Comments

આ શંકરનો મોક્ષ શી રીતે થશે?

We can save elephants. But can we save wild elephants? | Will Jones | The  Guardian

નામ એનું શંકર. જો કે, એ નામ તો એને ભારત આવ્યા પછી મળેલું. સવા બે-અઢી વર્ષની વયે, ૧૯૯૮ માં તેને ઝિમ્બાબ્વેથી સીધો ભારત લાવી દેવામાં આવ્યો. હાલ ઉંમર ૨૪ વર્ષ. ઝિમ્બાબ્વેમાં પથરાયેલી સવાનાની ઘાસિયા ભૂમિનો આ રહેવાસી પોતાની જાણબહાર પોતાના દેશના પ્રતિનિધિ તરીકે આ અજાણ્યા દેશમાં લવાયો. બસ, એ પછી તે અહીંનો બની રહ્યો. ભેજથી તરબતર એવા પોતાના દેશના વાતાવરણને બદલે દિલ્હીના સૂકા હવામાનમાં તેણે અનુકૂલન સાધવાનું આવ્યું. એમ તો તેની સાથે એક જોડીદાર પણ આવેલી હતી. થોડાં વરસો અગાઉ તેનું મૃત્યુ થયું. હવે શંકર એકલો પોતાના આવાસમાં રહીને દિવસો વીતાવે છે.

શંકર આફ્રિકાનો એક હાથી છે. માત્ર અમુક પ્રદેશનો નિવાસી હોવાને કારણે લાવવામાં આવેલા શંકરની આ અજાણી ભૂમિમાં, પ્રતિકૂળ વાતાવરણમાં, આટલો લાંબો સમય માટે સાવ મર્યાદિત વિસ્તારમાં રહેવાથી શી હાલત થઈ હશે એ સમજવું અઘરું નથી. વાસ્તવમાં આ રીતનો પ્રાણીવિનિમય એક રીતે બે દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવાના ભાગરૂપે સામાન્ય હતો. ભારતીય વિમાની કંપની ‘એર ઈન્ડિયા’ની પ્રતિષ્ઠા એક સમયે કળાના આશ્રયદાતા તરીકેની હતી. આ પ્રતિષ્ઠાને અનુરૂપ તેણે પોતાના ગ્રાહકો માટે, એશ-ટ્રેની કળાત્મક ડિઝાઈન તૈયાર કરવાનું કામ ખ્યાતનામ અતિવાસ્તવવાદી સ્પેનિશ ચિત્રકાર સાલ્વાડોર ડાલીને સોંપ્યું હતું.

તેના બદલામાં મહેનતાણા તરીકે ડાલીએ હાથીનું એક બચ્ચું માંગ્યું હતું. ભારતથી એક મદનિયાને તેના ખાસ મહાવત સમેત સ્પેન મોકલવામાં આવ્યું હતું. ભારતની આબોહવામાં ઉછરેલું એ મદનિયું સ્પેનના હવામાનમાં શી રીતે અનુકૂલન સાધી શક્યું હશે? વિવિધ વન્ય પશુઓને તાલીમ આપીને સર્કસમાં તેમની પાસે કામ લેવું જુદા પ્રકારનો અને દેખીતો જુલમ છે. તેની સરખામણીએ રાજદ્વારી સંબંધો જાળવવા માટે પ્રાણીવિનિમય કરવો એ તરત ધ્યાને ન ચડે એવો પરોક્ષ સિતમ છે. જવાહરલાલ નહેરુના વડા પ્રધાનપદના કાર્યકાળ દરમિયાન અનેક દેશોમાં આ રીતે બાળકોના પ્રિય સંદેશવાહક તરીકે મદનિયાં મોકલાતાં હતાં. હવે સમય બદલાયો છે. દૃશ્યમાધ્યમોના પ્રતાપે અવનવાં પ્રાણીઓ જોવાની નવાઈ રહી નથી. વાઘ-સિંહ જેવાં વન્ય પશુઓના સર્કસમાં ઉપયોગ પર આપણા દેશમાં પ્રતિબંધ મૂકાઈ ગયો છે. હવે અન્ય પશુઓના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવાનું આયોજન વિચારણા હેઠળ છે. એ જ રીતે પ્રાણીવિનિમયને પણ ૨૦૦૫ થી અટકાવી દેવામાં આવ્યો છે.

દરવાજા ખુલ્લા મૂકી દીધા પછી ખાળે ડૂચા મારવા જેવું આ પગલું છે, પણ આ મામલે ‘જાગ્યા ત્યારથી સવાર’ ગણીને મન મનાવવું પડે એમ છે. ભલે મોડો, પ્રતિબંધ આવ્યો એ આવકાર્ય છે. દિલ્હી પ્રાણીબાગનાં નિદેશક સોનાલી ઘોષના જણાવ્યા અનુસાર તેમણે આફ્રિકાના સત્તાવાળાઓને પૂછાવ્યું છે કે શંકરને કોઈ જોડીદાર મળી શકે એમ છે યા તેને પાછો વતનમાં મોકલી શકાય એમ છે કે કેમ. શંકરના પગમાં સત્તરેક કલાક બેડી જડવામાં આવે છે. એ સિવાયના સમયમાં પોતાના વિશાળ પાંજરામાં શંકર આમતેમ આંટાફેરા કરતો રહે છે, કદીક ડોલે છે, કદીક માથું ધુણાવે છે, તો કદીક ગણી ગણીને પગલાં ભરે છે.

