SURAT

સચિનના લુમ્સ કારખાનાની લિફ્ટમાં 6 વર્ષના માસુમનું માથું ફસાઈ જતા કરૂણ મોત

સુરત: સચિન જીઆઇડીસી (Sachin GIDC) વિસ્તારમાં આવેલા એક લુમ્સના કારખાનાની (Factories of Looms) લોડિંગ લિફ્ટમાં (loading lift) 6 વર્ષના માસુમનું માથું ફસાઈ જતા તે મોતને ભેટ્યો હતો. ઘટના બાદ બાળકને ગંભીર હાલતમાં સિવિલ (New Civil Hospital Surat) ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ (Doctors) તેને મૃત (Died) જાહેર કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ સચીન જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એક લૂમ્સના કારખાનામાં મૂળ મહેસાણાના વતની પરિવારનું 6 વર્ષનું બાળક મોતને ભેટ્યું હતું. માતા-પિતા કામ કરી રહ્યા હતા ત્યારે આ 6 વર્ષીય ગોવિંદ રમતા રમતા લોડિંગ લિફ્ટ સુધી પહોંચી ગયો હતો. તેમજ તેનું માથું લિફ્ટમાં ફસાઇ જતા ગોવિંદ લોહી લુહાણ થઇ ગયો હતો. ત્યાર બાદ તેને ઝડપથી સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ ત્યાર સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું. બાળક ગોવિંદ કોઇ પણ સારવાર મેળવે તે પહેલાં જ મોતને ભેટ્યો હતો. તેમજ તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી.

ઘટનાની જાણકારી આપતા પરિવારે જણાવ્યું હતું કે તેઓ મૂળ મહેસાણાના વતની છે. તેમજ સુરતમાં રોજગારીની શોધમાં આવ્યા હતાં. ત્યાર બાદ બાળકના પિતાને સચિન GIDCના લક્ષ્મી વિલાસ ઇન્ડસ્ટ્રી નામના લુમ્સના કારખાનામાં સુપર વાઇઝર તરીકે કામ મળ્યું હતું. ત્યાર બાદ બાળકના પિતા સુપરવાઇઝરની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. તેમને સંતાનમાં એક દિકરો અને એક નાની દીકરી છે. તેમજ બંન્ને બાળકો પૈકી 6 વર્ષીય દિકરો ગોવિંદ આજે એક દુર્ઘટનામાં મોતને ભેટ્યો હતો. હાલ આખા પરિવારનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

પીડિત પિતાએ જણાવ્યું હતું કે તેઓ 10 વર્ષથી આ કારખાનામાં કામ કરે છે. તેમજ આવી દુઃખદ ઘટના કારખાનામાં પહેલી વાર જ બની છે. ઘટનાની જાણ બાદ તમામ કર્મચારીઓ દોડીને ઘટના સ્થળે આવ્યા હતા. તેમજ ગોવિંદનું માથુ લિફ્ટમાં ફસાઈ ગયેલી હાલતમાં જોઈ બુમાબુમ થઈ ગઈ હતી. તેમજ કારખાનામાં ચારે તરફ ચકચારી મચી ગઇ હતી. વધુમાં બાળકના પિતાએ જણાવ્યું હતું કે આ વર્ષે ગોવિંદને અભ્યાસ માટે શાળામાં પ્રવેશ અપાવવાની તૈયારી ચાલી રહી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top