Gujarat

ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ સાથે રાજ્યમાં દીવાળી જેવો માહોલ, ઠેર ઠેર વધામણાં

ગાંધીનગર: ચંદ્રની ધરતી પર ઈસરોના (ISRO) ભારતીય વૈજ્ઞાનિકોએ નિર્માણ કરેલા ચંદ્રયાન -3નું (Chandrayan-3) સોફટ લેન્ડિંગ સફળતાપૂર્વક થઈ જતાં આખા ગુજરાતમાં (Gujarat) સાંજે જાણે કે દિવાળી (Diwali) જેવો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત તથા વડોદરા સહિત તમામ નગરોમાં શહેરી તથા ગ્રામીણજનોએ ફટાકડા ફોડીને, મીઠાઈ વહેંચીને તથા ઢોલ નગરા વગાડીને તેને વધાવી લીધું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદમાં ઈસરો ખાતે જઈને વૈજ્ઞાનિકોની સાથે બેસીને ચંન્દ્રયાન -3 સફળ લેન્ડિંગ નીહાળ્યુ હતું. પીએમ મોદીએ પણ 140 કરોડ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. દેશભરમાં સાંજે ફટાકડા ફૂટતા જોવા મળ્યા હતા. ગુજરાતની સ્કૂલોમાં તો છાત્રોએ ડાન્સ કરીને આ પળને વધાવી લીધી હતી.

સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આજનો દિવસ ઈતિહાસના પાના પર કાયમ માટે અંકિત થઈ ગયો છે. ચંદ્રયાન-3 મિશનની સફળતા સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે. કરોડો પ્રાર્થનાઓ આજે ફળી છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ઈસરોના વૈજ્ઞાનિકોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. તેમના જ્ઞાન, કૌશલ્ય અને મહેનત પર સમગ્ર દેશને ગર્વ છે. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે આજે અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી છે. આઝાદીના અમૃતકાળની આ સિદ્ધિ ભારતને વિકસિત દેશોની હરોળમાં મોખરાના સ્થાને બિરાજમાન કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

કેબિનેટ પ્રવક્તા અને સીનિયર મંત્રી ઋષિકેશ પટેલે ચંદ્રયાન-3ની સફળતાને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી હતી. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા દિવસ- રાત મહેનત કરીને ચંદ્રયાન-3ને સફળ પરિણામ સુધી પહોંચાડ્યું છે તે બદલ તેમણે તમામ વૈજ્ઞાનિકોને સહર્ષ અભિનંદન પણ પાઠવ્યા હતા. ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરના સફળ લેન્ડિંગ દ્વારા ભારત દેશ ચંદ્ર પર પહોંચનાર સમગ્ર વિશ્વમાં ચોથો દેશ બન્યો છે. ચંદ્રયાન-3 ચંદ્ર પર માનવજીવન શક્ય હોવા સહિતના વિવિધ મુદ્દે સંશોધન કરશે, જે ફક્ત ભારત દેશ જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને લાભદાયક નિવડશે તેવો ભાવ મંત્રીએ વ્યક્ત કર્યો હતો. ચંદ્રયાન – 3ની સફળતામાં ગુજરાતમાં સ્થિત ઈસરો અને તેના વૈજ્ઞાનિકોનો પણ અમૂલ્ય ફાળો હોવાનું તેમણે જણાવ્યું હતું. ગુજરાત કોંગ્રેસની નેતાગીરીએ પણ ચંદ્રયાન-3ની સફળતાને પગલે ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતાં.

Most Popular

To Top