SURAT

ઈચ્છાપોરમાં કાજુ ફેક્ટરીમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું..

સુરત: શહેરના ઇચ્છાપોર (Ichchapore) વિસ્તારમાં આર.જે.ડી. ટેક્સટાઇલ પાર્કમાં આવેલી કાજુ (Cashew Nuts) બનાવવાની ફેક્ટરીમાં (Factory) ગુરુવારે સવારે અચાનક જ આગ (Fire) લાગવાની ઘટના બની હતી. આગ લાગતાં જ ગણતરીની મિનીટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી ફેક્ટરીમાં નાસભાગ મચી હતી. ઘટના અંગે ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતાં જ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.પ્રાપ્ત વિગતો મુજબ ઇચ્છાપોરમાં આર.જે.ડી. ટેક્સટાઇલ પાર્કમાં એમ.જી.કેશવની કાજુ બનાવવાની ફેક્ટરીમાં ગુરુવારે સવારે 5:30 વાગ્યે આગ લાગવાની ઘટના બની હતી.

ફેક્ટરીમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવામાં આવ્યુ હતું. જોતજોતામાં આગ વધુ પ્રસરી જતાં કર્મચારીઓએ ફાયરમાં ઘટના અંગે જાણ કરી હતી. જેથી અડાજણ અને પાલનપુર ફાયર સ્ટેશનથી કુલ ચાર ગાડીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી. પરંતુ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવામાં આવ્યું હતું.

કડોદરામાં સિલ્ક મિલના ગોડાઉનમાં આગ
સુરત: કડોદરા વરેલી ગાર્ડન પાસે આવેલી શ્રી રામાનંદ સિલ્ક મિલના ગોડાઉનમાં વહેલી સવારે અચાનક જ આગ લાગી હતી. ગોડાઉનમાં કોટનનો જથ્થો હોવાના કારણે માત્ર ગણતરીની મિનીટોમાં આગ વિકરાળ બની હતી. ઘટના અંગે ફાયરમાં જાણ કરતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમતે આગને કાબૂમાં લેવામાં આવી હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચે એ પહેલા જ મિલમાં ભીષણ આગને કારણે ઓઇલ મશીન, સીડીઆર મશીન અને કોટનનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ કડોદરામાં વરેલી ગાર્ડન પાસે શ્રી રામાનંદ સિલ્ક મિલના ગોડાઉનમાં ગુરુવારે સવારે ગોડાઉન બંધ હતું ત્યારે સવારે 6 વાગ્યે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેથી કામરેજ ફાયર સ્ટેશનથી ફાયરબ્રિગ્રેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો કરી ભીષણ આગને કાબૂમાં લીધી હતી. જો કે, આગના કારણે આખું ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

Most Popular

To Top