Columns

ચૂંટણીમાં રાજકીય રણનીતિકારોની ભૂમિકા કેટલી અગત્યની છે?…

ચૂંટણીમાં હવે રાજકીય નેતાઓને પોલિટિકલ સ્ટ્રેટજિસ્ટોનો આશરો લીધા વિના પરિણામ મળતું નથી. છેલ્લી ઘણી ચૂંટણીઓમાં પોલિટિકલ સ્ટ્રેટજિસ્ટોએ હારની બાજી જીતમાં પલટાવી હોય તેવા ન્યૂઝ પણ આવ્યા છે. એ રીતે પોલિટિકલ સ્ટ્રેટજિસ્ટોનું મહlત્ત્વ વધી રહ્યું છે. ભારતીય રાજકારણમાં અત્યારે પોલિટિકલ સ્ટ્રેટજિસ્ટોમાં અગ્ર હરોળનું નામ પ્રશાંત કિશોરનું છે. મૂળે બિહારના પ્રશાંત કિશોરે ‘PK’ના નામથી ઓળખાય છે અને તેમણે અત્યાર સુધી નરેન્દ્ર મોદી સહિત, ‘JDU’, ‘AAP’, ‘DMK’અને ‘TMC’ જેવા દરેક પક્ષ સાથે કેન્દ્ર અને રાજ્ય સ્તરે કામ કર્યું છે.

તેમણે પહેલવહેલી વાર 2011ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના સ્ટ્રેટજિસ્ટ તરીકેની બાગડોર સંભાળી હતી. તે પછી 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ચૂંટણી લડતાં BJP પક્ષને પણ કેમ્પેઇન કન્સેપ્ટ આપ્યા હતા. અત્યારે જે કોઈ પણ વ્યક્તિ રાજકીય ક્ષેત્રમાં સફળતા મેળવી રહ્યો છે તેની પાછળ રાજકીય રણનીતિકારનું ભેજું છે. આજના સમયમાં જે સ્કેલ પર ચૂંટણીના પ્રચાર-પ્રસાર અને આયોજનો થાય છે તેમાં સ્વાભાવિક છે કે તે બધું કરવા માટે રાજકીય આગેવાનોનો પનો ટૂંકો પડવાનો. પ્રજાને રિઝવવી અને પ્રજા સમક્ષ નવા નવા મુદ્દા મૂકીને તેમને ચૂંટણી ટાણે પોતાના પક્ષે કરવા માટે સ્ટ્રેટજિસ્ટો રાતદિવસ કામ કરે છે.

સૌ પ્રથમ 2004ની લોકસભાની ચૂંટણીમાં મોટા સ્તરે પ્રચાર-પ્રસાર થયો હતો. BJP દ્વારા તે વખતે થયેલું ‘ઇન્ડિયા શાઇનિંગ’ કેમ્પેઇન ઠેરઠેર ગાજ્યું હતું. તેની પાછળ કામ કરનારા તત્કાલીન BJPના નેતા પ્રમોદ મહાજન અને તેમના રણનીતિકાર સુધાંશુ મિત્તલ હતા. જો કે તે વખતે ગ્રાઉન્ડ પર સોનિયા ગાંધીનું કેમ્પેઇન વધુ સફળ રહ્યું હતું અને સરકાર કૉંગ્રેસ આગેવાની હેઠળ UPAની બની હતી. ચૂંટણીમાં હાલમાં પ્રોફેશનલ પોલિટિકલ સ્ટ્રેટજિસ્ટો મુખ્ય ભાગ ભજવી રહ્યા છે અને તેઓ રિસર્ચ આધારે સર્વે કરે છે, કેમ્પેઇન ડિઝાઈન કરે છે.

ચૂંટણી સમયે પાર્ટીના કાર્યકર્તાઓને અને બુથ લેવલ પરનું આયોજન સુધ્ધાં તેઓ કરી આપે છે. આ રીતે તેઓ પૂરા કેમ્પેઇનનું માળખું ગોઠવી આપે છે અને તે પ્રમાણે પછી કેમ્પેઇન થાય છે. હજુ દોઢ દાયકાની પહેલાંની ચૂંટણીમાં રણનીતિકારની ભૂમિકા આટલી અગત્યની નહોતી, તે માત્ર થોડાં સલાહ-સૂચન સુધી સીમિત રહેતી, હવે તે વ્યાપક બની છે. 2014 પહેલાં મસમોટી ચૂંટણીનું આયોજન પણ એક છત હેઠળ થતું હતું અને તેમાં મહદંશે પાર્ટીની કોઈ એક વ્યક્તિ પહેલેથી છેક સુધીની જવાબદારી સંભાળતાં.

