Madhya Gujarat

પેટલાદમાં હોબાળો થતાં સર્વે બાદ દબાણ હટાવાશે

આણંદ : પેટલાદ પાલિકાએ દબાણ હટાવવાની કામગીરીમાં ભાંગરો વાટ્યો હતો. પાંચ દિવસ પહેલા રીક્ષા ફેરવી તમામ દબાણ હટાવવા તાકીદ કરી હતી. પરંતુ ગુરૂવારના રોજ કામગીરી શરૂ કરતા ભારે વિરોધ થયો હતો. આખરે કામગીરી અટકાવી હતી અને સર્વે બાદ દબાણ દુર કરવા નિર્ણય લીધો હતો. પેટલાદ પાલિકા દ્વારા દબાણ હટાવવા માટે પાંચેક દિવસ પહેલા રીક્ષા ફેરવી જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, જે લોકો દબાણ નહીં હટાવે તેમને નોટીસ વગર દુર કરવામાં આવશે. પાલિકાની આ જાહેરાત બાદ ગુરૂવારના રોજ સ્ટેડીયમથી કોલેજ ચોકડીના બન્ને બાજુની લારી – ગલ્લા હટાવવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ હોબાળો થયો હતો. પાલિકાએ દબાણ હટાવવા આ વિસ્તાર જ કેમ પસંદ કર્યો ? તેમ પ્રશ્ન ઉઠ્યો હતો. આ મામલો છેક પાલિકા સુધી પહોંચ્યો હતો. જ્યાં કાઉન્સીલર ભાવીન પટેલ અને કાઉન્સીલરના પતિ ભાવેશ શાહે ઉગ્રે રજુઆત કરતાં દબાણ હટાવવાની કામગીરી પડતી મુકવામાં આવી હતી અને પ્રથમ નગરમાં સર્વે કરી નડતર દબાણ દુર કરવા નિર્ણય કર્યો હતો. આખરે આ મામલે ઘીના ઠામમાં ઘી પડ્યું હતું. જોકે, મોડી સાજે દબાણો પણ યથાવત થઇ ગયાં હતાં.

પાકા દબાણ હટાવવા કોઇ આયોજન નથી
પેટલાદ પાલિકા દ્વારા છાશભારે દબાણ હટાવવાની કામગીરીના નામે માત્ર પાથરણાં અને લારી ગલ્લાને જ લક્ષાંક કરે છે. પરંતુ નગરમાં અનેક માથાભારે અને મોટામાથાઓએ પાકા દબાણ કરી લીધાં છે. રણછોડજી મંદિરથી સાંઇનાથ રોડ સુધી રહેણાંકની બહાર કોમર્શિયલ બાંધકામો થયાં છે. જેમાં કેટલાક મંજુરી વગરના પણ છે. પાલિકાના ખુલ્લા પ્લોટમાં થયેલા દબાણો બાબતે કોઇ એકશન પ્લાન નથી.

Most Popular

To Top