Entertainment

મારી કોમ્યુનિટીને હું આત્મનિર્ભર બનાવીને જ રહીશ : પૂજા (રેખા)

ટ્રાન્સજેન્ડરનું નામ સાંભળતાની સાથે જ લોકો પોતાના ઘરના દરવાજા બંધ કરી દે છે અથવા તો ઊભા હોય ત્યાંથી બે કદમ દૂર ખસી જાય છે. પણ બોમ્બેના રેખા તરીકે ઓળખાતા પૂજા શર્માને જોવા માટે લોકો લાઈનમાં ઊભા રહે છે. મુંબઈની લોકલ ટ્રેનનું સેન્સેસન ગણાતા પૂજા શર્મા ડાન્સર છે અને ‘આજા નચ લે’થી માંડીને ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ જેવા શોમાં પરફોર્મ કરી ચૂક્યા છે. મુંબઈની લોકલ ટ્રેનમાં પૂજા લોકો પૂજાને તેની સ્માઈલ જોઈને જ હજારો રૂપિયા આપી દે છે, પણ તેઓ ફક્ત એક રૂપિયો જ લે છે. પૂજા આજે સુરતની મુલાકાતે હતા ત્યારે ગુજરાતમિત્રએ તેમની સાથે વાત કરીને તેમના જીવન સંધર્ષ અને સફળતા વિશે માહિતી મેળવી હતી. જાણો, એક આત્મનિર્ભર કિન્નરની કહાની તેમના જ શબ્દોમાં….

1) તમને પૂજા કરતાં વધારે લોકો ‘રેખા’ તરીકે ઓળખે છે, શા માટે?

સેલિબ્રિટી રેખાજીની હું ખૂબ રિસ્પેક્ટ કરું છું. હું જ્યારે મુંબઈની લોકલ ટ્રેનમાં પૈસા માંગવા માટે ઊભી રહું છું, ત્યારે લોકો મને ટ્રાન્સજેન્ડરની નજરે નહીં પણ એક સેલિબ્રેટીની નજરે જ જુએ છે. લોકો કહે છે કે, મારું ડ્રેસઅપ, હેર સ્ટાઈલ અને વાત કરવાની રીત રેખા જેવી જ છે. લોકો મને ફક્ત રેખા નહીં, ‘એક રૂપિયેવાલી રેખા’ તરીકે ઓળખે છે. કારણ કે, હું લોકો પાસેથી ફક્ત એક રૂપિયો જ લઉં છું.

2) તમને ક્યારે ખબર પડી કે તમે સામાન્ય વ્યક્તિ કરતાં અલગ છો ?

મને પહેલેથી જ છોકરીઓ સાથે રહેવાનું વધારે ગમતું હતું. છોકરાઓ ક્રિક્રેટ રમતા હોય તો હું છોકરીઓ સાથે ડાન્સ કરતી હોઉં. મારાં માતાપિતાને ખબર હતી કે હું ટ્રાન્સજેન્ડર છું. પણ તેમણે મારી ઓળખ છુપાવી અને છોકરા તરીકે મને મોટી કરી. મારાથી ન રહેવાયું અને મેં અંતે ઘર છોડી દીધું. ત્યારબાદ મારા પર ગેંગરેપ થયો. તમારી સાથે રેપ થાય તો તમે મીડિયા બોલાવી શકો. પોલીસ ફરિયાદ કરી શકો, પણ હું કોને કહું. ટ્રાન્સજેન્ડર પર રેપ માટેની કોઈ જોગવાઈ આપણા બંધારણમાં નથી.

3)ટ્રાન્સજેન્ડર તરીકે તમે તમારા કરિયરની શરૂઆત કઈ રીતે કરી ?

હું મારું કરિયર બનાવવા માટે ઘર છોડીને બોમ્બે જતી રહી હતી. ત્યાં મેં એક લોન્ડ્રીની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું. આ દુકાનમાં મારી કમ્યુનિટીના લોકો આવ્યા અને મારી સાથે વાત કરી. મને તેમનો સાથ-સહકાર ખૂબ ગમ્યો. તેમની સાથે મેં વિવિધ પ્રસંગોમાં જઈ નાચવાનું શરૂ કર્યું. જે મારો શોખ હતો. ધીમે ધીમે હું ડાન્સ એક્સપર્ટ બની ગઈ અને વિવિધ ટીવી શોમાં મેં પાર્ટ લેવાનું શરૂ કર્યું.

4) ટ્રાન્સજેન્ડર તરીકે લોકો તમારી સાથે કઈ રીતે વર્તન કરે છે ?

હાલ હું બોમ્બેની લોકલ ટ્રેનમાં ડાન્સ કરી મારું ગુજરાન ચલાવું છું. હું એક દિવસ પણ ટ્રેનમાં નહીં આવું તો લોકો ગળગળા થઈ જાય છે અને વિચારમાં પડી જાય છે. બોમ્બેની લોકલ ટ્રેન ક્યારેય કોઈના માટે ઊભી રહેતી નથી. પણ મને જોઈને તે ઊભી રહી જાય છે. હું લોકો પાસે હજારો રૂપિયા નહીં, ફક્ત એક રૂપિયો જ માંગું છું. લોકો મારા ડાન્સના દિવાના છે.

5) તમે ભવિષ્યમાં શું કરવા ઈચ્છો છો ?

એક આત્મનિર્ભર કિન્નર તરીકે હું મારી કોમ્યુનિટીના કિન્નરોને ડાન્સ શીખવાડીને તેમને આત્મનિર્ભર બનાવવા માંગું છું. હું ઈચ્છું છું કે લોકો કિન્નરોની પણ ઈજ્જત કરે. હું ઘણા ફાઉન્ડેશન સાથે સંકળાયલી છું અને મારાથી થતું ડોનેશન હું તેમાં કરું છું

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top