BJPમાં આ કાર્ય પ્રમોદ મહાજન, અરૂણ જેટલીની દેખરેખમાં થતું, જ્યારે કોંગ્રેસમાં જયરામ રમેશ અને અહમદ પટેલ આ કાર્ય સંભાળતા પણ હવે ચૂંટણીનો કારભાર જે રીતે વિસ્તર્યો છે અને તેમાં જેટલો ખર્ચ થાય છે તે માટે હવે કોઈ એક વ્યક્તિના અંતર્ગત ચૂંટણી થવી અશક્ય થઈ ચૂકી છે. પોલિટિકલ સ્ટ્રેટજિસ્ટમાં પ્રશાંત કિશોર કે સુધાંશુ મિત્તલ જેવા ગણ્યાગાંઠ્યા જ નામ નથી. બલકે ભારતમાં હવે આ બિઝનેસ પૂરબહારમાં ખીલ્યો છે. વર્ષમાં ખૂબ ઓછા દિવસ હોય છે જ્યારે ભારતમાં ક્યાંય પણ ચૂંટણી ન હોય.

કેન્દ્ર, રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામીણ સ્તર સુધી અવિરત ચૂંટણીનો દોર ચાલતો રહે છે અને મોટી મોટી પાર્ટીઓ આજે તેમની શક્તિ અમર્યાદ કરવા માટે ગ્રામ્યથી લઈને કેન્દ્ર સુધી પોતાની સત્તા રાખવા મથે છે તેથી અનેક પ્લેયર્સ આમાં પ્રવેશ્યા છે. તેમાંથી એક છે ‘પોલિટિકલ એજ’ નામની કંપની, જેના સર્વેસર્વા ગૌરવ રાઠોડ અને સૌરભ વ્યાસ છે. આ બંને ‘IIT- બોમ્બે’ના વિદ્યાર્થી છે અને તેમણે પોતાની ટીમ સાથે રાજકીય નેતાઓને રણનીતિકારની સેવા આપવા માટે કંપની શરૂ કરી છે. 2011થી શરૂ થયેલી તેમની કંપનીએ અત્યાર સુધી દેશભરમાંથી 700થી વધુ રાજકીય આગેવાનોને પોતાની વ્યાવસાયિક સેવા આપી છે.

તેઓ કેવી રીતે કામ કરે છે તે વિશે ‘પોલિટિકલ એજ’ના ફાઉન્ડર સૌરભ વ્યાસ કહે છે કે, “2017ની પંજાબ વિધાનસભાની ચૂંટણીના 21 દિવસ અગાઉ કૉંગ્રેસે અમિત વિજને ઉમેદવાર તરીકે જાહેર કર્યા. અમિત વિજ મલ્ટીનેશનલ કંપનીમાં અધિકારી હતા. તેમણે BJPના અશ્વિનીકુમાર શર્મા સામે સ્પર્ધા હતી, જેઓ 2012માં આ બેઠક પરથી 19 % વોટના માર્જિન સાથે જીત્યા હતા. એક ઠરેલ નેતા સામે અમિત વિજને લડવાનું હતું. અમિત વિજે આ માટે અમારો સંપર્ક કર્યો અને અમે મુખ્ય ત્રણ બાબતોને તારવી. એક, યુવાનો માટે નોકરી અને ઉદ્યોગોને સુરક્ષાનું વચન, ઉમેદવાર તરીકે અમિત વિજેની નમ્ર છબિ, જે અન્ય કરતાં તેમને વેગળા બનાવે અને ત્રીજું કે તેઓ મતક્ષેત્રમાં અગાઉ ક્યારેય દેખાતા નહોતા તેથી તેમનું ડોર ડુ ડોર કેમ્પેઇન કરવું. આ રીતે ડેટાના આધારે રણનીતિ ઘડી, પ્રચારના પહેલા દિવસથી જ વોર રૂમ બનાવ્યો. આ બધું કર્યા પછી અનિલ વિજે 56,383 વોટ મેળવ્યા જ્યારે BJPના ઉમેદવારે 45,231 વોટ.” સૌરભ વ્યાસનું કહેવું છે કે ચૂંટણી લાગણીથી જીતાય છે અને તે વિજ્ઞાન કરતાં કળા વધુ છે.

રાજકીય રણનીતિકારોનું મહત્ત્વ એ માટે પણ છે કે દરેક બેઠકનું ગણિત જુદું હોય છે અને દરેક ઉમેદવારની પ્રોફાઈલ મુજબ તેમની રણનીતિ ગોઠવવામાં આવે છે અને રણનીતિકારની સેવા પક્ષ પણ લે છે અને ઘણી વાર વ્યક્તિગત રીતે નેતાઓ પણ. રણનીતિકારના કાર્યમાં મુખ્યત્વે ડેટા સેવા હોય છે, જેમાં તેઓ બેઠક મુજબ માહિતી મેળવે છે, જેમાં ઐતિહાસિકથી વર્તમાન સુધીની બધી માહિતી આવરી લેવાય છે. સ્થાનિક પ્રશ્નો અને મતદાતા કયા મુદ્દાથી પ્રભાવિત થશે તેવો અંદેશો પણ રણનીતિકાર આપે છે. ઉપરાંત, તેઓ પક્ષના કાર્યકર્તાઓને પણ કામ કરવાની ટેકનિક શીખવાડે છે.

