Gujarat

ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ : રાજકોટમાં બોગસ કોલ લેટર બનાવનારા ચાર ઝડપાયા

ગાંધીનગર: રાજ્યમાં ફરી એક વખત ભરતી કૌભાંડ (Recruitment scam) બહાર આવ્યું છે. રાજકોટમાં (Rajkot) બોગસ નિમણૂક પત્રોના આધારે એલઆરડીમાં (LRD) ભરતી કરાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસે (Police) આ મામલે ચાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ્યમાં 2021માં એલઆરડી ભરતી કરવામાં આવી હતી. આ ભરતી પરીક્ષામાં નાપાસ થયેલા કેટલાક ઉમેદવારોને બોગસ નિમણૂક પત્રોના આધારે રાજકોટ પોલીસમાં નોકરી મેળવવા પ્રયાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે જસદણના પ્રદીપ મકવાણા, ભરત મકવાણા, ભાવેશ ચાવડા અને બાલા ચાવડાની ધરપકડ કરી છે.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 2021ની ભરતી અંગે ફેબ્રુઆરી મહિનામાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આરોપી પ્રતિક ચાર મહિના બાદ લેટર લઈને હાજર થયો હતો અને તેણે કારણ રજૂ કર્યું હતું કે સર્ટિફિકેટ સહિત અન્ય કાગળોની ચકાસણી બાકી હોવાથી મોડું થયું છે. આ અંગે પોલીસને શંકા પડતા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આ રીતે એક કરતાં વધુ લેટર ઇસ્યુ થયા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વધુ પુછપરછ કરતાં પ્રતિક આ બોગસ લેટર તેના માસા પાસેથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. રૂપિયા ચારથી પાંચ લાખમાં આ રીતે લેટર કાઢી આપવામાં આવ્યા હતા. રાજકોટ ઉપરાંત ચોટીલા અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ રીતે બોગસ લેટરો પહોંચ્યા હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે. અત્યાર સુધીમાં આરોપીઓ દ્વારા 28 બોગસ કોલ લેટર બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે.

પ્રદીપ મકવાણાએ પોલીસ લોકરક્ષકની પરીક્ષા પાસ કરી ન હોવા છતાં તેના માસા ભાવેશ તથા તેના ભાઈ બાલાએ બનાવટી નિમણૂક પત્ર તેને આપ્યો હતો તેના બદલામાં પ્રદીપ પાસેથી 4 લાખ રૂપિયા લીધા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. પોલીસે આ બનાવટી નિમણૂક પત્ર કૌભાંડ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top