી થઈ ચૂકી છે. એપ્રિલ 2025માં યુનિવર્સિટીની કારોબારી પરિષદે એક પ્રોફેસર સહિત 4 કર્મચારીઓને બરતરફ કર્યા હતા. તેમાંથી એક પ્રોફેસર સામે જાતીય સતામતીના આરોપોની તપાસ થઈ હતી અને આંતરિક ફરિયાદ સમિતિના અહેવાલ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી.
હાલની ફરિયાદોની તપાસ ચાલી રહી હોવાથી આગામી સમયમાં આંતરિક ફરિયાદ સમિતિના અહેવાલ બાદ જ આ મામલે આગળની કાર્યવાહી અંગે સ્થિતિ સ્પષ્ટ થશે.