Dakshin Gujarat

મહુવાનો 20 વર્ષીય યુવાનને એક અજાણી સ્ત્રીએ વિડીયો કોલ કર્યો અને પછી…

અનાવલ: મહુવામાં એક 20 વર્ષીય યુવાનને સોશિયલ મીડિયા (Social Media) ઉપર હનીટ્રેપમાં (Honeytrap) ફસાવી બ્લેકમેઇલ કરી 86,098 રૂપિયા ખંખેરી લેતાં મહુવા પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઓનલાઇન હનીટ્રેપના બનાવો અવારનવાર ફસાઈ રહ્યા છે અને બ્લેકમેઇલનો ભોગ બનતાં રૂપિયા ગુમાવી રહ્યા છે.

મહુવા તાલુકાના એક ગામના 20 વર્ષીય યુવાન પર સોશિયલ મીડિયા પર અજાણી સ્ત્રી દ્વારા વિડીયો કોલ આવ્યો હતો, જેમાં અજાણી સ્ત્રીએ અશ્લીલ હરકતો કરી વિડીયો રેકોર્ડ કરી લીધો હતો. બાદ આ યુવાનને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના મેનેજર તેમજ યુ-ટ્યુબ મેનેજરની ઓળખાણ આપી આ અશ્લીલ વિડીયો વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી. જો વિડીયો ડિલીટ કરવો હોય તો ગૂગલ પે દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. હનીટ્રેપમાં ફસાયેલા યુવાન દ્વારા બદનામીના ડરે ટુકડે ટુકડે રૂ.86,098 ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. યુવાને અંતે મહુવા પોલીસમથકે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી રૂપિયા ખંખેરવા બાબતે ફરિયાદ નોંધાવી હતી.

ગૃહમંત્રી દ્વારા આવા હનીટ્રેપ બાબતે જાગૃતતા દાખવવા અને રૂપિયા નહીં આપવાથી લઇ સાવચેતીનાં સૂચનો કર્યાં છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સોશિયલ મીડિયા મારફતે ફેલાયેલા આ દૂષણ સામે વાલીઓએ પણ બાળકો માટે જાગૃતતા દાખવવાની જરૂર છે.

‘હું ICICI બેન્કની મુખ્ય શાખા મુંબઈથી વાત કરું છે’ કહી ઓટીપી માંગી વેપારી સાથે ઠગાઈ
બારડોલી: ક્રેડિટ કાર્ડમાં રૂપિયા જમા નહીં થયા હોવાનું જણાવી બારડોલીના વેપારીના ક્રેડિટ કાર્ડમાંથી 86609 રૂપિયા ઉપાડી લેતાં બારડોલી ટાઉન પોલીસમથકમાં અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીના ગાંધી કોમ્પ્લેક્સમાં રહેતા દાનાભાઈ રાણાભાઈ ગાગલ (ઉં.વ.48) સમ્રાટ એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં જીનામ ઝેરોક્ષ નામથી દુકાન ચલાવે છે. તેમણે ગત 3/7/2023ના રોજ સવારે આઇસીઆઇસીઆઇ બેન્કના ક્રેડિટ કાર્ડમાં રૂ.91 હજાર જમા કરાવ્યા હતા. ત્યારબાદ બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ એક અજાણ્યા મોબાઇલ ફોન પરથી મહિલાનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, હું આઇસીઆઇસીઆઇ બેન્કની મુખ્ય શાખા મુંબઈથી વાત કરું છે. મહિલાએ દાનાભાઈને તેમના ક્રેડિટ કાર્ડમાં રૂપિયા જમા થયા ન હોવાનું જણાવી ક્રેડિટ કાર્ડ નંબર માંગ્યો હતો. થોડીવાર બાદ ફરીથી ફોન આવ્યો હતો અને દાનાભાઈ પાસેથી ઓટીપી માંગ્યો હતો. વિશ્વાસમાં આવી દાનાભાઇએ મોબાઇલ પર આવેલો ઓટીપી નંબર આપી દીધો હતો. ત્યારબાદ મહિલાએ ક્રેડિટ કાર્ડમાં રૂપિયા જમા થઈ ગયા હોવાનું જણાવી ફોન કટ કરી દીધો હતો.

દરમિયાન તા.5/7/2023ના રોજ દાનાભાઇ પોતાની દુકાન પર હાજર હતા ત્યારે આઇસીઆઇસીઆઇ બેન્કની બારડોલી શાખામાંથી એક મહિલા કર્મચારી આવી મેડિક્લેઇમ વિશે સમજાવ્યું હતું અને મેડિક્લેઇમ લીધો હતો તેની ચૂકવણી ઓનલાઈન કરવાની હોવાથી બેન્ક કર્મચારીએ ક્રેડિટ કાર્ડનું બેલેન્સ ચેક કરતાં અંદરથી 86609 રૂપિયા ઉપડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આમ ફોન કરનાર મહિલાએ છેતરપિંડી વિશ્વાસઘાત કરી ક્રેડિટ કાર્ડમાં રૂપિયા જમા થયા ન હોવાનું જણાવી રૂ.86609 ઉપાડી લેતાં દાનાભાઈએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે બારડોલી ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top