Dakshin Gujarat

બારડોલીના નગરસેવકનો નગ્ન વિડીયો વિવાદ વકરતો: મામલો ગૃહ મંત્રી સુધી પહોંચ્યો

બારડોલી: સતત એક પછી એક બારડોલી (Bardoli) પંથકમાં હનીટ્રેપ (honey trap)ના વિડીયો વાયરલ (video viral) થયા હતા. ત્યારબાદ આખરે સુરત જિલ્લા પોલીસને બ્રહ્મજ્ઞાન લાધ્યું હતું કે, બારડોલી પંથકમાં હનીટ્રેપની ઘટનાઓ બની રહી છે. અને અંતે પોલીસ (Police)ને આ અંગે જાગૃતતા લાવવા માટે કેટલીક સાવચેતીઓ સાથેની પોસ્ટ સોશિયલ મીડિયા (social media) પર વાયરલ કરવાની ફરજ પડી છે.

બારડોલી પંથકમાં છેલ્લા દસ દિવસથી ઓનલાઈન હનીટ્રેપની ઘટનાઓ અંગેના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. બારડોલીના સ્ટેશન રોડ પર આવેલા એક વેપારીનો વિડીયો વાયરલ થયા બાદ અચાનક બારડોલી નગરના વોર્ડ નં.1ના નગરસેવક દક્ષેશ શેઠનો નગ્ન વિડીયો (naked video) વાયરલ થયો હતો. ત્યારબાદ ભારે ખળભળાટ મચી ગયો હતો. ધીમે ધીમે બારડોલીના અનેક વ્યક્તિઓના વિડીયો વાયરલ થવા લાગ્યા હતા. આ સાથે રાજકીય વેપારી તેમજ સહકારી ક્ષેત્રમાં પણ ખળભળાટ મચી ગયો હતો. સતત વધી રહેલી ઘટનાને ધ્યાનમાં લઈ અંતે રાજકીય અગ્રણીઓ પણ સક્રિય થયા હતાં.

શરૂઆતના તબક્કે સ્થાનિક પોલીસે સામાન્ય ઘટના ગણી આ પ્રકરણમાં ગંભીરતા લીધી ન હતી. ત્યાર બાદ એક પછી એક વિડીયો વાયરલ થયા હોય સમગ્ર પ્રકરણ ગૃહમંત્રી સુધી પહોંચ્યું હતું. રેન્જ આઈ.જી.ને પણ આ મુદ્દે સ્થાનિક રાજકીય નેતાઓએ રજૂઆત કરી હતી. અંતે પોલીસ સક્રિય થઈ હતી. દક્ષેશ શેઠે આઈ.જી. ઓફિસ ખાતે આવેલા સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ જિલ્લા પોલીસને પણ બ્રહ્મજ્ઞાન થયું હતું. અને તેમણે પણ હાલમાં મોટા પ્રમાણમાં ઓનલાઈન હનીટ્રેપની ઘટનાઓ વધી રહી છે અને આ પ્રકારની ઘટના અન્ય કોઈ વ્યક્તિ સાથે ન બને એ માટે તેમણે સાવચેતી રાખવા માટે કેટલાંક સૂચનો આપતી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી હતી.

પોલીસના સાવચેતી માટેનાં સૂચનો

1.સુંદર ચહેરાવાળી ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો સાવધાન અને સતર્ક રહો.
2.ફેસબુક પર મિત્રતા ધરાવતી અજાણી યુવતી સાથે મેસેન્જર અથવા વોટ્સએપ દ્વારા વિડીયો કોલ ક્યારેય ન કરશો.
3.બ્લેકમેલ કરવાની આ પદ્ધતિ હાલમાં ઘણી પ્રચલિત છે.
4.ન્યૂડ વિડીયો કોલ દ્વારા કોઈપણ અજાણી વ્યક્તિ બ્લેકમેલ કરતી હોય તો તાત્કાલિક આપના ઘરના સભ્યો કે મિત્ર અથવા નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી. જેથી બ્લેકમેલિંગથી બચી શકાય.

Most Popular

To Top