આ તો પાયાની માહિતી છે પણ તેનાથી આગળ જઈને રાજકીય રણનીતિકાર બેઠક ક્ષેત્રમાં મતદાતાઓની આર્થિક સ્થિતિ જાણવા માટે તેમના વીજળી અને ફોન બિલનો પણ ડેટા એકઠો કરે છે, જેથી અલગ-અલગ વર્ગના લોકોના મુદ્દાને કેવી રીતે સંબોધવા તેનો ખ્યાલ આવે. આવું જ કાર્ય એક અન્ય કંપની ‘ચાણક્ય’ પણ કરે છે. આ કંપનીના સ્થાપકોમાં પાર્થા પ્રતિમ દાસ છે અને બીજા અરિંદમ મન્ના. આ બંનેની કંપનીએ 2013માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી દરમિયાન જેવારગી નામના મતક્ષેત્રથી પોતાનું કાર્ય શરૂ કર્યું હતું.

તેઓએ જેવારગી બેઠક પર લડી રહેલા ડો. અજયસિંઘ માટે કામ કર્યું અને તત્કાલીન BJPના વિધાનસભ્યને 36,700 વોટથી હરાવ્યા. એ રીતે તુષાર પંચાલે ‘વોરરૂમ સ્ટ્રેટજિસ’ નામે કંપની 2016માં શરૂ કરી છે. પહેલાં તેમની પાસે માત્ર 40 વ્યક્તિઓનો સ્ટાફ હતો, હવે તેઓ 700થી વધુ સ્ટાફને આ કામમાં નિભાવી શકે છે. દેશના રાજકારણમાં અનેક સ્તર છે. જુદાં જુદાં રાજ્યોમાં રણનીતિ જુદી હોય છે અને લોકોને રીઝવવા માટે મુદ્દા પણ અલગ હોય છે. તેમાં પણ સ્થાનિક મુદ્દા પર કેટલું જોર આપવું તે પણ અવઢવ હોય છે.

જેમ કે અત્યારે ગુજરાતની ચૂંટણીમાં જે કોઈ મુદ્દા ચાલી રહ્યા છે તે રાજ્ય સ્તરના તો છે જ, પણ તેમાં BJP આંતકવાદનો, સુરક્ષાનો મુદ્દો પણ મૂકી રહ્યા છે. બીજું કે રાજ્યની ચૂંટણી હોવા છતાં BJP તરફથી સૌથી મોટા પ્રચારક વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે. વડા પ્રધાન હોવાના નાતે તેઓનું ધ્યાન સ્વાભાવિક દેશભરમાં રહેવાનું પણ અત્યારે તેઓ રાજ્યમાં અવારનવાર પ્રચાર અર્થે આવી રહ્યા છે. વડા પ્રધાનની જેમ ગૃહમંત્રી અમિત શાહ પણ રાજ્યની ચૂંટણીમાં ખૂબ એક્ટિવ છે.

જો કે તમામ રાજકીય રણનીતિકાર એવું સ્વીકારે છે કે ચૂંટણી જીતવાના તેમના અથાગ પ્રયાસ હોવા છતાં તેઓ મતદાતાઓને પારખવામાં નિષ્ફળ જાય છે. જ્યારે એન્ટિ ઇન્કબન્સી(શાસક સામેના વિરોધની લહેર) હોય છે ત્યારે પાર્ટી કે ઉમેદવારને કોઈ બચાવી શકતું નથી. રાજસ્થાનનું 2018ની ચૂંટણીના પરિણામનું ઉદાહરણ તેમાં મૂકી શકાય. 2013 વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાં કૉંગ્રેસનો દેખાવ ખરાબ હતો પણ 2018માં તેઓ સારી બેઠકોથી ચૂંટાઈ આવ્યા. ભારતના સામાન્ય મતદાતાને હજુ સુધી કોઈ સંપૂર્ણ કળી શક્યું નથી અને એટલે જ દેશભરમાંથી જંગી બેઠકો મેળવનાર BJP પક્ષે પણ 2014 પછી અનેક રાજ્યોની ચૂંટણીમાં પછડાટ ખાધી છે અને કેન્દ્ર સ્તરે સાવ નબળું પ્રદર્શન કરનારી કૉંગ્રેસે રાજ્યોમાં જ્વલંત સફળતા મેળવી છે.

Most Popular

To Top