Charchapatra

બોદો બચાવ ક્યાં સુધી?

કોરોના મહામારીએ આ જગતને ઘણું દેખાડ્યું પણ છે અને ઘણું શીખવાડયું પણ છે. ભારે પવન વેગથી વૃક્ષ પરથી જેમ પાંદડાં ટપોટપ ખરી પડે, એમ કોરોનાના કહેરથી માણસો આ પૃથ્વી પરથી ટપોટપ ખરવા માંડ્યાં. પાંદડાં ખરે અને જમીન પર જેમ ઢગલો થાય એમ કોરોનાથી મૃત્યુ પામેલા માણસનો ઢગલો થવા માંડ્યો. વિશ્વના દરેક ખૂણે સામુહિક મૃત્યુને કારણે સામુહિક અંતિમ સંસ્કારની સમસ્યા ઊભી થઈ, એમ આપણે ત્યાં પણ અંતિમ સંસ્કારની સમસ્યાએ વિકરાળ રૂપ ધારણ કર્યું. સ્મશાનગૃહમાં લાંબી લાઈનો થવા માંડી. લોકો કંટાળીને અને આર્થિક ભારણને કારણે લાશોને નદીમાં વહેવડાવવા મજબૂર બન્યાં અને ગંગા નદીમાં લાશોનો ઢગલો થઈ ગયો. મેડિકલ ઉપકરણોની અછત અને અભાવ કોરોનાગ્રસ્ત લોકોને પીડી જ રહ્યો હતો ત્યાં કોરોનાગ્રસ્ત માણસોનાં સ્વજનોને અંતિમ સંસ્કાર માટે ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો. સરકાર આ બધું મૂક પ્રેક્ષક બનીને જોતી રહી.

પરિસ્થિતિને ખાળવા અને થાળે પાડવા સરકાર જે પ્રયત્નો કરી રહી હતી, તેમાં “પ્રામાણિકતાનો” અભાવ દેખાતો હતો. ગંગામાં હજારો લાશોને વહેવડાવવાને કારણે અને નદીકિનારે લાશોને દાટવાને કારણે મોદી સરકાર ભીંસમાં આવી અને એને કારણે સરકારની ભારે બદનામી અને બદબોઈ થઈ.૨૦૧૪ પછી કદાચ મોદી સરકાર પહેલી વખત આટલી ભીંસમાં આવીને બદનામ થઈ હશે. મોદી સરકાર જ્યારે પણ ભીંસમાં આવે અને બદનામ થાય ત્યારે “ડેમેજ કન્ટ્રોલ” જેવા એમના ભક્તગણ મોદી સરકારના બચાવમાં ઊતરી પડતાં હોય છે. નદીમાં લાશો વહેવાને કારણે મોદી સરકાર પર લાગેલી કાળી ટીલીને ભૂંસવા ભક્તગણ એવી દલીલ લઈ આવ્યા કે, અમેરિકાના ન્યૂયોર્કમાં તો એક વર્ષથી લાશો દફનાવવાને બદલે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે!

આ બાબતે કમસેકમ એટલું તો કહી શકાય કે અમેરિકાએ લાશોને કોલ્ડ સ્ટોરેજમાં “સાચવી” છે. આપણી જેમ નદીમાં વહેવડાવી ને “રઝળાવી” તો નથી. જ્યારે લાશોનો ઢગલો થાય ત્યારે અંતિમ સંસ્કારની પરંપરા ના જળવાય એ સ્વાભાવિક છે. જેમ આપણે ત્યાં કેટલાક પરંપરાવાદી જડભરતો છે, તેમ અમેરિકામાં પણ છે. અમેરિકન પરંપરાવાદીઓનો દુરાગ્રહ એવો હતો કે લાશોની દફનવિધિ પરંપરા પ્રમાણે થાય. હવે લાશોના આટલા ખડકલાની દફનવિધિ માટે પર્યાપ્ત જમીન ન હોય એ સમજી શકાય એમ છે. કમ સે કમ એ લોકો પાસે લાશોને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજ તો છે. આપણી પાસે તો અનાજ સાચવવા માટે પણ ગોડાઉનો નથી. કારણ કે આપણે પ્રાથમિક જરૂરિયાતોને બદલે ઊંચા પૂતળા અને મોટા સ્ટેડિયમને વધારે પ્રાધાન્ય આપીએ છીએ.
સુરત – પ્રેમ સુમેસરા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top