તેની આવી ચેષ્ટાઓને દર્શકો ‘નૃત્ય’ ગણીને મનોરંજન મેળવે છે. એક અહેવાલ અનુસાર, હાથીની આવી ચેષ્ટા તેના મનમાં રહેલી તાણની સૂચક છે. માનસિક રીતે તે ક્ષુબ્ધ હોય એવી સ્થિતિમાં, તીવ્રતા અનુસાર તે સામાન્યથી અતિશય વધુ માત્રામાં આમ કરે છે. શંકરની ચકાસણી પ્રાણીચિકિત્સકો દ્વારા કરાઈ રહી છે અને તેમના જણાવ્યા અનુસાર શંકરની વર્તણૂકમાં તાણની અસર નથી. પોતાના વતનના રેમ્બો નામના બીજા જોડીદાર સાથે માયસુરુમાં તેને મોકલી શકાય એમ નથી, કારણ કે, દિલ્હીથી છેક માયસુરુ સુધી તેને લઈ જવાની પ્રક્રિયા દરમિયાન તે તાણનો ભોગ બની શકે. તદુપરાંત એ બન્ને હાથી નર છે અને બે નર હાથીને ભેગા રાખવા હિતાવહ નથી. આફ્રિકન હાથી પ્રકૃતિએ નિરંકુશ અને એકલા રહેનારા હોય છે. આથી તેને એશિયન હાથીઓ ભેગો રાખી શકાય એમ નથી.

ટૂંકમાં કહીએ તો હવે શંકરે બાકીનું જીવન અહીં જ વીતાવવા સિવાય બીજો કોઈ આરો નથી. બહુ બહુ તો તેના આવાસમાં જરૂરી ફેરફાર કરીને તે સહેજ મોકળાશથી હરીફરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે. પણ એ મોકળાશ હોઈ હોઈને કેવી અને કેટલી હોવાની? આફ્રિકન હાથી અનુકૂળ મોસમમાં રોજના સો કિ.મી. સુધીની મુસાફરી કરતો હોય છે. તેનું સરેરાશ આયુષ્ય પણ સાઠ-સિત્તેર વર્ષનું હોય છે. જો કે, વન્ય હાથીઓ અને પ્રાણીબાગના હાથીઓના આયુષ્યમાં દેખીતો ફરક હોવાનું જણાયું છે. પ્રાણીબાગના હાથીઓનો જીવનકાળ વન્ય હાથીઓની સરખામણીએ ઓછો હોય છે. પર્યાવરણ એટલે કેવળ વનસ્પતિ જ નહીં. તેમાં અનેકવિધ જીવસૃષ્ટિનો પણ સમાવેશ થતો હોય છે. પોતાના શોખ, મનોરંજન અને ઠાલા ગર્વને કાજે માનવ સમગ્ર પર્યાવરણનો ભોગ લેતો આવ્યો છે. તેનાં માઠાં પરિણામો નજર સામે હોવા છતાં તેની આ વૃત્તિમાં સહેજ પણ સુધારાનું નામ નથી.

પ્રાણીબાગની વિભાવના પણ બદલાયેલા સમયમાં પુરાણી બની ગઈ હોવાનું લાગ્યા વિના રહે નહીં. જો કે, પ્રાણીબાગમાં રહેલાં પ્રાણીઓને પાછાં પોતાના મૂળ આવાસમાં મૂકવાં જોખમી છે, કેમ કે, એ પોતાની મૂળભૂત આદતો લગભગ છોડી ચૂક્યાં હોય છે. નિકિતા ધવન અને નંદિતા કરુણાકરમ નામની બે વિદ્યાર્થિનીઓએ ‘યુથ ફૉર એનિમલ્સ’ નામની પોતાની સંસ્થાના ઉપક્રમે શંકરને મુક્ત કરવા માટેની યાચિકા દાખલ કરી છે. તેમણે શંકર માટે વિવિધ વિકલ્પો સૂચવ્યા છે. આ યાચિકાને પગલે શંકર સમાચારમાં ચમક્યો છે. ચાહે પ્રોત્સાહન તરીકે હોય કે રાજદ્વારી સંબંધો જાળવવા માટે, ભેટ તરીકે પ્રાણીઓને આપવામાં આવે ત્યાર પછી તેમની શી વલે થાય છે એ વિશે ભાગ્યે જ જાણવા મળે છે. દરેક દેશમાં આવા અનેક શંકર પાંજરામાં સબડતા હશે!
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top